YouVersion Logo
Search Icon

મિખા 7

7
ઇઝરાયલનું નૈતિક પતન
1મારી કેવી દુર્દશા થઈ છે! ઉનાળામાં ફળ ઉતારી લીધા પછી કોઈ ખાવા માટે બાકી રહી ગયેલાં ફળ શોધવા જાય અને કંઈ મળે નહિ એવા ભૂખ્યા માણસ જેવો હું છું; પણ મારે માટે તો દ્રાક્ષની એક લૂમ પણ રહી નથી અથવા મનપસંદ સ્વાદિષ્ટ અંજીર પણ નથી! 2દેશમાં કોઈ ધર્મિષ્ઠ માણસ રહેવા પામ્યો નથી. વળી, ઈશ્વરને કોઈ વફાદાર નથી. દરેક જણ ખૂન કરવાનો લાગ શોધે છે. દરેક પોતાના ભાઈનો શિકાર કરવા તેની પાછળ પડી જાય છે. 3તેઓ બધા જ દુષ્ટતા આચરવામાં પાવરધા છે. અધિકારીઓ અને ન્યાયાધીશો લાંચ માગે છે. વફાદાર માણસ પોતાને જોઈતી વસ્તુ માગે છે અને તે મુજબ તેઓ ભેગા થઈને કાવાદાવા કરે છે.#7:3 ‘અને તે મુજબ... કરે છે’: હિબ્રૂ પાઠ સ્પષ્ટ નથી. 4તેઓમાં શ્રેષ્ઠ ગણાતો માણસ ઝાંખરાં જેવો અને સૌથી પ્રામાણિક મનાતો માણસ કાંટા કરતાંયે નકામો છે.
સંદેશવાહકોએ જેને વિષે ચેતવણી આપી છે તે દિવસ આવી પહોંચ્યો છે અને ત્યારે ઈશ્વર લોકોને સજા કરશે. હવે તેઓ ભારે વિમાસણમાં પડી ગયા છે.
5પડોશીનો વિશ્વાસ ન રાખ. વળી, તારા મિત્રનો ભરોસો ન કર. અરે, તારી સોડમાં સૂનારી તારી પત્ની સાથે ય વાત કરવામાં કાળજી રાખ. 6આવે વખતે પુત્રો પિતાનું માન રાખશે નહિ, પુત્રીઓ માતાની સામે થશે, યુવાન સ્ત્રીઓ સાસુઓ સામે લડશે. પોતાના કુટુંબીજનો જ માણસના શત્રુ થશે.
7પણ હું તો પ્રભુ તરફ તાકી રહીશ અને મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની વાટ જોઈશ. મારા ઈશ્વર મારું સાંભળશે.
પ્રભુ ઉદ્ધાર કરશે
8હે મારા#7:8 ‘મારા....મારી... હું’ વિગેરે: (કલમ 8-10 સમૂહવાચક) મિખા સંદેશવાહક લોકોના પ્રતિનિધિ તરીકે કબૂલાત કરે છે. મારા: અમારા, મારી: અમારી, હું: અમે. શત્રુ, મારી દુર્દશામાં આનંદ ન કર. હું પડયો છું, પણ પાછો ઊભો થઈશ. હું હમણાં અંધારામાં છું, પણ પ્રભુ પોતે મારો પ્રકાશ બનશે. 9હું પ્રભુનો કોપ સહન કરીશ. કારણ, મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. પણ અંતે તો તે મારો પક્ષ લેશે અને મને ન્યાય અપાવશે. તે મને પ્રકાશમાં લાવશે અને હું તેમને હાથે મારો ઉદ્ધાર થયેલો જોઈશ. 10ત્યારે મારી દુશ્મન પ્રજા શરમિંદી બની જશે અને “તારો ઈશ્વર પ્રભુ ક્યાં છે” એવું પૂછનારને હું પરાજિત થયેલ અને શેરીના ખૂંદાતા ક્દવની જેમ ખૂંદાતા જોઈશ.#7:10 ‘ખૂંદાતા જોઈશ’: અથવા, ‘તેમને ખૂંદાયેલા જોઈને અમે આનંદ કરીશું.’
11હે યરુશાલેમના લોકો, શહેરનો કોટ બાંધવાનો સમય આવી રહ્યો છે. તે સમયે તમારી સરહદ વિસ્તૃત કરાશે. 12તે દિવસે તમારા લોકો આશ્શૂરથી અને ઇજિપ્તનાં નગરોમાંથી અરે, ઇજિપ્ત અને યુફ્રેટિસ નદી વચ્ચેના સમગ્ર પ્રદેશમાંથી સમુદ્રથી સમુદ્ર અને પર્વતથી તે પર્વત વચ્ચેના પ્રદેશમાંથી પાછા ફરશે. 13પરંતુ પૃથ્વી તેમાં વસનાર લોકોની દુષ્ટતાને લીધે વેરાન બની જશે.
ઇઝરાયલ પ્રત્યે અનુકંપા
14હે પ્રભુ, તમારા લોકના પાલક બનો. તમારા પસંદ કરેલા લોક એ જ તમારું ટોળું છે. તેઓ ફળદ્રુપ પ્રદેશથી ઘેરાયેલા છે, છતાં પોતે વેરાન પ્રદેશમાં એકાંતમાં રહે છે. પ્રાચીન સમયની જેમ તેમને બાશાન અને ગિલ્યાદમાં સમૃદ્ધ ગૌચરોમાં ચરવા દો.
15હે પ્રભુ, અમને તમે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા ત્યારે કરેલાં કાર્યો જેવાં અદ્‍ભુત કાર્યો અમારે માટે કરો. 16અન્ય પ્રજાઓ તે જોઈને નાસીપાસ થઈ જશે, પછી તે ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય! તેઓ શરમથી પોતાનું મોં ઢાંકી દેશે અને તેમના કાન બહેરા થઈ જશે. 17તેઓ સાપની જેમ ધૂળમાં પેટે ચાલશે. ભારે ભય અને ધ્રુજારી સાથે તેઓ તેમના કિલ્લાઓમાંથી બહાર નીકળી આવશે. તેઓ બીકથી ઈશ્વર આપણા પ્રભુ તરફ ફરશે.
18તમારા જેવા ઈશ્વર કોણ છે? કારણ, તમે તો પાપ ક્ષમા કરો છો. તમારા વારસાના એટલે કે તમારા લોકના બચી ગયેલા માણસોના અપરાધ તમે વિસારે પાડો છો. તમે તમારો ક્રોધ હંમેશાં રાખતા નથી, કારણ, દયા કરવામાં તમને આનંદ આવે છે. 19તમે ફરીવાર અમારા પર કરુણા કરશો. તમે અમારાં પાપ તમારા પગ તળે ખૂંદશો અને અમારા સર્વ અપરાધોને સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશો. 20પ્રાચીન સમયમાં અમારા પૂર્વજો અબ્રાહમ અને યાકોબ સમક્ષ તમે સમ ખાઈને આપેલાં વચન પ્રમાણે તમારું વિશ્વાસુપણું અને તમારો અવિચળ પ્રેમ અમારા પ્રત્યે દેખાડશો.

Currently Selected:

મિખા 7: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in