માર્ક 4
4
જેવી જમીન તેવો પાક
(માથ. 13:1-9; લૂક. 8:4-8)
1ઈસુ ફરીથી ગાલીલ સરોવરને કિનારે ઉપદેશ આપવા લાગ્યા. તેમની આસપાસ એકઠું મળેલું ટોળું ઘણું મોટું હોવાથી તે હોડીમાં જઈને બેઠા. હોડી પાણીમાં હતી; જ્યારે લોકો પાણી નજીક કિનારા પર હતા. 2તેમણે તેમને ઘણીબધી વાતો ઉદાહરણોનો ઉપયોગ કરીને શીખવી. શિક્ષણ આપતાં તેમણે તેમને કહ્યું, 3“સાંભળો, એક માણસ બી વાવવા ગયો. 4ખેતરમાં બી વેરતાં કેટલાંક બી રસ્તાની કોરે પડયાં, અને પક્ષીઓ આવીને તેમને ખાઈ ગયાં. 5કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં; ત્યાં માટી થોડી હતી. બી તરત જ ઊગી નીકળ્યાં; કારણ કે ત્યાં માટીનું ઊંડાણ ન હતું. 6પછી સૂર્ય તપતાં કુમળા છોડ બળી ગયા, અને મૂળ ઊંડા ગયાં ન હોવાથી તે છોડ જલદીથી સુકાઈ ગયા. 7કેટલાંક બી કાંટાઝાંખરાંમાં પડયાં. કાંટાઝાંખરાંએ વધીને છોડને દાબી દીધા અને તેથી કંઈ પાકાયું નહિ. 8પરંતુ કેટલાંક બી જે સારી જમીનમાં પડયાં તે ઊગી નીકળ્યાં, વયાં અને પાક બેઠો. કેટલાક છોડને ત્રીસગણા, કેટલાકને સાઠગણા અને કેટલાકને સોગણા દાણા પાક્યા.” 9ઈસુએ સાર આપતાં કહ્યું, “જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો.”
ઉદાહરણ કહેવાનો હેતુ
(માથ. 13:10-17; લૂક. 8:9-10)
10ઈસુ એકલા હતા ત્યારે તેમના શ્રોતાઓમાંના કેટલાક લોકો બાર શિષ્યોની સાથે તેમની પાસે આવ્યા અને તે ઉદાહરણનો ખુલાસો કરવા કહ્યું. 11ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યો સમજવાની શક્તિ તમને અપાયેલી છે; પણ બીજા જેઓ બહાર છે તેમને બધી બાબતો ઉદાહરણો દ્વારા સંભળાવવામાં આવે છે; 12જેથી
“તેઓ જોયા જ કરે, છતાં સૂઝે જ નહિ,
તેઓ સાંભળ્યા જ કરે,
છતાં સમજી શકે નહિ,
કદાચ તેઓ ઈશ્વર તરફ પાછા ફરે,
અને તેમનાં પાપોની ક્ષમા પામે.”
ઉદાહરણનો ખુલાસો
(માથ. 13:18-23; લૂક. 8:11-15)
13પછી ઈસુએ તેમને કહ્યું, “તમે આ ઉદાહરણ સમજી ન શકો, તો પછી તમે બીજાં ઉદાહરણો કેવી રીતે સમજી શકશો? વાવનાર એટલે ઈશ્વરનો સંદેશો લાવનાર. 14સંદેશો કેટલીકવાર રસ્તાની કોરે પડેલાં બી જેવો છે; લોકો સાંભળે છે, પણ સાંભળતાની સાથે જ શેતાન આવીને તેમનામાં વાવેલો સંદેશો લઈ જાય છે. 15કેટલાક લોકો ખડકાળ જમીન જેવા છે, જેમના પર બી પડે છે. 16સંદેશો સાંભળતાની સાથે જ તેઓ તેને આનંદથી સ્વીકારી લે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડો ઊતરતો નથી, અને તેઓ લાંબો સમય ટકી શક્તા નથી. 17ઈશ્વરના સંદેશાને લીધે મુશ્કેલી કે સતાવણી આવે છે, ત્યારે તેઓ તરત જ પીછેહઠ કરે છે. બીજા કેટલાક લોકો કાંટાઝાંખરાવાળી જમીન જેવા છે, જેમના પર બી વવાય છે. 18તે લોકો સંદેશો સાંભળે છે; 19પણ દુન્યવી ચિંતાઓ, ધનની માયા અને બીજી અનેકવિધ લાલસાઓ તેમનામાં પ્રવેશીને સંદેશાને કચડી નાખે છે, અને તે નિષ્ફળ જાય છે. 20પણ બીજા કેટલાક લોકો સારી જમીન જેવા છે, જેમાં બી વવાય છે. તેઓ સંદેશો સાંભળે છે, સ્વીકારે છે અને કેટલાક ત્રીસગણો, કેટલાક સાઠગણો અને કેટલાક સોગણો પાક ઉપજાવે છે.”
દીવાનું સ્થાન ક્યાં?
(લૂક. 8:16-18)
21વળી, ઈસુએ કહ્યું, “શું કોઈ દીવો લાવીને તેને વાસણ તળે કે પથારી નીચે મૂકે એવું બને? તે તેને દીવી પર નહિ મૂકે? 22જે સંતાડેલું છે તેને બહાર લાવવામાં આવશે, અને જે ઢંક્યેલું છે તેને ખુલ્લું કરવામાં આવશે. 23તેથી જો તમારે સાંભળવાને કાન હોય, તો સાંભળો!”
24વળી, તેમણે તેમને કહ્યું, “તમે જે સાંભળો છો તે વિષે સાવધ રહો. તમે બીજાઓનો ન્યાય જે ધારાધોરણ પ્રમાણે કરો છો, તે જ ધારાધોરણ પ્રમાણે અને વધુ કડકાઈથી ઈશ્વર તમારો ન્યાય કરશે. જે માણસ પાસે કંઈક છે તેને વધારે આપવામાં આવશે. 25જે માણસ પાસે કંઈ નથી, તેની પાસેથી તેનું જે થોડુંક છે તે પણ લઈ લેવામાં આવશે.”
વૃદ્ધિ પામતું બી
26વળી, ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ માણસ ખેતરમાં બી વેરતો હોય તેના જેવું છે. 27તે રાત્રે ઊંઘે ને સવારે ઊઠે; એ દરમિયાન બી ઊગી નીકળે છે અને પછી વધે છે; છતાં એ કેવી રીતે થાય છે તે તે સમજી શક્તો નથી. 28ભૂમિમાંથી છોડ પોતાની મેળે જ ઊગી નીકળે છે, અને તેને ફળ આવે છે: પ્રથમ અંકુર, પછી કણસલું અને છેલ્લે દાણા ભરેલું કણસલું. 29અનાજ પાક્તાં તે માણસ દાતરડું લઈને લણવા લાગી જાય છે; કારણ, કાપણીનો સમય થયો છે.”
નાનો દાણો, મોટો છોડ
(માથ. 13:31-32,34; લૂક. 13:18-19)
30ઈસુએ પૂછયું, “ઈશ્વરના રાજને આપણે શાની સાથે સરખાવીશું? એ સમજાવવા આપણે કયું ઉદાહરણ વાપરીશું? 31એની સરખામણી આ રીતે કરી શકાય: રાઈનું બી દુનિયામાં સૌથી નાનું બી છે. માણસ એને લઈને જમીનમાં વાવે છે; 32થોડા સમયમાં તો તે ઊગી નીકળે છે, અને છોડવાઓમાં સૌથી મોટો છોડ બની જાય છે. એની ડાળીઓ એટલી લાંબી થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની છાયામાં પોતાના માળા બાંધે છે.”
33ઈસુએ આવાં બીજાં ઘણાં ઉદાહરણોનો ઉપયોગ કરીને લોકોને ઉપદેશ આપ્યો. તેઓ સમજી શકે તેટલું તેમણે તેમને શીખવ્યું. 34તેમની સાથે તે ઉદાહરણો વિના બોલ્યા નહિ. પણ પોતાના શિષ્યોની સાથે એકલા હોય, ત્યારે તે તેમને બધું સમજાવતા.
તોફાન અને શાંતિ
(માથ. 8:23-27; લૂક. 8:22-25)
35એ જ દિવસે સાંજે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને સામે કિનારે જઈએ.” 36તેથી તેઓ જનસમુદાયને મૂકીને ગયા. ઈસુ જે હોડીમાં હતા તેમાં જ તેઓ તેમને લઈને ઉપડયા. તેમની સાથે બીજી હોડીઓ પણ હતી. 37પવનનું ભારે તોફાન થયું. મોજાં ઊછળીને હોડી સાથે અથડાવા લાગ્યાં અને તેથી હોડી પાણીથી ભરાઈ જવા લાગી. 38ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકવી ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, “ગુરુજી, અમે તો મરવા પડયા છીએ તેની કંઈ ચિંતા તમને નથી?”
39ઈસુએ ઊઠીને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું, “શાંત રહે, બંધ થા.” પવન બંધ થઈ ગયો, અને ગાઢ શાંતિ સ્થપાઈ. 40પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “તમે કેમ ભયભીત થયા? તમને હજુયે વિશ્વાસ નથી?”
41પણ તેઓ ભયથી ચોંકી ઊઠયા અને એકબીજાને કહેવા લાગ્યા, “આ કેવા પ્રકારની વ્યક્તિ છે! પવન અને સરોવરનાં મોજાં પણ તેમને આધીન થાય છે!”
Currently Selected:
માર્ક 4: GUJCL-BSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide