માર્ક 3
3
સુકાઈ ગયેલા હાથવાળો માણસ
(માથ. 12:9-14; લૂક. 6:6-11)
1ઈસુ ફરીથી એકવાર ભજનસ્થાનમાં ગયા. ત્યાં સુકાઈ ગયેલા હાથવાળો એક માણસ હતો. 2કેટલાક માણસો ઈસુ કંઈક ખોટું કરે તો તેમને દોષિત ઠરાવવાનું કારણ શોધતા હતા; તેથી ઈસુ તેને વિશ્રામવારે સાજો કરશે કે કેમ તે જોવા તેઓ ચાંપતી નજર રાખી રહ્યા હતા. 3ઈસુએ સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું. “અહીં આગળ આવ.” 4પછી તેમણે લોકોને પૂછયું, “આપણું નિયમશાસ્ત્ર આપણને વિશ્રામવારે શું કરવાનું કહે છે? સહાય કરવાનું કે નુક્સાન કરવાનું? માણસને બચાવવાનું કે તેને મારી નાખવાનું?” તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. 5ઈસુએ તેમના તરફ ગુસ્સાભરી નજર ફેરવી; અને તેઓ હઠીલા અને કઠોર હોવાથી તેમને દુ:ખ થયું. પછી પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે પોતાનો હાથ લાંબો કર્યો એટલે તે પહેલાંના જેવો સાજો થઈ ગયો. 6તેથી ફરોશીઓ ભજનસ્થાનમાંથી ચાલ્યા ગયા, અને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા માટે તેઓ હેરોદના પક્ષના કેટલાક સભ્યોને તરત જ મળ્યા.
સરોવરક્ંઠે જનસમુદાય
7ઈસુ અને તેમના શિષ્યો સરોવરે જતા રહ્યા, અને લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો. એ લોકો ગાલીલમાંથી, યહૂદિયામાંથી 8યરુશાલેમમાંથી, અદોમના પ્રદેશમાંથી, યર્દન નદીની પેલે પારના પ્રદેશમાંથી અને તૂર તથા સિદોનની આસપાસના ભાગમાંથી આવ્યા હતા. ઈસુ જે કાર્યો કરી રહ્યા હતા તે સાંભળીને આ મોટો સમુદાય તેમની પાસે આવ્યો હતો. 9સમુદાય એટલો મોટો હતો કે પોતે ભીડમાં કચડાઈ ન જાય તે માટે ઈસુએ પોતાના શિષ્યોને હોડી તૈયાર કરવા કહ્યું. 10કારણ, તેમણે ઘણા લોકોને સાજા કર્યા હતા, અને બધા બીમાર માણસો તેમની પાસે જઈને તેમને સ્પર્શ કરવા પડાપડી કરતા હતા, 11અને અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઈસુને જોઈને તેમને પગે પડીને પોકારી ઊઠતા, “તમે તો ઈશ્વરપુત્ર છો!”
12પોતે કોણ છે એ જાહેર ન કરવા ઈસુએ દુષ્ટાત્માઓને સખત તાકીદ કરી.
બાર પ્રેષિતોની પસંદગી
(માથ. 10:1-4; લૂક. 6:12-16)
13પછી ઈસુ પર્વત પર ગયા અને પોતાની પાસે પોતાની પસંદગીના માણસોને બોલાવ્યા. તેઓ તેમની પાસે ગયા, 14અને તેમણે બારની નિમણૂક કરી; જેમને તેમણે પ્રેષિતો કહ્યા. તેમણે તેમને કહ્યું, “મારી સાથે રહેવા મેં તમારી નિમણૂક કરી છે; હું તમને પ્રચાર કરવા મોકલીશ. 15દુષ્ટાત્માઓને હાંકી કાઢવાનો અધિકાર પણ હું તમને આપીશ.”
16તેમણે નીમેલા બાર પ્રેષિતો આ પ્રમાણે છે: સિમોન (ઈસુએ તેનું ઉપનામ પિતર રાખ્યું); 17ઝબદીના દીકરા યાકોબ અને તેનો ભાઈ યોહાન (ઈસુએ તેમને બોઆનેર્ગેસ, અર્થાત્ “ગર્જનાના પુત્રો” એવું ઉપનામ આપ્યું); 18આંદ્રિયા, ફિલિપ, બારથોલમી, માથ્થી, થોમા, આલ્ફીનો દીકરો યાકોબ, થાદી, 19સિમોન ધર્માવેશી તથા ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઈશ્કારિયોત.
ઈસુ અને બાલઝબૂલ
(માથ. 12:22-32; લૂક. 11:14-23; 12:10)
20પછી ઈસુ ઘેર આવ્યા. ફરીથી લોકોનો એવો મોટો સમુદાય એકઠો થયો કે ઈસુ તથા તેમના શિષ્યોને ખાવાનો પણ સમય ન મળ્યો. 21જ્યારે તેમનાં કુટુંબીજનોએ આ બધું સાંભળ્યું ત્યારે તેઓ ઈસુને પકડી લાવવા નીકળી પડયા; કારણ, લોકો કહેતા હતા, “તે પાગલ થઈ ગયો છે!” 22યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના શિક્ષકો કહેતા હતા, “તેનામાં બાલઝબૂલ છે,” અને “દુષ્ટાત્માઓના સરદારની મદદ દ્વારા જ તે દુષ્ટાત્માઓ કાઢે છે.” 23તેથી ઈસુએ તેમને પોતાની પાસે બોલાવી કેટલાંક ઉદાહરણ આપતાં કહ્યું: “શેતાન પોતાને જ કેવી રીતે હાંકી કાઢે? 24જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે રાષ્ટ્રનું પતન થશે. 25જો કોઈ કુટુંબ અરસપરસ લડતાં જૂથોમાં વહેંચાઈ જાય, તો તે કુટુંબ નાશ પામશે. 26તેવી જ રીતે શેતાનના રાજ્યમાં ભાગલા પડી જાય, તો તે ટકી શકે નહિ, પણ તેનું પતન થાય અને તેનો અંત આવે.
27“બળવાન માણસને પ્રથમ બાંયા વિના તેના ઘરમાં જઈને કોઈ તેની માલમિલક્ત લૂંટી શકતું નથી. તેને બાંયા પછી જ તેનું ઘર લૂંટી શકાય છે. 28હું તમને સાચે જ કહું છું: માણસોને તેમનાં બધાં પાપની અને ઈશ્વરનિંદાની ક્ષમા મળી શકે છે, 29પણ પવિત્ર આત્મા વિરુદ્ધ જે કોઈ ભૂંડી વાત બોલશે તેને કદી માફ કરવામાં આવશે નહિ; 30કારણ, પોતાને માથે સાર્વકાલિક દોષ રહે એવું પાપ તેણે કર્યું છે.” કારણ, કેટલાકે “તેને દુષ્ટાત્મા વળગ્યો છે” એવું કહ્યું હતું.
સાચાં સગાં કોણ?
(માથ. 12:46-50; લૂક. 8:19-21)
31પછી ઈસુનાં મા અને તેમના ભાઈઓ આવ્યાં. તેઓએ ઘરની બહાર ઊભા રહીને તેમને બોલાવવા સંદેશો મોકલ્યો. 32ઈસુની આજુબાજુ લોકો બેઠેલા હતા. લોકોએ તેમને કહ્યું, “જુઓ, તમારાં મા અને તમારા ભાઈઓ બહાર તમારી રાહ જુએ છે.” 33ઈસુએ જવાબ આપ્યો, “મારાં મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?” 34તેમણે પોતાની આજુબાજુ ગોળાકારે બેઠેલા લોકો ઉપર નજર ફેરવતાં કહ્યું, “જુઓ, આ રહ્યાં મારાં મા અને મારા ભાઈઓ! 35જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્તે છે તે જ મારો ભાઈ કે મારી બહેન કે મારાં મા છે.”
Currently Selected:
માર્ક 3: GUJCL-BSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide