YouVersion Logo
Search Icon

ન્યાયાધીશો 18

18
મિખા અને દાનનું કુળ
1એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. એ દિવસોમાં દાનનું કુળ વસવાટ માટે પોતાને ફાળે આવતા પ્રદેશની શોધમાં હતું. કારણ, ઇઝરાયલનાં અન્ય કુળોની સાથે તેમને પોતાના હિસ્સા પેટે કોઈ પ્રદેશ મળ્યો નહોતો. 2તેથી દાનના કુળના લોકોએ કુળના સર્વ કુટુંબોમાંથી પાંચ શૂરવીર#18:2 ‘શૂરવીર’ અથવા ‘ગુણવાન’. માણસોને પસંદ કર્યા અને સોરા તથા એશ્તાઓલ નગરોથી તેમને દેશનું સંશોધન કરી બાતમી મેળવી લાવવાની સૂચના આપી મોકલ્યા. તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવી પહોંચ્યા અને મિખાને ત્યાં ઊતર્યા. 3તેઓ ત્યાં હતા ત્યારે તેમણે જુવાન લેવીની બોલી પારખી લીધી, અને તેમણે તેની પાસે જઈને પૂછયું, “તને અહીં કોણ લાવ્યું? તું અહીં શું કરે છે? તને અહીં શું મળે છે?”
4તેણે જવાબ આપ્યો, “મારે મિખા સાથે વ્યવસ્થા થયેલી છે. યજ્ઞકાર તરીકે સેવા કરવાના બદલામાં તે મને પગાર ચૂકવે છે.”
5તેમણે તેને પૂછયું, “મહેરબાની કરી ઈશ્વરને પૂછી જો કે અમારી મુસાફરી સફળ થશે કે નહિ.”
6યજ્ઞકારે જવાબ આપ્યો, “તમે ચિંતા રાખ્યા વિના જાઓ. પ્રભુ તમને મુસાફરીમાં દોરવણી આપશે.”
7તેથી પેલા પાંચ માણસો ત્યાંથી નીકળીને લાઈશ નગરમાં ગયા. તેમણે ત્યાં જઈને જોયું તો ત્યાંના લોકો સિદોનીઓની જેમ નિશ્ર્વિંતપણે રહેતા હતા. તેઓ શાંતિપ્રિય અને નિશ્ર્વિંત હતા અને કોઈની સાથે તેમને વિખવાદ નહોતો, કારણ, દેશ સમૃદ્ધ હોવાથી તેમને કશાની ખોટ નહોતી. તેઓ સિદોનીઓથી ઘણે દૂર વસતા હતા અને તેમને બીજા લોકો સાથે કોઈ વ્યવહાર નહોતો. 8એ પાંચ માણસો સોરા અને એશ્તાઓલમાં પાછા ફર્યા ત્યારે તેમના દેશબાંધવોએ તેમને પૂછયું કે, “તમે શી તપાસ કરી લાવ્યા છો?” 9તેમણે જવાબ આપ્યો, “ચાલો, આપણે લાઈશ પર હુમલો કરીએ. અમે દેશ જોયો છે અને તે ઘણો સમૃદ્ધ છે. અહીં આમને આમ બેસી રહેશો નહિ. ઊઠો, ઉતાવળે ઊપડો અને તેને જીતી લો! 10તમે ત્યાં પહોંચશો ત્યારે તમને ખબર પડશે કે લોકો જરાય શંકાશીલ નથી. એ તો મોટો દેશ છે અને ત્યાં કશાની ખોટ નથી. ઈશ્વરે તમને તે સોંપી દીધો છે.”
11તેથી દાનના કુળમાંથી છસો માણસો સોરા અને એશ્તાઓલથી યુદ્ધને માટે સજ્જ થઈને નીકળ્યા. 12તેમણે યહૂદિયાના કિયાર્થ-યઆરીમની પશ્ર્વિમે જઈને છાવણી કરી. એટલા માટે આજે પણ એ સ્થળ ‘માહનેહ-દાન’ (દાનની છાવણી) તરીકે ઓળખાય છે. 13ત્યાંથી આગળ વધીને તેઓ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખાને ઘેર આવ્યા.
14પછી લાઈશની આસપાસના પ્રદેશમાં જાસૂસી કરવા ગયેલા પેલા પાંચ માણસોએ તેમના સાથીદારોને કહ્યું, “અહીં એક ઘરમાં ચાંદીએ મઢેલી એક લાકડાની કોતરેલી મૂર્તિ છે એ તમે જાણો છો? ત્યાં બીજી મૂર્તિઓ તથા એફોદ પણ છે. એમનું આપણે શું કરવું? એ વિષે તમારો શો મત છે?” 15પછી જુવાન લેવી જ્યાં રહેતો હતો ત્યાં, એટલે મિખાના ઘરમાં તેઓ ગયા અને લેવીને ખબરઅંતર પૂછયા. 16દરમ્યાનમાં, દાનના કુળના યુદ્ધને માટે સજ્જ થયેલા પેલા છસો માણસો તો દરવાજે જ ઊભા હતા. 17પાંચ માણસો તો સીધા ઘરમાં પેસી ગયા અને ચાંદીએ મઢેલી લાકડાની કોતરેલી મૂર્તિ, અન્ય મૂર્તિઓ તથા એફોદ લઈ આવ્યા. પેલો યજ્ઞકાર તો દરવાજે છસો શસ્ત્રસજિત માણસો સાથે જ ઊભો હતો.
18પેલા માણસોએ મિખાના ઘરમાં જઈને ચાંદીમઢિત લાકડાની કોતરેલી મૂર્તિઓ તથા એફોદ લઈ લીધાં ત્યારે યજ્ઞકારે કહ્યું, “તમે આ શું કરો છો?”
19તેમણે તેને કહ્યું, “શાંત રહે, એક શબ્દ પણ બોલીશ નહિ. અમારી સાથે આવીને અમારો ગુરુ તથા યજ્ઞકાર બન. એક માણસના જ કુટુંબના યજ્ઞકાર બનવા કરતાં ઇઝરાયલીઓના એક આખા કુળના યજ્ઞકાર થવું તારે માટે સારું નથી?” 20એનાથી યજ્ઞકાર મનમાં ખુશ થઈ ગયો. તેથી તે એફોદ, કોતરેલી મૂર્તિ અને અન્ય મૂર્તિઓ લઈને તેમની સાથે ગયો.
21તેઓ ત્યાંથી પાછા વળીને ઊપડયા અને તેમનાં બાળકો, ઢોરઢાંક અને સર્વ સંપત્તિ મોખરે રાખવામાં આવ્યાં હતાં. 22મિખાના ઘરથી તેઓ મુસાફરી કરતાં કરતાં થોડે દૂર નીકળી ગયા ત્યારે મિખાએ તેના પડોશીઓને લડવાને માટે બોલાવ્યા. તેમણે દાનના કુળના લોકોને પકડી પાડયા, 23અને તેમને પડકાર્યા. દાનના વંશજોએ પાછા વળીને મિખાને પૂછયું, “શું છે? આ ટોળું લઈને કેમ આવ્યો છે?”
24મિખાએ જવાબ આપ્યો, “તમે મારા યજ્ઞકારને અને મારા બનાવેલા દેવોને તો લઈ ચાલ્યા છો, પછી મારી પાસે રહ્યું શું? અને છતાં તમે પાછા એમ પૂછો છો કે, ‘શું છે?”
25દાનના વંશજોએ તેને કહ્યું, “હવે બકવાટ બંધ કર, નહિ તો આ લોકોનો પિત્તો જશે તો હુમલો કરીને તને અને તારા આખા કુટુંબને જાનથી મારી નાખશે.” 26એમ બોલીને દાનવંશીઓએ આગળ ચાલવા માંડયું. મિખાએ જોયું કે તેઓ તેના કરતાં વધારે બળવાન છે ત્યારે તે પાછો વળીને ઘેર આવ્યો.
27દાનવંશીઓ મિખાએ બનાવેલા દેવોને તથા તેના યજ્ઞકારને લઈ ગયા ત્યાર પછી તેમણે લાઈશ પર એટલે તેના શાંતિપ્રિય અને નિશ્ર્વિંત લોકો પર હુમલો કર્યો. તેમણે તે નગરમાં ક્તલ ચલાવી અને તેને આગ ચાંપી. 28તેમની વહારે આવનાર કોઈ નહોતું. કારણ, તે સિદોનથી ઘણે દૂર હતું અને બીજા લોકો સાથે તેમને કંઈ વ્યવહાર નહોતો. બેથ-રહોબ જે ખીણમાં હતું તે જ ખીણમાં તે નગર હતું. દાનવંશીઓએ તે નગરને ફરી બાંધ્યું અને ત્યાં જ વસવાટ કર્યો. 29ઇઝરાયલના પુત્ર, પોતાના પૂર્વજ દાનના નામ પરથી તેમણે તેનું નામ દાન પાડયું, તેનું મૂળ નામ તો લાઈશ હતું. 30દાનવંશીઓએ પૂજા કરવા માટે એક મૂર્તિ સ્થાપી અને મોશેના પુત્ર ગેર્શોમનો પુત્ર યોનાથાન દાનવંશીઓના યજ્ઞકાર તરીકે સેવા આપતો હતો. લોકોનો દેશનિકાલ થયો તે સમય સુધી યોનાથાનના વંશજો દાનવંશીઓના યજ્ઞકાર તરીકે કામ કરતા રહ્યા. 31પ્રભુનો મુલાકાતમંડપ શિલોમાં રહ્યો ત્યાં સુધી મિખાની મૂર્તિ ત્યાં દાનમાં કાયમ રહી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy