YouVersion Logo
Search Icon

માર્ક 5

5
ઈસુ પાછા જાઓ!
(માથ. 8:28-34; લૂક. 8:26-39)
1તેઓ ગાલીલ સરોવરને સામે કિનારે ગેરાસીનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા. 2ઈસુ હોડીમાંથી ઊતર્યા કે તરત જ કબર તરીકે વપરાતી ગુફાઓમાંથી નીકળતો એક માણસ તેમને સામો મળ્યો. 3એ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો, અને તે કબરોમાં વસતો હતો. કોઈ તેને સાંકળોથી પણ બાંધી શકતું ન હતું. 4તેને ઘણીવાર હાથે સાંકળો અને પગે બેડીઓથી બાંધવામાં આવ્યો હતો. પણ તે સાંકળોની કડીએ કડી તોડી નાખતો અને બેડીઓના ભૂક્કા બોલાવતો. તેને વશ કરવાની કોઈની તાક્ત ન હતી. 5તે કબરોમાં અને ડુંગરાઓમાં બૂમબરાડા પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો રાતદિવસ ભટક્યા કરતો. 6ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડયો. 7તેણે મોટે સાદે બૂમ પાડી, “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર, તમારે અને મારે શું લાગેવળગે છે? ઈશ્વરના સોગંદ દઈને હું તમને વિનવું છું કે મને પીડા દેશો નહિ.” 8તેણે આમ કહ્યું, કારણ, ઈસુએ તેને કહ્યું હતું, “હે અશુદ્ધ આત્મા, આ માણસમાંથી બહાર નીકળ!”
9ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?” માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે; કારણ, અમે ઘણા છીએ!” 10તેણે તેમને એ પ્રદેશમાંથી કાઢી નહિ મૂકવા ઈસુને આજીજી કર્યા કરી.
11નજીકમાં ટેકરીઓ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. 12તેમણે ઈસુને આજીજી કરી, “અમને ભૂંડો પાસે મોકલો, અને તેમનામાં પ્રવેશવા દો.” 13તેથી ઈસુએ તેમને જવાની રજા આપી. અશુદ્ધ આત્માઓ પેલા માણસમાંથી નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા. લગભગ બે હજાર ભૂંડોનું આખું ટોળું સીધા ઢોળાવ પરથી ઢસડાઈને સરોવરમાં ડૂબી ગયું. 14ભૂંડો સાચવનારાઓ નાસી ગયા અને શહેરમાં તથા ખેતરોમાં એના સમાચાર ફેલાવ્યા. જે બન્યું હતું તે જોવા બધા લોકો નીકળી આવ્યા. 15તેઓ ઈસુની પાસે આવ્યા અને જેનામાં અશુદ્ધ આત્માઓ રહેતા હતા તે માણસને જોયો. તે ત્યાં કપડાં પહેરેલો અને સ્વસ્થચિત્તે બેઠેલો હતો; અને તેઓ બધા ભયથી ચોંકી ઊઠયા. 16બનાવ જોનારાઓએ અશુદ્ધ આત્મા વળગેલા માણસનું અને ભૂંડોનું શું થયું હતું તે લોકોને જણાવ્યું. 17તેથી તેમણે ઈસુને તેમનો પ્રદેશ છોડીને જતા રહેવા આજીજી કરી.
18ઈસુ હોડીમાં ચઢતા હતા ત્યારે જેને અગાઉ અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તે માણસે આજીજી કરી, “મને તમારી સાથે આવવા દો.” 19પણ ઈસુએ તેને મના કરી, અને એને બદલે તેને કહ્યું, “તારે ઘેર જા અને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, અને તારા પર દયા દર્શાવી છે તે તારા કુટુંબીજનોને જણાવ.” 20તેથી તે માણસ ગયો અને ઈસુએ તેને માટે જે કર્યું હતું તે દસનગરના પ્રદેશમાં કહેતો ફર્યો; અને જેમણે સાંભળ્યું તેઓ નવાઈ પામ્યા.
યાઇરસની પુત્રી અને રક્તસ્રાવી સ્ત્રી
(માથ. 9:18-26; લૂક. 8:40-56)
21ઈસુ સરોવરને બીજે કિનારે પાછા ગયા. ત્યાં એક મોટો જનસમુદાય તેમને ઘેરી વળ્યો. 22તે સરોવર પાસે જ હતા એટલામાં યાઇરસ નામે યહૂદી ભજનસ્થાનનો એક અધિકારી આવ્યો. ઈસુને જોઈને તે તેમને પગે પડયો, અને તેણે તેમને ખૂબ જ આગ્રહપૂર્વક આજીજી કરી, 23“મારી નાની દીકરી મરવાની અણી પર છે. કૃપા કરીને આવો અને તેના માથા પર તમારો હાથ મૂકો, જેથી તે સાજી થાય, અને જીવતી રહે.” 24પછી ઈસુ તેની સાથે ચાલી નીકળ્યા. તેમની સાથે એટલા બધા લોકો ગયા કે ચારેબાજુથી તેમના પર પડાપડી થવા લાગી.
25એક સ્ત્રી હતી. તેને બાર વર્ષથી રક્તસ્રાવનો રોગ થયો હતો, અને તે તેનાથી ભયંકર રીતે પીડાતી હતી. 26જોકે ઘણા વૈદોએ તેની સારવાર કરી હતી અને તેણે પોતાના બધા પૈસા ખર્ચી નાખ્યા હતા; પણ સારું થવાને બદલે તેની હાલત વધારે અને વધારે બગડતી જતી હતી. 27તેણે ઈસુ વિષે સાંભળ્યું હોવાથી ટોળામાં ઈસુની પછવાડેથી તે આવી, અને તેણે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો; 28કારણ, તેણે પોતાના મનમાં વિચાર્યું હતું કે, “જો હું માત્ર તેમના ઝભ્ભાને સ્પર્શ કરું તો હું સાજી થઈ શકીશ.” 29તેણે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો અને તરત જ તેનો રક્તસ્રાવ અટકી ગયો. તેને પોતાને પણ લાગ્યું કે તેના શરીરમાંનું દર્દ મટી ગયું છે.
30ઈસુને તરત જ ખબર પડી કે તેમનામાંથી પરાક્રમ નીકળ્યું છે. એટલે તેમણે ટોળા તરફ ફરીને પૂછયું, “મારા ઝભ્ભાને કોણે સ્પર્શ કર્યો?” 31તેમના શિષ્યોએ જવાબ આપ્યો, “લોકો તમારા પર કેવી પડાપડી કરે છે તે તો તમે જુઓ છો, અને છતાંયે તમે પૂછો છો કે તમને કોણે સ્પર્શ કર્યો?” 32પણ કોણે સ્પર્શ કર્યો હતો તેને જોવા ઈસુએ આસપાસ નજર ફેરવી. 33પોતાને જે થયું હતું તે બધું તે સ્ત્રી જાણતી હતી. તેથી તે બીકથી ધ્રૂજતી ધ્રૂજતી આવીને તેમને પગે પડી, અને તેણે તેમને બધી હકીક્ત કહી. 34ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. શાંતિથી જા; તારું દર્દ તારાથી દૂર રહો.”
35ઈસુ હજુ બોલતા હતા એવામાં જ ભજનસ્થાનના અધિકારીને ઘેરથી કેટલાક માણસોએ આવીને કહ્યું, “તમારી દીકરી મરણ પામી છે. હવે ગુરુજીને વધારે તકલીફ શા માટે આપો છો?” 36ઈસુએ તેમની વાત પર કંઈ ધ્યાન આપ્યું નહિ, પણ ભજનસ્થાનના અધિકારીને કહ્યું, “ગભરાઈશ નહિ, ફક્ત વિશ્વાસ રાખ.” 37પછી તેમણે પિતર, યાકોબ અને તેના ભાઈ યોહાન સિવાય બીજા કોઈને પોતાની સાથે આવવા દીધા નહિ. 38તેઓ એ અધિકારીને ઘેર આવી પહોંચ્યા. ત્યાં ઈસુએ ઘોંઘાટ, રડારોળ તથા કલાપીટ સાંભળ્યાં. 39તેમણે અંદર જઈને પૂછ્યું, “આ શાનો ઘોંઘાટ છે? તમે શા માટે રડો છો? છોકરી મરણ પામી નથી; તે તો ઊંઘે છે.”
40પણ બધાએ ઈસુને હસી કાઢયા. તેથી તેમણે બધાને બહાર કાઢી મૂક્યા અને છોકરીનાં માતાપિતા અને પોતાના ત્રણ શિષ્યોને લઈને છોકરી જ્યાં સૂતી હતી તે ઓરડીમાં ગયા. 41ઈસુએ તેનો હાથ પકડીને તેને કહ્યું, “તલીથા કૂમ,”#5:41 આ અરામી ભાષાના શબ્દો છે. ઈસુની માતૃભાષા અરામી હતી. જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું: ઊઠ!”
42તે તરત જ ઊઠીને ચાલવા લાગી, કારણ, તે બાર વર્ષની હતી. એ જોઈને તેઓ ખૂબ જ આશ્ર્વર્ય પામ્યા.
43પણ કોઈને કંઈપણ નહિ કહેવાની તાકીદ કરતાં ઈસુએ તેમને કહ્યું, “તેને કંઈક ખાવાનું આપો.”

Currently Selected:

માર્ક 5: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in