YouVersion Logo
Search Icon

ન્યાયાધીશો 20

20
લડાઈ માટે ઇઝરાયલની તૈયારી
1ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા. 2ઈશ્વરના લોકની આ સભામાં ઇઝરાયલના બધાં કુળોના આગેવાનો હાજર હતા. અને ત્યાં પાયદળના ચાર લાખ સૈનિકો હતા. 3દરમ્યાનમાં, બિન્યામીનના કુળના લોકોએ સાંભળ્યું કે બાકીના બીજા બધા ઇઝરાયલીઓ મિસ્પામાં એકત્ર થયા છે.
ઇઝરાયલીઓએ પૂછયું, “હવે અમને કહો કે આ ગુનાઈત કાર્ય કેવી રીતે થયું?” 4જેની ઉપપત્નીનું ખૂન થયું હતું તે લેવીએ જવાબ આપ્યો, “મારી ઉપપત્ની અને હું, અમે રાતવાસા માટે બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં ગયાં હતાં. 5ગિબ્યાના માણસો મને પકડી જવા આવ્યા અને ઘરને રાત્રે ઘેરી વળ્યા. તેમનો ઇરાદો મને મારી નાખવાનો હતો; પણ એને બદલે, તેમણે મારી ઉપપત્ની પર બળાત્કાર કર્યો અને તે મૃત્યુ પામી. 6મેં તેના શરીરના ટુકડા કરી ઇઝરાયલનાં બારેય કુળોના પ્રત્યેક કુળને એકએક ટુકડો મોકલી આપ્યો. કારણ, આ લોકોએ આપણી વચમાં આવું શરમજનક અને અપમાનજનક કામ કર્યું છે. 7અહીં એકઠા થયેલા સૌ ઇઝરાયલીઓ હવે આનો ફેંસલો કરો.”
8સર્વ લોકો એકીસાથે ઊભા થઈ ગયા અને બોલ્યા, “આપણામાંનો કોઈ, પછી તે તંબુમાં રહેતો હોય કે ઘરમાં પણ પોતાને ઘેર ન જાય. 9આપણે આમ કરીએ: આપણે ગિબ્યા પર હુમલો કરવા#20:9 ‘ગિબ્યા પર હુમલો કરવા’: એક પ્રાચીન અનુવાદને આધારે. હિબ્રૂ પાઠ: ‘ગિબ્યા જવા’. માટે પાસાં ફેંકીએ. 10આપણામાંથી દસમા ભાગના લોકો એટલે, ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સોની ટુકડીમાંથી દસદસ, દર હજારની ટુકડીમાંથી સોસો, તથા દર દસ હજારની ટુકડીમાંથી હજાર હજાર માણસોને સૈન્યને ખોરાક પૂરો પાડવા રાખીશું, જ્યારે બાકીના લોકો ઇઝરાયલમાં બનેલા આ અનૈતિક કામ માટે ગિબ્યાના#20:10 ‘ગિબ્યાના’: એક પ્રાચીન અનુવાદને આધારે. હિબ્રૂ પાઠ ‘ગેબા’. હિબ્રૂ મૂળાકાષર પ્રમાણે ગેબા - ગિબ્યાનું ટૂંકું રૂપ હોઈ શકે. લોકોને શિક્ષા કરવા જશે. 11આમ ગિબ્યા પર હુમલો કરવા માટે ઇઝરાયલના સર્વ માણસો એકચિત્તે સંગઠિત થયા.”
12ઇઝરાયલનાં કુળોએ બિન્યામીનના કુળપ્રદેશમાં સર્વત્ર સંદેશકો મોકલીને કહેવડાવ્યું, “તમે આ કેવો દુરાચાર કર્યો છે? 13તો હવે ગિબ્યાના એ દુષ્ટો અમને સોંપી દો કે અમે તેમને મારી નાખીને ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરીએ.” પણ બિન્યામીનના લોકોએ પોતાના સાથી ઇઝરાયલીઓનું કહેવું ગણકાર્યું નહિ. 14તેઓ બિન્યામીનના સર્વ નગરોમાંથી પોતાના સાથી ઇઝરાયલીઓ સાથે યુદ્ધ કરવા ગિબ્યામાં ભેગા થયા. 15-16તે દિવસે તેમણે બિન્યામીનના વંશજોમાંથી સૈન્યની જમાવટ કરી તો તેમનાં નગરોમાંથી છવ્વીસ હજાર તલવાર ચલાવનાર સૈનિકો થયા. તે ઉપરાંત ગિબ્યાના નગરજનોએ સાતસો ચુનંદા સૈનિકો એકઠા કર્યા. તેઓ સૌ ડાબોડિયા હતા. તેમનામાંથી પ્રત્યેક જણ ગોફણથી એવો ગોળો મારી શક્તો કે વાળભર નિશાન ચૂકી જતો નહિ. 17બિન્યામીનના કુળને બાદ કરતાં, ઇઝરાયલીઓએ ચાર લાખ તલવાર ચલાવનાર શૂરવીર સૈનિકો એકઠા કર્યા.
બિન્યામીનીઓ સામે લડાઈ
18ઇઝરાયલીઓએ બેથેલના ભક્તિ- સ્થાનમાં જઈને ઈશ્વરને પૂછયું, “બિન્યામીનીઓ સામે પ્રથમ હુમલો કોણ કરે?”
પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ પ્રથમ જાય.”
19તેથી ઇઝરાયલીઓ બીજી સવારે ઉપડયા અને ગિબ્યા નગર પાસે છાવણી નાખી. 20તેઓ બિન્યામીનના સૈન્ય પર હુમલો કરવા ગયા અને નગરની સામે સૈનિકોનો મોરચો ગોઠવ્યો. 21નગરમાંથી બિન્યામીનનું સૈન્ય બહાર ધસી આવ્યું અને તે દિવસે બાવીસ હજાર ઈઝરાયલી સૈનિકોનો સંહાર કર્યો.
22-23પછી ઇઝરાયલીઓ ભક્તિસ્થાને ગયા અને પ્રભુની સમક્ષ સાંજ સુધી શોક કર્યો. તેમણે તેમને પૂછયું, “અમે અમારા ભાઈઓ એટલે બિન્યામીનીઓ સામે યુદ્ધ કરવા જઈએ?”
પ્રભુએ કહ્યું, “હા, તેમના પર હુમલો કરો.”
તેથી ઇઝરાયલી સૈન્યમાં હિંમત આવી અને આગલા દિવસે તેમણે જ્યાં મોરચો ગોઠવ્યો હતો ત્યાં જ સૈનિકો ગોઠવ્યા. 24તેમણે બીજી વખત બિન્યામીનના સૈન્ય સામે લડવા કૂચ કરી. 25આ બીજી વાર પણ બિન્યામીનીઓ ગિબ્યામાંથી બહાર ધસી આવ્યા અને અઢાર હજાર ઇઝરાયલી સૈનિકોને મારી નાખ્યા; તેઓ સૌ તલવાર ચલાવનાર હતા. 26પછી સર્વ ઇઝરાલીઓએ બેથેલમાં જઈને શોક કર્યો. તેઓ છેક સાંજ સુધી કંઈપણ ખોરાક ખાધા વિના પ્રભુ સમક્ષ બેસી રહ્યા. તેમણે પ્રભુ સમક્ષ પૂર્ણ દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. 27-28એ દિવસોમાં ઈશ્વરની કરારપેટી ત્યાં બેથેલમાં હતી અને આરોનના પુત્ર એલાઝારનો પુત્ર ફિનહાસ તેની દેખરેખની સેવામાં હતો. લોકોએ પ્રભુને પૂછયું, “અમે અમારા ભાઈઓ બિન્યામીનીઓ સાથે ફરી લડવા જઈએ કે લડવા જવાનું પડતું મૂકીએ?”
પ્રભુએ કહ્યું, “લડવા જાઓ. આવતી કાલે હું તમને તેમની પર વિજય પમાડીશ.”
29તેથી ઇઝરાયલીઓએ કેટલાક સૈનિકોને ગિબ્યાની આસપાસ સંતાડી રાખ્યા. 30પછી સતત ત્રીજે દિવસે પણ તેમણે બિન્યામીનના સૈન્ય સામે યુદ્ધ કરવા આગેકૂચ કરી અને પહેલાંની જેમ જ ગિબ્યાની સામે સૈનિકોનો મોરચો ગોઠવ્યો. 31બિન્યામીનીઓ લડવા માટે બહાર ધસી આવ્યા અને તેમને નગરથી દૂર ખેંચી જવામાં આવ્યા. પહેલાંની જેમ જ તેમણે ખુલ્લા પ્રદેશમાં બેથેલને રસ્તે તેમ જ ગિબ્યાને રસ્તે ઇઝરાયલીઓની ક્તલ કરી. તેમણે આશરે ત્રીસેક ઇઝરાયલીઓને મારી નાખ્યા. 32બિન્યામીનીઓ બોલ્યા, “આ વખતે પણ આપણે તેમને પહેલાંની જેમ માર્યા છે.”
પણ ઇઝરાયલીઓએ પીછેહઠ કરીને તેમને નગરથી દૂર રસ્તાઓ પર ખેંચી જવાનો વ્યૂહ રચ્યો હતો. 33તેથી જ્યારે ઇઝરાયલીઓના મુખ્ય સૈન્યે પીછેહઠ કરીને બઆલ-તામાર આગળ વ્યૂહ રચ્યો, ત્યારે ગિબ્યાની#20:33 ‘ગિબ્યાની’: એક પ્રાચીન અનુવાદને આધારે. હિબ્રૂ: ‘ગેબાની’. આસપાસના ખડકાળ પ્રદેશમાં સંતાઈ રહેલા લોકો તેમના સંતાવાના સ્થાનમાંથી અચાનક ધસી આવ્યા. 34સમસ્ત ઇઝરાયલમાંથી દશ હજાર ચુનંદા સૈનિકોએ ગિબ્યા પર હુમલો કર્યો, અને ઉગ્ર જંગ ખેલાયો. બિન્યામીનીઓને તો ખ્યાલ પણ ન આવ્યો કે હવે તેમનો ખાતમો બોલી જવાનો છે. 35પ્રભુએ ઇઝરાયલને બિન્યામીનના સૈન્ય પર વિજય પમાડયો. એ દિવસે ઇઝરાયલીઓએ શત્રુના પચ્ચીસ હજાર એક્સો જેટલા તલવારિયા માણસોને મારી નાખ્યા. 36બિન્યામીનીઓને ખ્યાલ આવ્યો કે તેમનો પરાજય થયો છે.
ઇઝરાયલીઓ કેવી રીતે વિજય પામ્યા?
ઇઝરાયલી સૈન્યના મુખ્ય દળે બિન્યામીનીઓ આગળ પીછેહઠ કરી, કારણ, ગિબ્યાની આસપાસ સંતાઈ રહેલા માણસો પર તેમનો મદાર હતો. 37એ માણસો સત્વરે ગિબ્યામાં દોડી ગયા અને નગરમાં ફરી વળી સૌને મારી નાખ્યા. 38ઇઝરાયલના મુખ્ય દળ અને સંતાઈ રહેલા માણસો વચ્ચે એક સંકેતની વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે નગરમાંથી ધૂમાડાના ગોટેગોટા ગગનમાં ચડતા દેખાય, 39ત્યારે રણમેદાન પરના ઇઝરાયલીઓએ પાછા વળીને ધસવાનું હતું. દરમ્યાનમાં, બિન્યામીનીઓએ ત્રીસ ઇઝરાયલીઓને મારી નાખ્યા હતા. તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા, “આપણે આ વખતે પણ પહેલાંની જેમ તેમને માર્યા છે.”
40પછી પેલો સંકેત દેખાયો. નગરમાંથી ધૂમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઊંચે ચડવા લાગ્યા. બિન્યામીનીઓએ પાછા ફરીને જોયું તો આખા નગરમાંથી અગ્નિની જ્વાળાઓ ઊંચે ચડતી હતી. 41પછી ઇઝરાયલીઓ પાછા વળીને ધસ્યા, અને બિન્યામીનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો; કારણ તેઓ સમજી ગયા કે હવે તેમનું આવી બન્યું છે! 42તેમણે ઇઝરાયલીઓ આગળ પીછેહઠ કરી અને ખુલ્લા પ્રદેશ તરફ નાઠા, પણ તેઓ છટકી શક્યા નહિ. તેઓ સૈન્યના મુખ્ય દળના તથા નગરમાંથી બહાર ધસી આવતા માણસોના સકંજામાં આવી પડયા, અને તેમનો સંહાર થયો. 43તેઓ બિન્યામીનીઓને ઘેરી વળ્યા અને ગિબ્યાની પૂર્વ બાજુ તેની નજદીક સુધી તેમનો સતત પીછો કરીને તેમને માર્યા. 44બિન્યામીનના અઢાર હજાર શૂરવીર સૈનિકો માર્યા ગયા. 45બીજા કેટલાક ખુલ્લા પ્રદેશ તરફ વળીને રિમ્મોન ખડક તરફ ગયા. તેમાંથી પાંચ હજારનો તો રસ્તા પર જ સંહાર થયો. ઇઝરાયલીઓએ બાકીના લોકોનો છેક ગિદોમ સુધી પીછો કરીને બે હજારને મારી નાખ્યા. 46એક દિવસે એકંદરે પચ્ચીસ હજાર બિન્યામીનીઓ માર્યા ગયા અને એમાંના બધા શૂરા સૈનિકો હતા.
47પણ તેમાંથી છસો માણસો ખુલ્લા પ્રદેશમાં થઈને રિમ્મોન ખડક નાસી જઈને બચી ગયા અને ત્યાં તેઓ ચાર માસ રહ્યા. 48ઇઝરાયલીઓ પાછા વળીને બાકીના બિન્યામીનીઓ પર ત્રાટક્યા અને તેમનાં સ્ત્રીપુરુષો, બાળકો અને ઢોરઢાંક સર્વસ્વનો નાશ કર્યો. એ વિસ્તારનાં બધાં નગરો તેમણે બાળી નાખ્યાં.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy