માથ્થી 7
7
બીજાઓનો ન્યાય ન કરો
(લૂક. 6:37-38,41-42)
1બીજાઓનો ન્યાય ન કરો, જેથી ઈશ્વર પણ તમારો ન્યાય ન કરે. 2જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે. 3તું તારા ભાઈની આંખમાં તણખલું જુએ છે અને તારી પોતાની જ આંખમાં પડેલો લાકડાનો ભારટિયો કેમ જોતો નથી? 4તારી પોતાની જ આંખમાં લાકડાનો ભારટિયો હોવા છતાં તું તારા ભાઈને એમ કહેવાની હિંમત કેમ કરે છે કે, ’મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે!’ 5ઓ ઢોગીં! તારી પોતાની આંખમાંથી એ લાકડાનો ભારટિયો પ્રથમ કાઢી લે, અને ત્યાર પછી જ તને તારા ભાઈની આંખમાંનું તણખલું કાઢવાનું સારી રીતે સૂઝશે.
6પવિત્ર વસ્તુ કૂતરાંની આગળ ન નાખો; તેઓ તો તમારી સામા થઈને ફાડી ખાશે. વળી, તમારાં મોતી ભૂંડની આગળ વેરશો નહિ; તેઓ તો તેને પગ તળે ખૂંદશે.
માગો, શોધો અને ખટખટાવો
(લૂક. 11:9-13)
7માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે અને ખટખટાવો તો તમારે માટે ઉઘાડવામાં આવશે. 8કારણ, જે કોઈ માગે છે તેને મળે છે, શોધે છે તેને જડે છે અને ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે. 9તમારામાંથી શું કોઈ પિતા પોતાનો પુત્ર રોટલી માગે ત્યારે પથરો આપશે? 10અથવા જ્યારે તે માછલી માગે ત્યારે સાપ આપશે? 11આમ, દુષ્ટ હોવા છતાં તમે તમારાં બાળકોને સારી વસ્તુઓ આપી જાણો છો, તોપછી તમારા આકાશમાંના ઈશ્વરપિતા જેઓ તેમની પાસે માગણી કરે છે તેમને તેથી વધારે સારી બાબતો નહીં આપે?
12બીજાઓ પાસે જેવા વર્તાવની તમે અપેક્ષા રાખો છો, તેવો વર્તાવ તમે કરો. મોશેના નિયમશાસ્ત્ર અને સંદેશવાહકોના શિક્ષણનો સાર આ જ છે.
સાંકડું પ્રવેશદ્વાર
(લૂક. 13:24)
13સાંકડા પ્રવેશદ્વારની મારફતે પ્રવેશ કરો. કારણ, વિનાશમાં લઈ જનાર પ્રવેશદ્વાર પહોળું અને માર્ગ સરળ છે અને તેના પર મુસાફરી કરનારા ઘણા છે. 14જીવનમાં લઈ જનાર પ્રવેશદ્વાર સાંકડું અને માર્ગ મુશ્કેલ છે અને બહુ જ થોડા તેને શોધી શકે છે.
જેવું વૃક્ષ તેવું ફળ
(લૂક. 6:43-44)
15જુઠ્ઠા સંદેશવાહકોથી સાવધ રહો. બહારથી તો તેઓ ઘેટા જેવો દેખાવ કરીને આવે છે, પણ અંદરથી તેઓ ફાડી ખાનાર વરૂના જેવા હોય છે. 16તેમના વર્તનરૂપી ફળ પરથી તમે તેમને ઓળખી શકશો. કાંટાના વૃક્ષને દ્રાક્ષ લાગતી નથી, અને થોર પર અંજીર પાક્તાં નથી. 17સારા ગુણ ધરાવતું વૃક્ષ સારું ફળ આપે છે, પણ ખરાબ ગુણ ધરાવતું વૃક્ષ ખરાબ ફળ આપે છે. 18જે સારું વૃક્ષ છે તે ખરાબ ફળ આપી શકે નહિ અને ખરાબ વૃક્ષ સારું ફળ આપી શકે નહિ. 19જે કોઈ વૃક્ષ સારું ફળ આપી શકતું નથી તેને કાપી નાખવામાં આવે છે, અને અગ્નિમાં બાળી નાખવામાં આવે છે. 20આમ, તમે જુઠ્ઠા સંદેશવાહકોને તેમના વર્તન પરથી ઓળખી શકશો.
દંભીઓ દૂર જાઓ
(લૂક. 13:25-27)
21જે કોઈ મને ’પ્રભુ, પ્રભુ’ કહીને પોકારે છે તે બધા ઈશ્વરના રાજમાં પ્રવેશ કરશે તેવું નથી. પણ જે કોઈ મારા આકાશમાંના ઈશ્વરપિતાની ઇચ્છાને અનુસરે છે તેઓ જ પ્રવેશ કરશે. 22તે દિવસે ઘણા મને કહેશે, ’પ્રભુ, પ્રભુ! તમારે નામે અમે ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો હતો, ઘણા અશુદ્ધ આત્માઓને કાઢયા હતા અને ઘણા ચમત્કારો કર્યા હતા!’ 23ત્યારે હું તેમને જવાબ આપીશ, ’હું તમને ઓળખતો નથી. ઓ દુરાચારીઓ, મારાથી દૂર જાઓ.’
સ્થિર પાયો
(લૂક. 6:47-49)
24જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળે છે તેને એક શાણો માણસ, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ. 25પુષ્કળ વરસાદ વરસ્યો, નદીઓમાં પૂર આવ્યાં અને તે ઘર પર જોરશોરથી પવનના સપાટા લાગ્યા, પણ તે પડી ગયું નહિ. કારણ, તેનો પાયો ખડક પર હતો.
26પણ જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળતો નથી તેને એક મૂર્ખ માણસ, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ. 27પુષ્કળ વરસાદ વરસ્યો, નદીઓમાં પૂર આવ્યાં અને તે ઘર પર જોરશોરથી પવનના સપાટા લાગ્યા અને તે પડી ગયું. આ પતન કેવું ભયંકર હતું!
ઈસુનો અધિકાર
28ઈસુએ આ બાબતો જણાવી પોતાનું વચન સમાપ્ત કર્યું. તેમના શિક્ષણથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. 29કારણ, નિયમશાસ્ત્રના શિક્ષકોની જેમ નહિ, પણ પૂરા અધિકારથી તેમણે શિક્ષણ આપ્યું.
Currently Selected:
માથ્થી 7: GUJCL-BSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide