YouVersion Logo
Search Icon

નહેમ્યા 13

13
પરપ્રજાથી, અલગતા
1લોકો આગળ મોશેના નિયમશાસ્ત્રનું મોટેથી વાંચન કરવામાં આવતું હતું ત્યારે તેઓના વાંચવામાં આ શાસ્ત્રભાગ આવ્યો કે જ્યાં એમ કહેલું છે કે કોઈપણ આમ્મોની કે મોઆબીને ઈશ્વરના લોકોમાં કદી જોડાવા દેવો નહિ. 2કારણ, ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે માર્ગમાં આમ્મોન અને મોઆબના લોકોએ તેમને ખોરાકપાણી આપ્યાં નહિ. એને બદલે, તેમણે ઇઝરાયલને શાપ દેવા માટે બલામને પૈસા આપ્યા, પણ આપણા ઈશ્વરે શાપને આશિષમાં ફેરવી નાખ્યો. 3જ્યારે ઇઝરાયલી લોકોએ એ વાંચ્યું ત્યારે તેમણે સમાજમાંથી બધા વિદેશીઓને દૂર કર્યા.
નહેમ્યાના સુધારા
4આપણા ઈશ્વરના મંદિરના ભંડારની જવાબદારીમાં એલ્યાશીબ યજ્ઞકાર હતો. તેને ટોબિયા સાથે લાંબા સમયથી નિકટનો સંબંધ થયેલો હતો. 5તેણે ટોબિયાને ભંડારનો એક મોટો ઓરડો વાપરવા માટે આપ્યો. એ ઓરડો તો ધાન્ય-અર્પણો, લોબાન, મંદિરનાં પાત્રો, યજ્ઞકારો માટેનાં અર્પણો, લેવીઓને આપવામાં આવેલ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલના દશાંશો અને મંદિરના સંગીતકારો અને સંરક્ષકોને અપાયેલાં દાન રાખવા માટે હતો.
6એ બધું બન્યું ત્યારે હું યરુશાલેમમાં નહોતો. કારણ, આર્તાશાસ્તા#13:6 ‘આર્તાશાસ્તા’: ઈરાનનો સમ્રાટ હતો અને ‘બેબિલોનનો રાજા’ એવી બીજી પદવી ધરાવતો હતો. રાજાના અમલના બત્રીસમા વરસે હું તેમને અહેવાલ આપવા પાછો બેબિલોન ગયો હતો. થોડા સમય પછી તેમની પરવાનગી મેળવીને, 7હું યરુશાલેમ પાછો આવ્યો. એલ્યાશીબે ટોબિયાને ઈશ્વરના મંદિરના ચોકમાં એક મોટો ઓરડો વાપરવા આપ્યો છે એ જોઈને હું ચોંકી ઊઠયો. 8તેથી મને ખૂબ ગુસ્સો ચડયો અને મેં ટોબિયાનો સરસામાન બહાર ફેંકી દીધો. 9મેં ઓરડાનું વિધિપૂર્વકનું શુદ્ધિકરણ કરવા અને તેમાં ઈશ્વરના મંદિરનાં પાત્રો, ધાન્ય-અર્પણો અને લોબાન મૂકવાનો હુકમ કર્યો.
10મારા જાણવામાં આવ્યું કે મંદિરના સંગીતકારો અને બીજા લેવીઓ યરુશાલેમ છોડીને પોતપોતાનાં ખેતરોમાં પાછા જતા રહ્યા છે; કારણ, લોકોએ તેમને તેમના નિયત હિસ્સા આપ્યા નથી. 11મંદિર પ્રત્યે એવું દુર્લક્ષ સેવ્યા બદલ મેં અધિકારીઓને ઠપકો આપ્યો. હું લેવીઓ અને સંગીતકારોને પાછા યરુશાલેમમાં લાવ્યો અને તેમને તેમના કામ પર ચાલુ કર્યા. 12પછી સર્વ લોકો અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલનાં તેમનાં દશાંશો મંદિરના ભંડારમાં લાવવા લાગ્યા. 13મેં મંદિરના ભંડારના ઓરડાઓની જવાબદારી આ માણસોને સોંપી: યજ્ઞકાર શેલેમ્યા, નિયમશાસ્ત્રી સાદોક, અને પદાયા લેવી. ઝાક્કૂરનો પુત્ર અને માતાન્યાનો પૌત્ર હનાન તેમનો મદદનીશ હતો. પોતાના સાથી કાર્યકરોને અપાતા પુરવઠાની વહેંચણીમાં આ માણસોની પ્રામાણિક્તા અંગે હું ભરોસો રાખી શકું તેમ હતું.
14હે મારા ઈશ્વર, તમારા મંદિરને માટે અને તેના સેવાકાર્ય માટે મારાં આ બધાં કાર્યો તમે સતત સ્મરણમાં રાખજો.
15એ વખતે મેં યહૂદિયાના લોકોને સાબ્બાથદિને દ્રાક્ષ પીલતા જોયા. બીજા કેટલાક પોતાનાં ગધેડાં પર અનાજ, દ્રાક્ષાસવ, દ્રાક્ષો, અંજીર અને બીજી વસ્તુઓ લાદીને યરુશાલેમ લઈ જતા જોયા; મેં તેમને સાબ્બાથના દિવસે કંઈ નહિ વેચવા ચેતવણી આપી. 16તૂર શહેરના કેટલાક લોકો યરુશાલેમમાં રહેતા હતા અને તેઓ લોકોને વેચવા માટે સાબ્બાથદિને શહેરમાં માછલી અને અન્ય સર્વ પ્રકારનો માલસામાન લાવતા. 17મેં યહૂદી આગેવાનોને ઠપકો આપતાં કહ્યું, “તમે આ કેવું દુષ્ટ કામ કરી રહ્યા છો? તમે સાબ્બાથને અપવિત્ર કરી રહ્યા છો! 18આ કારણને લીધે તો તમારા પૂર્વજોને ઈશ્વરે શિક્ષા કરીને આ શહેરનો નાશ કર્યો હતો અને છતાં સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરીને તમે ઇઝરાયલ પર ઈશ્વરનો વિશેષ કોપ લાવવા માગો છો?”
19તેથી સાબ્બાથની શરૂઆત થતાં એટલે કે સૂર્યાસ્ત#13:19 ‘સૂર્યાસ્ત’: યહૂદી દિવસની શરૂઆત સાંજથી (સૂર્યાસ્ત) ગણાતી. થવા આવે ત્યાં સુધીમાં યરુશાલેમના દરવાજાઓ બંધ કરી દેવા અને સાબ્બાથ પૂરો ન થાય ત્યાં સુધી તે ન ઉઘાડવા મેં હુકમો આપ્યા. સાબ્બાથદિને શહેરમાં કંઈ લાવવામાં ન આવે તેની તકેદારી રાખવા મેં મારા માણસોને દરવાજાઓ પર ગોઠવ્યા. 20એકબે વાર તો સઘળા પ્રકારનો માલસામાન વેચતા વેપારીઓએ શુક્રવારે રાત્રે યરુશાલેમના કોટની બહાર મુકામ કર્યો. 21મેં તેમને તાકીદ કરી: સવાર સુધી ત્યાં રાહ જોઈને પડી રહેવાનો કોઈ અર્થ નથી. જો તમે ફરીથી આવું કરશો તો મારે તમારી સામે બળ વાપરવું પડશે.” તે પછી તેઓ ફરી સાબ્બાથના દિવસે આવ્યા નહિ. 22મેં લેવીઓને હુકમ કર્યો કે તેઓ પોતાનું શુદ્ધિકરણ કરે અને જઈને દરવાજાઓ પર ચાંપતી દેખરેખ રાખે, જેથી સાબ્બાથદિન પવિત્ર માનવામાં આવે.
હે ઈશ્વર, મારા કાર્યને પણ તમે યાદ રાખજો અને તમારા મહાન પ્રેમને લીધે મને બચાવી રાખજો.
23એ દિવસે મને એ પણ ખબર પડી કે ઘણા યહૂદી પુરુષોએ આશ્દોદ, આમ્મોન અને મોઆબની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં. 24તેમનાં અર્ધા છોકરાં આશ્દોદી ભાષા બોલતા હતાં. બીજા કેટલાંક છોકરાંને અમારી ભાષા બોલતાં આવડતું નહોતું. 25મેં એ માણસોને ઠપકો આપ્યો, તેમને શાપ આપ્યો, તેમને માર્યા અને તેમના વાળ ફાંસી નાખ્યા. પછી મેં તેમને ઈશ્વરના નામે શપથ લેવડાવ્યા કે તેઓ કે તેમનાં સંતાનો ફરી કદી વિધર્મી પરપ્રજા સાથે આંતરલગ્ન નહિ કરે. 26મેં તેમને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓએ જ શલોમોન રાજાને પાપમાં પાડયો હતો. બીજાં રાજ્યોના કોઈપણ રાજા કરતાં પણ એ તો મહાન રાજા હતો. પ્રભુ તેના પર પ્રેમ કરતા હતા અને તેને સમસ્ત ઇઝરાયલનો રાજા બનાવ્યો, અને છતાં તે આ પાપમાં પડયો. 27તો પછી અમારે પણ તમારો નમૂનો અનુસરીને પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરી ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરવો?”
28યોયાદા તો એલ્યાશીબ પ્રમુખ યજ્ઞકારનો પુત્ર હતો. પણ યોયાદાના એક પુત્રે બેથહોરોનવાસી સાનબાલ્લાટની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેથી મેં યોયાદાને યરુશાલેમમાંથી કાઢી મૂક્યો.
29હે ઈશ્વર, લોકોએ યજ્ઞકારપદને તથા યજ્ઞકારો તથા લેવીઓ સાથેના તમારા કરારને ભ્રષ્ટ કર્યો છે એનું સ્મરણ રાખજો.
30મેં લોકોને પરપ્રજાની પ્રત્યેક બાબતથી શુદ્ધ કર્યા; પ્રત્યેક યજ્ઞકાર કે લેવીને પોતાની ફરજનો ખ્યાલ રહે એ રીતે મેં તેમને માટે નીતિનિયમો ઘડી કાઢયા. 31બલિદાનો માટેના લાકડાં યોગ્ય સમયે લાવી દેવાય અને લોકો પ્રથમ લણણીનું અનાજ અને પ્રથમ પાકેલાં ફળ લાવતા રહે તેવી મેં ગોઠવણી કરી.
હે ઈશ્વર, આ બધું મારા લાભમાં સંભારજો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in