YouVersion Logo
Search Icon

યોહાન 15

15
સાચો દ્રાક્ષવેલો
1“હું સાચો દ્રાક્ષવેલો છું, અને મારા પિતા માળી છે. 2મારામાંની પ્રત્યેક ડાળી જે ફળ આપતી નથી તેને તે કાપી નાખે છે, અને પ્રત્યેક ડાળી જે ફળ આપે છે તેને વધારે ફળ આવે માટે તેની કાપકૂપ કરે છે. 3જે સંદેશ મેં તમને આપ્યો છે, તેના દ્વારા તમે હવે શુદ્ધ થઈ ચૂક્યા છો. 4તમે મારામાં વસો અને હું તમારામાં વસીશ. વેલામાં રહ્યા વગર ડાળી ફળ આપી શક્તી નથી. તે જ પ્રમાણે તમે મારામાં ન વસો તો ફળ આપી શક્તા નથી.
5“હું દ્રાક્ષવેલો છું, અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું, તે જ પુષ્કળ ફળ આપી શકે છે; કારણ, મારાથી અલગ રહીને તમે કશું જ કરી શક્તા નથી. 6જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે, લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે. 7જો તમે મારામાં વસો અને મારો સંદેશ તમારામાં વસે તો તમે ચાહો તે માગો, અને તે તમને મળશે. 8તમે પુષ્કળ ફળ આપો, તેમાં મારા પિતાનો મહિમા પ્રગટ થાય છે, અને એ પરથી પુરવાર થાય છે કે તમે મારા શિષ્ય છો. 9જેમ પિતા મારા પર પ્રેમ કરે છે તે જ પ્રમાણે હું પણ તમારા પર પ્રેમ કરું છું. તમે મારા પ્રેમમાં રહો. 10જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો.
11“મારો આનંદ તમારામાં રહે અને તમારો આનંદ પરિપૂર્ણ થાય માટે આ વાતો મેં તમને કહી છે. 12મારી આજ્ઞા તો આ છે: જેમ મેં તમારા પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. 13માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતાં મોટો પ્રેમ બીજો કોઈ નથી 14મારી આજ્ઞા પ્રમાણે વર્તો, તો જ તમે મારા મિત્રો છો. 15હવેથી હું તમને નોકર ગણતો નથી; કારણ, પોતાનો શેઠ શું કરે છે, તેની નોકરને ખબર હોતી નથી. એથી ઊલટું, હું તો તમને મિત્રો કહું છું; કારણ, જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું, તે બધું જ મેં તમને જણાવી દીધું છે. 16તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરી છે. તેથી તમે જાઓ, અને જઈને સદા ટકે તેવાં ફળ આપો. એથી તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને મળશે. 17હું તમને આ આજ્ઞા આપું છું: એકબીજા પર પ્રેમ રાખો.
દુનિયાનો તિરસ્કાર
18“દુનિયા તમારો તિરસ્કાર કરે ત્યારે યાદ રાખજો કે તેણે પ્રથમ મારો તિરસ્કાર કર્યો છે. 19જો તમે દુનિયાના થઈને રહો, તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખશે. પરંતુ આ દુનિયામાંથી મેં તમને પસંદ કર્યા છે, એટલે હવે તમે દુનિયાના રહ્યા નથી, અને એટલે જ દુનિયા તમારો તિરસ્કાર કરે છે. 20મેં જે કહ્યું તે યાદ રાખો: ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.’ જો એ લોકોએ મને દુ:ખ દીધું, તો તેઓ તમને પણ દુ:ખ દેશે. જો તેઓ મારો ઉપદેશ પાળશે તો તેઓ તમારો ઉપદેશ પણ પાળશે. 21તમે મારા છો એને લીધે તેઓ તમારી સાથે એ પ્રમાણે વર્તશે; કારણ, મને મોકલનારને તેઓ ઓળખતા નથી. 22જો હું આવ્યો ન હોત અને તેમને સમજાવ્યું ન હોત, તો તેમને પાપનો દોષ ન લાગત, પણ હવે તેમની પાસે તેમના પાપ વિષે કોઈ બહાનું રહ્યું નથી. 23જે કોઈ મારો તિરસ્કાર કરે છે તે મારા પિતાનો પણ તિરસ્કાર કરે છે. 24કોઈએ કદીયે પણ ન કર્યાં હોય એવાં જે કાર્યો મેં તેમની મયે કર્યાં, તે કર્યાં ન હોત તો તેમને પાપ લાગત નહિ, પરંતુ મારાં એ કાર્યો તેમણે જોયાં હોવા છતાં તેઓ મારો અને મારા પિતાનો તિરસ્કાર કરે છે. 25‘તેમણે વગર કારણે મારો તિરસ્કાર કર્યો છે,’ એવું તેમના નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે સાચું પડે, માટે આમ થવું જ જોઈએ.
26“પિતા તરફથી આવનાર સહાયક, એટલે સત્યનો આત્મા આવશે. હું તેને પિતા પાસેથી મોકલી આપીશ, અને તે મારે વિષે સાક્ષી પૂરશે. 27તમે પણ મારા વિષે સાક્ષી પૂરશો; કારણ, તમે શરૂઆતથી જ મારી સાથે છો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in