YouVersion Logo
Search Icon

ન્યાયાધીશો 19

19
લેવી અને તેની પત્ની
1ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો એ સમયે એફ્રાઈમના પહાડી પ્રદેશના છેવાડે એક લેવી રહેતો હતો. તેણે યહૂદિયાના બેથલેહેમમાંથી એક યુવતીને પોતાની ઉપપત્ની કરી લીધી. 2પણ તે બેવફા બનીને યહૂદિયાના બેથલેહેમમાં પોતાના પિતાને ઘેર જતી રહી અને ત્યાં ચાર માસ રહી. 3એ માણસે તેને પ્રેમપૂર્વક સમજાવીને પાછી લઈ આવવા માટે તેની પાસે જવાનો નિર્ણય કર્યો. તેણે પોતાની સાથે પોતાનો નોકર અને બે ગધેડાં લઈ લીધાં. પેલી યુવતી તેને તેના પિતાના ઘરમાં લઈ ગઈ, અને જ્યારે તેના પિતાએ તેને જોયો ત્યારે તેણે તેનો આનંદથી આવકાર કર્યો. 4તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને રહેવાનો આગ્રહ કર્યો, તેથી તે ત્યાં ત્રણ દિવસ રહ્યો. તેમણે ખાધુંપીધું અને રાતે સૂતા. 5ચોથે દિવસે વહેલી સવારે ઊઠીને તેઓ ત્યાંથી જવા તૈયાર થયાં. પણ યુવતીના પિતાએ લેવીને કહ્યું, “પહેલાં થોડું ખાઈ લો. એથી તમને તાજગી રહેશે; પછી તમે તમારે જજો”
6તેથી બે માણસોએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ તેને કહ્યું, “મારું માનો તો રાત અહીં જ ગાળો અને તમારા દિલને ખુશ કરો.”
7લેવી તો જવા માટે તૈયાર થઈ ગયો હતો. પણ તેના સસરાએ તેને આગ્રહ કર્યો, તેથી તે ત્યાં એક વધારે રાત રોકાઈ ગયો. 8પાંચમે દિવસે વહેલી સવારે તે જવા તૈયાર થયો, પણ યુવતીના પિતાએ કહ્યું, “થોડુંક ખાઈ લો તો સારું, અને મોડેથી જજો.” પછી બે માણસો સાથે જમવા બેઠા.
9ફરી પાછા પેલો માણસ, તેની ઉપપત્ની અને નોકર જવા તૈયાર થયાં, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “દિવસ આથમવાની તૈયારી છે, અને સાંજ પડવા આવી છે. તો હવે રાત અહીં જ રોકાઈ જાઓ. હવે અંધારું થઈ જશે. તેથી અહીં જ રોકાઈ જાઓ, અને તમારા દિલને ખુશ કરો. કાલે સવારે વહેલા ઊઠીને તમારે ઘેર જજો.”
10-11પણ પેલો માણસ ત્યાં રાત રહેવા ઇચ્છતો નહોતો, તેથી તે તથા તેની ઉપપત્ની પોતાને રસ્તે પડયાં. તેમની પાસે જીન બાંધેલાં બે ગધેડાં હતાં. જ્યારે તેઓ યબૂસ (એટલે યરુશાલેમ) પહોંચ્યાં ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો. તેથી નોકરે પોતાના માલિકને કહ્યું, “આપણે આ યબૂસીઓના નગરમાં જ રાત રોકાઈ જઈશું?”
12-13પણ તેના માલિકે કહ્યું, “જ્યાં ઇઝરાયલીઓ વસતા નથી એવા શહેરમાં આપણે નહિ રહીએ. આપણે ત્યાંથી પસાર થઈશું અને થોડેક આગળ જઈને ગિબ્યા કે રામામાં જઈને રાત રહીશું.” 14તેથી તેઓ યબૂસ વટાવીને આગળ વયા. તેઓ બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. 15તેથી તેઓ રાતવાસા માટે ગિબ્યા તરફ વળ્યાં, નગરમાં જઈને તેઓ ચોકમાં બેઠાં, પણ કોઈ તેમને રાતવાસા માટે પોતાને ઘેર લઈ ગયું નહિ.
16તેઓ ત્યાં બેઠાં હતાં તેવામાં પોતાનું દિવસભરનું કામ પૂરું કરીને એક વૃદ્ધ માણસ ખેતરમાંથી આવ્યો. આમ તો તે મૂળ એફ્રાઈમના પહાડીપ્રદેશનો રહેવાસી હતો, પણ અત્યારે ગિબ્યામાં રહેતો હતો. ગિબ્યામાં બાકીના લોકો તો બિન્યામીનના કુળના હતા. 17પેલા વૃદ્ધ માણસે નગરચોકમાં એ મુસાફરને જોઈને તેને પૂછયું, “તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો?”
18લેવીએ જવાબ આપ્યો, “અમે યહૂદિયાના બેથલેહેમથી આવી રહ્યાં છીએ. હું તો એફ્રાઈમના પહાડીપ્રદેશના છેક છેડાના ભાગમાં વસું છું. અત્યારે અમે પ્રભુના ઘર#19:18 ‘પ્રભુના ઘર’: હિબ્રૂ પ્રમાણે; એક પ્રાચીન અનુવાદ: ‘ઘર તરફ’ એટલે અમારા ઘર તરફ. તરફ જઈ રહ્યાં છીએ. 19જો કે અમારાં ગધેડાંને ખાવા માટે ચંદી અને ચારો છે અને મારી ઉપપત્ની માટે, મારે માટે તથા મારા નોકરને માટે રોટલી તથા દ્રાક્ષાસવ છે અને અમને કશાની ખોટ નથી તો પણ કોઈએ મને પોતાના ઘરમાં આશ્રય આપ્યો નથી.”
20પેલા વૃદ્ધ માણસે કહ્યું, “તમે મારે ઘેર પધારો! તમારે જે જોઈએ તે બધાંની જવાબદારી હું ઉપાડીશ. પણ અહીં ચોકમાં રાત ગાળશો નહિ!” 21તેથી તે તેમને પોતાને ઘેર લઈ ગયો. તેણે ગધેડાંને ચારો નીર્યો. તેના મહેમાનોએ પોતાના પગ ધોયા અને પછી જમવા બેઠા.
22તેઓ આનંદપ્રમોદમાં હતા એવામાં નગરના કેટલાક દુષ્ટ માણસો આવ્યા, એ ઘરને ઘેરી વળ્યા અને બારણું ખટખટાવા લાગ્યા. તેમણે પેલા વૃદ્ધ માણસને કહ્યું, “તારી સાથે આજે તારા ઘરમાં આવેલા માણસને બહાર કાઢ! અમે તેની સાથે જાતીય સંબંધ કરવા માગીએ છીએ!”
23પરંતુ એ વૃદ્ધ માણસે બહાર જઈને તેમને કહ્યું, “ના, મિત્રો, એવું દુષ્ટ અને અનૈતિક કામ કરશો નહિ. કારણ, આ માણસ મારા આશ્રયે આવ્યો છે. 24જુઓ, અહીં આ તેની ઉપપત્ની છે તેમજ મારી કુંવારી પુત્રી છે. હું હમણાં જ તેમને લાવું છું, અને તમે તેમને લઈ જાઓ. તમારે તેમની સાથે જે વર્તાવ કરવો હોય તે કરો. પણ તમે આ માણસની સાથે એવું ભયંકર દુષ્ટ કામ કરશો નહિ!” 25પણ પેલા માણસોએ એનું કહેવું ગણકાર્યું નહિ. તેથી લેવીએ પોતાની ઉપપત્નીને બહાર મોકલી. તેમણે તેના પર બળાત્કાર કર્યો અને છેક સવાર થતાં સુધી આખી રાત તેના પર અત્યાચાર કર્યો.
26સવારે એ સ્ત્રી પોતાનો પતિ જ્યાં હતો ત્યાં એ વૃદ્ધ માણસને ત્યાં આવી અને બારણા આગળ ઢળી પડી. અજવાળું થયું ત્યારે તે હજી ત્યાં જ પડેલી હતી. 27એ સવારે તેના પતિએ પોતાને રસ્તે જવા બારણું ખોલ્યું તો બારણું ખોલાવવા માટે લંબાવેલા હાથ સાથે તેની પત્ની ઘરની સામે પડી હતી. 28તેણે કહ્યું, “ઊઠ, ચાલ, આપણે જતા રહીએ.” પણ કંઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. તેથી તેણે તેને ગધેડા પર મૂકી અને પછી તે પોતાને ઘેર જવા ઉપડયો. 29તે ઘેર પહોંચ્યો એટલે તેણે ઘરમાં જઈને એક છરો લીધો. પછી તેણે પોતાની ઉપપત્નીના શરીરના બાર ટુકડા કરીને ઇઝરાયલનાં બારેય કુળોને પ્રત્યેક કુળ પર એકએક ટુકડો મોકલી આપ્યો. 30એ જોઈને સૌ બોલી ઊઠયા, “આપણે ક્યારેય આવું સાંભળ્યું નથી! ઇઝરાયલીઓ ઈજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી કદી આવ્યું બન્યું નથી! આનું કંઈક કરવું જોઈએ! પણ શું કરવું?”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy