YouVersion Logo
Search Icon

યોહાન 16

16
1“તમે વિશ્વાસમાં ડગી ન જાઓ માટે મેં તમને આ બધું કહ્યું છે. 2તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે. 3તેમણે પિતાને કે મને ઓળખ્યો નથી તેથી જ તેઓ આ બધું કરશે. 4આ બધું હું તમને એ માટે કહું છું કે જ્યારે તેઓ તમને તેવું કરે ત્યારે તમને યાદ આવે કે મેં તમને તે કહ્યું જ હતું.
પવિત્ર આત્માનું કાર્ય
“મેં તમને પહેલેથી આ વાતો કહી ન હતી, કારણ, હું તમારી સાથે હતો. 5પરંતુ હવે હું મારા મોકલનાર પાસે પાછો જઉં છું; છતાં તમે ક્યાં જાઓ છો, એવું તમારામાંથી કોઈ મને પૂછતું નથી. 6પણ હવે મેં તમને તે કહ્યું ત્યારે તમારાં હૃદયોમાં શોક વ્યાપી ગયો છે. 7પરંતુ હું તમને સાચે જ કહું છું: મારું જવું તમારા લાભમાં છે; કારણ, હું જઉં નહિ તો સહાયક તમારી પાસે આવશે નહિ. પરંતુ જો હું જઉં તો હું તેને તમારી પાસે મોકલીશ. 8જ્યારે તે આવશે, ત્યારે પાપ વિષે, સત્ય વિષે અને સજા વિષે દુનિયાના લોકોને ખાતરી કરી આપશે. 9તેઓ દોષિત છે; પાપ વિષે, કારણ, તેઓ મારા પર વિશ્વાસ મૂક્તા નથી; 10સત્ય વિષે, કારણ, હું પિતા પાસે જઉં છું અને તમે મને કદી જોશો નહિ; 11સજા વિષે, કારણ, આ દુનિયાનો શાસક સજાપાત્ર ઠરી ચૂક્યો છે.
12“હું તમને ઘણી વાતો કહેવા માગું છું, પણ એ બધું તમે હમણાં સહન કરી શકો તેમ નથી. 13પરંતુ સત્યનો આત્મા આવશે; ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કારણ, તે પોતા તરફથી બોલશે નહિ, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને થનાર બાબતો વિષે તમને કહેશે. 14તે મને મહિમાવાન કરશે, કારણ, મારે જે કહેવાનું છે તે હું તેને કહીશ અને તે તમને કહેશે. 15જે મારા પિતાનું છે તે બધું મારું છે; એટલે જ મેં કહ્યું કે, પવિત્ર આત્મા હું જે કહીશ તે તમને કહેશે.
શોક પછી આનંદ
16“થોડીવાર પછી તમે મને જોશો નહિ, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો.”
17કેટલાક શિષ્યો અંદરોઅંદર કહેવા લાગ્યા, ‘થોડીવાર પછી તમે મને જોશો નહિ, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો,’ ‘કારણ, હું પિતા પાસે જઉં છું’ એમ જે તે કહે છે, એનો અર્થ શો? 18આ ‘થોડીવાર’ એટલે શું? તે શું કહેવા માગે છે તે આપણને કંઈ સમજાતું નથી!
19ઈસુ જાણી ગયા કે તેઓ તેમને કંઈક પૂછવા માગે છે. એટલે તેમણે કહ્યું, “‘થોડીવાર પછી તમે મને જોશો નહિ, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો,’ એ સંબંધી તમે અંદરોઅંદર શી ચર્ચા કરો છો? 20હું તમને સાચે જ કહું છું: તમે રડશો અને આંસુ સારશો, પરંતુ દુનિયા તો હરખાશે. તમે શોક્તુર થઈ જશો, પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાઈ જશે. 21પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે; કારણ, દુ:ખ સહન કરવાનો સમય આવી લાગ્યો છે; પણ બાળકના જન્મ પછી તે દુ:ખ ભૂલી જાય છે; કારણ, એક બાળક દુનિયામાં જન્મ્યું તેનો તેને આનંદ હોય છે. 22એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ.
23“તે દિવસે તમે મને કશું નહિ પૂછો. હું તમને સાચે જ કહું છું: પિતા પાસે મારે નામે તમે જે કંઈ માંગશો, તે તમને તે આપશે. 24અત્યાર સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો, એટલે તમને મળશે, અને એમ તમારો આનંદ પરિપૂર્ણ થશે.”
દુનિયા પર વિજય
25“અત્યાર સુધી મેં તમને ઉદાહરણો દ્વારા આ વાતો કહી છે. પરંતુ એવો સમય આવશે જ્યારે હું ઉદાહરણો દ્વારા વાત કરીશ નહિ, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં પિતા સંબંધી વાત કરીશ. 26તે દિવસે તમે મારે નામે તેમની પાસે માગશો. હું એમ નથી કહેતો કે હું તમારે માટે તેમને વિનંતી કરીશ; કારણ, પિતા પોતે જ તમારા પર પ્રેમ કરે છે. 27તે તમારા પર પ્રેમ કરે છે, કારણ, તમે મારા પર પ્રેમ કરો છો અને હું ઈશ્વર તરફથી આવેલો છું તેમ માનો છો. 28હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે આ દુનિયા તજીને પિતા પાસે જઉં છું.”
29પછી તેમના શિષ્યોએ તેમને કહ્યું, “હવે તમે ઉદાહરણો વાપર્યા વગર સ્પષ્ટ બોલી રહ્યા છો! 30અમને હવે ખાતરી થઈ છે કે તમે બધું જાણો છો; અને કોઈ તમને પ્રશ્ર્નો પૂછે એવી જરૂર નથી. આ વાતને લીધે તમે ઈશ્વર તરફથી આવ્યા છો એમ અમે માનીએ છીએ.”
31ઈસુએ જવાબ આપ્યો, “હજી હમણાં તમને વિશ્વાસ બેઠો? 32એવો સમય આવે છે, અરે, આવી ચૂક્યો છે, જ્યારે તમે સૌ મને એકલો મૂકીને પોતપોતાને ઠેકાણે વિખરાઈ જશો. પરંતુ હું એકલો નથી. કારણ, પિતા મારી સાથે છે. 33આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુ:ખ આપશે; પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in