YouVersion Logo
Search Icon

સંદર્શન 1

1
1ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલી બાબતો વિષે આ પુસ્તક છે. ઈશ્વરે તેમને આ બાબતો પ્રગટ કરી હતી, જેથી જે બનાવો ત્વરાથી બનવાના છે તે ઈશ્વરના સેવકોને જણાવી શકાય. ખ્રિસ્તે પોતાના દૂતને મોકલીને એ બધું પોતાના સેવક યોહાનને જણાવ્યું. 2અને યોહાને જે જે જોયું તે બધું જ લખ્યું. ઈશ્વર તરફથી મળેલો સંદેશ અને ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલ સત્ય વિષેનો આ અહેવાલ છે. 3આ પુસ્તક વાંચનારને તથા તેમાંનાં ભવિષ્યકથનો સાંભળનારને અને તેમાં જે લખેલું છે તેનું પાલન કરનારને ધન્ય છે. કારણ, એ બધું બનવાનો સમય પાસે આવી પહોંચ્યો છે.
સાત મંડળીઓને શુભેચ્છા
4યોહાન તરફથી આસિયા પ્રાંતની સાતે સ્થાનિક મંડળીઓને, જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે ઈશ્વર તરફથી અને તેમના રાજયાસનની આગળ જે સાત આત્માઓ છે તેમના તરફથી, 5અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ.
જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા, 6અને જેમણે તેમના પિતા એટલે ઈશ્વરની સેવા કરવા માટે આપણને યજ્ઞકારોના રાજ્યમાં દાખલ કર્યા છે, તે ઈસુને સદાસર્વકાળ ગૌરવ અને સામર્થ્ય હોજો! આમીન!
7જુઓ! તે વાદળાંમાં આવે છે! તેમને વીંધનારા સહિત બીજા સૌ તેમને જોશે અને પૃથ્વીની બધી પ્રજાઓ તેમને વિષે શોક કરશે; આમીન. 8પ્રભુ સર્વસમર્થ ઈશ્વર જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે કહે છે, “હું આલ્ફા તથા ઓમેગા છું.”#1:8 ગ્રીક મૂળાકાષરમાં પહેલો અકાષર “આલ્ફા” અને છેલ્લો “ઓમેગા” છે.
યોહાનને ખ્રિસ્તનું સંદર્શન
9હું યોહાન, તમારો ભાઈ અને ઈસુની સાથેની સંગતને લીધે તમારાં દુ:ખોમાં અને તેમના રાજમાં અને સહનશીલતામાં સહભાગી છું. ઈશ્વરનો સંદેશ અને ઈસુએ પ્રગટ કરેલ સત્યનો પ્રચાર કરવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલી દેવામાં આવ્યો હતો. 10પ્રભુને દિવસે આત્માએ મારો કબજો લીધો અને મેં રણશિંગડાના અવાજ જેવી એક મોટી વાણી મારી પાછળ બોલતી સાંભળી. 11તેણે મને કહ્યું, “તું જે જુએ તે પુસ્તકમાં લખ અને એ પુસ્તક એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાદેલ્ફિયા અને લાઓદીકિયા; એ સાતે ય સ્થાનિક મંડળીઓને મોકલી આપ.” 12પછી મારી સાથે વાત કરનારને જોવા હું પાછો ફર્યો તો મેં સોનાની સાત દીવીઓ જોઈ. 13તેમની મયે મેં માનવપુત્ર જેવા એકને જોયા. તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેર્યો હતો અને છાતી ઉપર સોનાનો પટ્ટો બાંધ્યો હતો. તેમના માથાના વાળ ઊન જેવા અને બરફ જેવા સફેદ હતા 14,15તેમની આંખો અગ્નિની જ્યોત જેવી તેજસ્વી હતી. ભઠ્ઠીમાં તપાવીને શુદ્ધ કરેલા તાંબાના જેવા તેમના પગ ચમક્તા હતા. સમુદ્રની ગર્જના જેવો તેમનો અવાજ હતો.
16તેમના જમણા હાથમાં સાત તારા હતા, અને તેમના મુખમાંથી તીક્ષ્ણ બેધારી તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો.
17તેમને જોઈને હું તેમનાં ચરણોમાં મરેલા જેવો થઈને ઢળી પડયો. પરંતુ તેમણે તેમનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, હું જ પ્રથમ તથા છેલ્લો છું. હું જીવંત છું. 18હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની#1:18 ગ્રીક: હાડેસ; હિબ્રૂ: શેઓલ; એટલે મરેલાંઓની જગ્યા. ચાવીઓ મારી પાસે છે. 19તો હવે તું જે જુએ, એટલે જે બને છે અને હવે પછી જે જે બનવાનું છે તે લખી નાખ. 20મારા જમણા હાથમાં તેં જોયેલા સાત તારા અને સોનાની સાત દીવીઓના રહસ્યનો અર્થ આ પ્રમાણે છે: સાત તારા સાત મંડળીના દૂત છે, અને સાત દીવીઓ સાત મંડળીઓ છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in