YouVersion Logo
Search Icon

માથ્થી 4

4
ઈસુનું પ્રલોભન
(માર્ક. 1:12-13; લૂક. 4:1-13)
1ત્યાર પછી ઈસુ પવિત્ર આત્મા દ્વારા વેરાન દેશમાં જવા પ્રેરાયા; જેથી શેતાન તેમનું પ્રલોભન કરે. 2ચાળીસ રાતદિવસ સુધી ઉપવાસ પછી ઈસુ ભૂખ્યા થયા. 3શેતાન તેમની પાસે આવ્યો, અને કહ્યું, જો તું ઈશ્વરપુત્ર છે, તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય.
4ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, ’માનવી ફક્ત રોટલીથી જ નહિ, પણ ઈશ્વરના મુખે ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે’.
5ત્યાર પછી શેતાન ઈસુને પવિત્ર શહેરમાં#4:5 એટલે ઇઝરાયલની રાજધાની યરુશાલેમ. લઈ જાય છે અને મંદિરના સૌથી ઊંચા ભાગ પર બેસાડીને કહે છે, 6જો તું ઈશ્વરપુત્ર છે, તો નીચે કૂદકો માર. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: ’ઈશ્વર પોતાના દૂતોને તારા સંબંધી હુકમ આપશે અને તેઓ તને તેમના હાથમાં ઝીલી લેશે; જેથી તારા પગને પણ પથ્થરથી ઈજા થાય નહિ’.
7ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં એમ પણ લખેલું છે, ’તારે પ્રભુ તારા ઈશ્વરની પરીક્ષા કરવી ન જોઈએ.’
8ત્યાર પછી શેતાન ઈસુને એક ઊંચા પર્વત પર લઈ ગયો અને દુનિયાનાં બધાં રાજયો અને તેમનો વૈભવ બતાવ્યાં. 9પછી શેતાને કહ્યું, જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધું હું તને આપીશ.
10પણ ઈસુએ જવાબ આપ્યો, શેતાન, દૂર હટ! શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને માત્ર તેમની જ સેવા કર.’
11ત્યાર પછી શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.
ગાલીલમાં સેવાકાર્યની શરૂઆત
(માર્ક. 1:14-15; લૂક. 4:14-15)
12યોહાનને કેદમાં પૂરવામાં આવ્યો છે તેવું ઈસુએ સાંભળ્યું, ત્યારે તે ગાલીલ દેશમાં ગયા. 13તે નાઝારેથમાં ઠરીઠામ થયા નહિ, પણ ઝબૂલુન અને નાફતગાલીના દેશમાં ગાલીલ સરોવરને કિનારે આવેલા કાપરનાહૂમ શહેરમાં વસ્યા. 14યશાયા સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય તે માટે એમ બન્યું:
15ઓ ઝબૂલુન અને નાફતગાલીના દેશ,
યર્દનની પેલે પાર સરોવરને કિનારે
આવેલા બિનયહૂદીઓના ગાલીલ!
16જે જા અંધકારમાં વસતી હતી
તેને મહાન પ્રકાશ દેખાયો,
અને જે જા મૃત્યુછાયાના
દેશમાં વસતી હતી
તેની સમક્ષ જ્યોતિનો ઉદય થયો.
17આ સમયથી ઈસુએ પોતાનું પ્રચારકાર્ય શરૂ કર્યું: તમારાં પાપથી પાછા ફરો; કારણ, ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે.
ચાર માછીઓને આમત્રંણ
(માર્ક. 1:16-20; લૂક. 5:1-11)
18ઈસુ ગાલીલ સરોવરને કિનારે ચાલતા હતા. તેમણે બે માછી ભાઈઓ, સિમોન પિતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા. 19ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો, એટલે હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ. 20તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈને ઈસુની પાછળ ચાલી નીકળ્યા.
21તે આગળ ચાલ્યા, અને બીજા બે ભાઈઓ, ઝબદીના પુત્રો યાકોબ અને યોહાનને તેમણે જોયા. તેઓ હોડીમાં તેમના પિતા ઝબદીની સાથે જાળો સાંધતા હતા. ઈસુએ તેમને બોલાવ્યા. 22તરત જ તેઓ હોડી તથા તેમના પિતાને મૂકીને ઈસુની પાછળ ચાલી નીકળ્યા.
ઈસુનાં શિક્ષણ અને સેવાકાર્ય
(લૂક. 6:17-19)
23ઈસુ સમગ્ર ગાલીલ દેશમાં તેમનાં ભજનસ્થાનોમાં ઈશ્વરના રાજનો શુભસંદેશ પ્રગટ કરતા અને દરેક પ્રકારની માંદગી અને બીમારીમાં સપડાયેલાંને સાજા કરતા ફર્યા. 24તેમની કીર્તિ સમગ્ર સિરિયા દેશમાં ફેલાઈ ગઈ. તેથી લોકો જાતજાતના રોગથી પીડાતા અને બધા પ્રકારના પીડિતોને, એટલે દુષ્ટાત્મા વળગેલાઓ, વાઈના દર્દીઓ અને લકવાવાળાઓને ઈસુની પાસે લાવ્યા. ઈસુએ એ બધાને સાજા કર્યા. 25ગાલીલ દેશમાંથી, દસનગરના દેશમાંથી તથા યરુશાલેમ, યહૂદિયા અને યર્દન નદીની સામે કિનારે આવેલા દેશમાંથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ જવા લાગ્યાં.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in