YouVersion Logo
Search Icon

મિખા 6

6
ઇઝરાયલ વિરુદ્ધ પ્રભુની ફરિયાદ
1ઇઝરાયલની વિરુદ્ધ પ્રભુની ફરિયાદ સાંભળો. હે પ્રભુ, ઊઠો અને તમારી ફરિયાદ રજૂ કરો. તમારે જે કહેવાનું છે તે પહાડો અને ટેકરીઓને સાંભળવા દો.
2હે પર્વતો, હે પૃથ્વીના અવિચળ પાયાઓ, પ્રભુની દલીલ સાંભળો. પ્રભુને પોતાના લોકની વિરુદ્ધ ફરિયાદ છે. તે ઇઝરાયલ પર આરોપ મૂકવાના છે.
3પ્રભુ કહે છે, “હે મારા લોક, મેં તમને શું કર્યું છે? શું હું તમારે માટે ભારરૂપ બન્યો છું? મને જવાબ આપો. હું તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો. 4મેં તમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તમને દોરવા માટે મેં મોશે, આરોન અને મિર્યામને મોકલ્યાં. 5હે મારા લોક, મોઆબના રાજા બાલાકે તમારી વિરુદ્ધ મસલત કરી અને બયોરના પુત્ર બલઆમે તેનો કેવો ઉત્તર આપ્યો તે યાદ કરો. વળી, શિટ્ટિમથી ગિલ્ગાલની મુસાફરીમાં બનેલા બનાવો યાદ કરો; એ બધું યાદ કરો એટલે મેં પ્રભુએ તમારો બચાવ કરવા કરેલાં ન્યાયશાસનીય કૃત્યોનો તમને ખ્યાલ આવશે.”
પ્રભુ શું માગે છે?
6સર્વોચ્ચ ઈશ્વર પ્રભુની સન્મુખ તેમની ભક્તિ કરવા હું શું લઈને આવું? શું હું દહનબલિ માટે શ્રેષ્ઠ વાછરડા લાવું? 7હજારો ઘેટાં કે ઓલિવ તેલની હજારો નદીઓથી શું પ્રભુ પ્રસન્‍ન થશે? મારા પાપને લીધે મારા પ્રથમજનિતનું બલિદાન આપું? મારા દેહજણ્યા દીકરાને ચડાવું?
8હે માનવ, સારું શું છે તે તો પ્રભુએ તને જણાવેલું જ છે. પ્રભુ તો માત્ર આટલું જ માગે છે: ન્યાયપૂર્વક વર્તવું, પ્રેમ દાખવવો અને પ્રભુની સાથે નમ્રતાથી ચાલવું.
9પ્રભુનો ડર રાખવો એમાં ડહાપણ છે. તે શહેરને હાંક મારે છે: “હે નગરજનો, સજાની સોટી અને એનું નિર્માણ કરનારને લક્ષમાં લો અને ચેતો. 10દુષ્ટોનાં ઘર અનીતિથી મેળવેલા ધનથી ભરેલાં છે. તેઓ ધિક્કારપાત્ર એવાં ખોટાં માપ વાપરે છે.#6:10 કલમ 10: હિબ્રૂ પાઠ સ્પષ્ટ નથી. 11ખોટાં ત્રાજવાં અને વજનિયાં વાપરનાર લોકોને હું કેવી રીતે નિર્દોષ જાહેર કરું? 12શહેરના શ્રીમંતો ગરીબોનું શોષણ કરે છે. તેના લોકો જૂઠા અને બોલવે કપટી છે. 13તેથી મેં તમને તમારા પાપને લીધે ઘાયલ કર્યા છે અને તમારી તારાજી આરંભી દીધી છે.#6:13 આરંભી દીધી છે: કેટલાક પ્રાચીન અનુવાદોને આધારે; હિબ્રૂ પાઠ: ‘માંદા બનાવ્યા છે’. 14તમે ખાશો પણ તૃપ્ત થશો નહિ; બલ્કે ભૂખ્યા જ રહેશો. તમે સંગ્રહ તો કરો છો પણ કંઈ બચશે નહિ; કારણ, તમે જે કંઈ બચત કરશો તેનો હું લડાઈમાં નાશ કરીશ. 15તમે વાવશો પણ પાક લણવા પામશો નહિ. તમે દ્રાક્ષો ખૂંદશો પણ દ્રાક્ષાસવ પીવા પામશો નહિ. તમે ઓલિવનું તેલ કાઢશો, પણ તમારે અંગે તેનું માલિશ કરવા પામશો નહિ. 16તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.”#6:16 મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.’: અથવા, ‘લોકો સર્વત્ર તમારા પ્રત્યે ઘૃણાપૂર્વક વર્તશે.’

Currently Selected:

મિખા 6: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in