YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 35

35
યાકોબ બેથેલ પાછો ફરે છે
1ઈશ્વરે યાકોબને કહ્યું, “ઊઠ, બેથેલ જા અને ત્યાં રહે. તું તારા ભાઈ એસાવ પાસેથી નાસી છૂટયો તે વખતે તને દર્શન આપનાર ઈશ્વરને માટે તું ત્યાં વેદી બનાવ.”#ઉત. 28:11-17. 2તેથી યાકોબે પોતાના કુટુંબને અને પોતાની સાથેના બધા માણસોને કહ્યું, “તમારી પાસે પારકા દેવોની જે મૂર્તિઓ હોય તેમને ફેંકી દો, પોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલી નાખો. 3પછી આપણે અહીંથી નીકળીને બેથેલ જઈએ. મારા સંકટના સમયમાં મારો પોકાર સાંભળનાર અને હું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મને સાથ આપનાર ઈશ્વરને માટે હું ત્યાં એક વેદી બાંધીશ.” 4આથી તેમણે પોતાની પાસેના બધા પારકા દેવો તથા કાનમાંનાં કુંડળો યાકોબને સોંપી દીધાં અને યાકોબે તેમને શખેમ પાસેના મસ્તગી વૃક્ષ નીચે દાટી દીધાં.
5તેઓ ચાલી નીકળ્યા ત્યારે આસપાસનાં શહેરો ઉપર એવો ભય વ્યાપી ગયો કે તેમણે યાકોબના પુત્રોનો પીછો કર્યો નહિ. 6યાકોબ અને તેની સાથેના બધા લોકો કનાન દેશના લુઝ એટલે બેથેલ શહેરમાં આવી પહોંચ્યા. 7ત્યાં યાકોબે એક વેદી બનાવી અને તે સ્થળનું નામ એલ-બેથેલ (ઈશ્વરના ઘરનો ઈશ્વર) પાડયું. કારણ, તે જ્યારે પોતાના ભાઈ પાસેથી નાસી છૂટયો ત્યારે ઈશ્વરે તેને આ જ સ્થળે દર્શન આપ્યું હતું. 8રિબકાની દાઈ દબોરા ત્યાં મરી ગઈ અને તેને બેથેલ પાસે ઓકના વૃક્ષ નીચે દફનાવવામાં આવી. આથી તેણે તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ (વિલાપનું એલોન એટલે ઓક વૃક્ષ) પાડયું.
9યાકોબ મેસોપોટેમિયાથી આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને તેને આશિષ આપીને કહ્યું, “તારું નામ યાકોબ છે. 10પણ હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે.” તેમણે તેનું નામ ઇઝરાયલ પાડયું.#ઉત. 32:28. 11પછી ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સંતતિવાળો થા અને તારો વંશ વૃદ્ધિ પામો. તારામાંથી પ્રજા અને પ્રજાઓનો સમુદાય ઊતરી આવશે અને તારા વંશમાં રાજાઓ પાકશે. 12જે દેશ મેં અબ્રાહામને અને ઇસ્હાકને વતન તરીકે આપ્યો હતો તે હું તને અને તારા પછી તારા વંશજોને આપીશ.”#ઉત. 17:4-8. 13ત્યાર પછી ઈશ્વર ત્યાંથી ઉપર ચઢી ગયા. 14પણ જે સ્થળે ઈશ્વરે યાકોબ સાથે વાત કરી હતી ત્યાં યાકોબે એક સ્તંભ ઊભો કર્યો, તેના પર તેણે દ્રાક્ષાસવનું અર્પણ ચડાવ્યું અને તેનો તેલથી અભિષેક કર્યો. 15જે સ્થળે ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તેનું નામ યાકોબે બેથેલ (ઈશ્વરનું ઘર) પાડયું.#ઉત. 28:18-19.
રાહેલ અને ઇસ્હાકનું અવસાન
16પછી તેઓ બેથેલથી નીકળ્યા અને એફ્રાથથી હજી થોડે દૂર હતા એવામાં રાહેલને પ્રસવપીડા ઊપડી અને જન્મ આપતાં તેને ઘણું કષ્ટ થયું. 17તેને ઘણું કષ્ટ થતું હતું ત્યારે દાયણે તેને કહ્યું, “ગભરાઈશ નહિ, કારણ, આ વખતે પણ તને પુત્ર જન્મે છે.” 18જીવ જતાં જતાં તેણે તેનું નામ બેનોની (કષ્ટનો પુત્ર) પાડયું અને તે મૃત્યુ પામી, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન (જમણા હાથનો પુત્ર)#35:18 ‘બિન્યામીન’:હિબ્રૂ ભાષામાં બીજો અર્થ ‘પુત્ર ભાગ્યવાન થશે.’ પાડયું.
19આમ રાહેલ મૃત્યુ પામી અને તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી. 20યાકોબે તેની કબર પર એક સ્મારકસ્તંભ ઊભો કર્યો અને તે આજે પણ રાહેલની કબરના સ્તંભ તરીકે ઊભો છે. 21ઇઝરાયલે આગળ વધીને એદેરના બુરજની પેલી તરફ મુકામ કર્યો.
22ઇઝરાયલ એ પ્રદેશમાં રહેતો હતો તે દરમ્યાન રૂબેને પોતાના પિતાની ઉપપત્ની બિલ્હા સાથે સમાગમ કર્યો અને ઇઝરાયલને તેની ખબર પડી.#ઉત. 49:4.
23યાકોબને બાર પુત્રો હતા. લેઆહથી થયેલા પુત્રો: સૌથી જયેષ્ઠ પુત્ર રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર અને ઝબુલૂન. 24રાહેલથી થયેલા પુત્રો: યોસેફ અને બિન્યામીન. 25રાહેલની દાસી બિલ્હાથી થયેલા પુત્રો: દાન અને નાફતાલી. 26લેઆહની દાસી ઝિલ્પાથી થયેલા પુત્રો: ગાદ અને આશેર.આ બધા મેસોપોટેમિયામાં થયેલા યાકોબના પુત્રો હતા.
27યાકોબ મામરે અથવા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં પોતાના પિતા ઇસ્હાક પાસે આવ્યો. અબ્રાહામ અને ઇસ્હાક ત્યાં જઈને વસ્યા હતા.#ઉત. 13:18. 28ઇસ્હાક એક્સો એંસી વર્ષ સુધી જીવ્યો. 29પછી તે વયોવૃદ્ધ થઈ મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજોમાં મેળવાયો અને તેના પુત્રો એસાવ અને યાકોબે તેને દફનાવ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in