YouVersion Logo
Search Icon

યોહાન 17

17
ઈસુની છેલ્લી પ્રાર્થના
1એ વાતો કહી રહ્યા પછી ઈસુ આકાશ તરફ દૃષ્ટિ ઉઠાવીને બોલ્યા, “હે પિતા, સમય આવી ચૂક્યો છે. તમારા પુત્રને મહિમાવંત કરો કે જેથી પુત્ર તમને મહિમાવંત કરે. 2તમે તેને માનવજાત પર અધિકાર આપ્યો છે, કે જેથી તમે તેને જે સોંપ્યાં છે તેમને તે સાર્વકાલિક જીવન આપે. 3માણસો તમને, એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે. 4જે કાર્ય તમે મને સોંપ્યું હતું, તે પૂરું કરીને મેં પૃથ્વી પર તમારો મહિમા પ્રગટ કર્યો છે. 5હે પિતા, સૃષ્ટિના સર્જન પહેલાં તમારી સાથે જે મહિમા મારી પાસે હતો, તે મહિમાથી મને મહિમાવંત કરો.
6“આ દુનિયામાંથી તમે મને જે માણસો સોંપ્યા હતા, તેમની સમક્ષ મેં તમને પ્રગટ કર્યા છે. તેઓ તમારા જ હતા અને તમે તેમની સોંપણી મને કરી હતી. તેમણે તમારા સંદેશનું પાલન કર્યું છે. 7હવે તેમને ખાતરી થઈ છે કે તમે મને જે કંઈ આપ્યું છે, તે તમારા તરફથી જ મળેલું છે. 8કારણ, જે સંદેશ તમે મને આપ્યો હતો તે મેં તેમને પહોંચાડયો છે. તેમણે તેનો સ્વીકાર કર્યો છે, અને તેમને ખાતરી થઈ છે કે હું તમારી પાસેથી આવ્યો છું, અને તેઓ માને છે કે તમે જ મને મોકલ્યો છે.
9“હું તેમને માટે પ્રાર્થના કરું છું. દુનિયા માટે નહિ, પરંતુ જેઓને તમે મને સોંપ્યા તેમને માટે પ્રાર્થના કરું છું; કારણ, તેઓ તમારા છે. 10જે કંઈ મારી પાસે છે તે તમારું છે અને જે તમારી પાસે છે તે મારું છે; અને તેમના દ્વારા મારો મહિમા પ્રગટ થાય છે. 11અને હવે હું તમારી પાસે આવું છું. હું દુનિયામાં રહેવાનો નથી, પરંતુ તેઓ દુનિયામાં છે; હે પવિત્ર પિતા, જે નામ તમે મને આપ્યું છે તે નામના સામર્થ્યથી તમે તેમનું રક્ષણ કરો; જેથી જેમ તમે અને હું એક છીએ, તેમ તેઓ પણ એક થાય. 12હું તેમની સાથે હતો ત્યાં સુધી તો જે નામ તમે મને આપ્યું છે તેના સામર્થ્યથી મેં તેમનું રક્ષણ કર્યું. શાસ્ત્ર સાચું પડે તેથી વિનાશને માટે નિયત થઈ ચૂકેલી વ્યક્તિ સિવાય બીજા કોઈનો નાશ થયો નથી. 13હવે હું તમારી પાસે આવું છું અને મારો આનંદ તેમના હૃદયમાં પૂર્ણપણે રહે તે માટે આ દુનિયા છોડતાં પહેલાં હું આ બધું કહું છું. 14મેં તેમને તમારો સંદેશ પહોંચાડયો છે અને દુનિયા તેમનો તિરસ્કાર કરે છે; કારણ, જેમ હું દુનિયાનો નથી તેમ તેઓ પણ આ દુનિયાના નથી. 15તમે તેમને દુનિયામાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પરંતુ તમે દુષ્ટથી તેમનું રક્ષણ કરો તેવી વિનંતી કરું છું. જેમ હું આ દુનિયાનો નથી, તેમ તેઓ પણ આ દુનિયાના નથી. 16સત્ય દ્વારા તમે પોતાને માટે તેમને અલગ કરો; તમારો સંદેશ સત્ય છે. 17જેમ તમે મને દુનિયામાં મોકલ્યો હતો, 18તેમ હું તેમને દુનિયામાં મોકલું છું. 19અને તેમની ખાતર હું તમને મારું અર્પણ કરું છું; જેથી તેઓ પણ તમને ખરેખરી રીતે સમર્પિત થઈ જાય.
20“હું ફક્ત તેમને માટે જ પ્રાર્થના કરું છું એવું નથી, પરંતુ જેઓ તેમનો સંદેશ સાંભળીને મારામાં વિશ્વાસ મૂકશે, તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું, કે 21તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં વસો છો અને હું તમારામાં, તેમ તેઓ આપણામાં વસે; જેથી દુનિયા માને કે તમે મને મોકલ્યો છે. 22જે મહિમા તમે મને આપ્યો તે જ મેં તેમને આપ્યો છે; જેથી તેઓ એક થાય. 23જેમ તમે મારામાં વસો છો, તેમ હું તેઓમાં વસું; જેથી તેઓ સંપૂર્ણ રીતે એક બને; અને એમ દુનિયા માને કે તમે મને મોકલ્યો છે, અને જેમ તમે મારા પર પ્રેમ રાખો છો તેમ તેઓ પર પણ પ્રેમ રાખો છો.
24“હે પિતા! તમે મને આ લોકો આપ્યા છે. મારી ઇચ્છા છે કે હું જ્યાં છું ત્યાં તેઓ મારી સાથે રહે; એ માટે કે તેઓ મારો મહિમા જુએ; એ મહિમા તમે મને આપ્યો છે, કારણ, સૃષ્ટિના સર્જન પહેલાં તમે મારા પર પ્રેમ રાખતા હતા. 25હે ન્યાયી પિતા, દુનિયા તમને ઓળખતી નથી, પરંતુ હું તમને ઓળખું છું અને આ લોકો જાણે છે કે તમે મને મોકલ્યો છે. 26મેં તમને તેમની સમક્ષ પ્રગટ કર્યા છે અને હજી કરતો રહીશ. જેથી મારા પરના તમારા પ્રેમમાં તેઓ ભાગીદાર બને, અને હું પણ એમનામાં વસું.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in