ઉત્પત્તિ 30
30
1જ્યારે રાહેલે જોયું કે પોતાને યાકોબથી બાળકો થતાં નથી ત્યારે તેને પોતાની બહેનની ઈર્ષા થઈ અને તેણે યાકોબને કહ્યું, “મને બાળકો આપો, નહિ તો હું મરી જઈશ.” 2યાકોબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “હું કંઈ ઈશ્વર છું? તને સંતાનથી વંચિત રાખનાર તો તે છે.” 3ત્યારે રાહેલે કહ્યું, “તમે મારી આ દાસી બિલ્હા સાથે સમાગમ કરો જેથી તે મારે માટે બાળકોને જન્મ આપે અને એમ તેની મારફતે હું માતા બની શકું.” 4આથી તેણે પોતાની દાસી બિલ્હાને યાકોબની પત્ની તરીકે સોંપી અને યાકોબે તેની સાથે સમાગમ કર્યો. 5બિલ્હા ગર્ભવતી થઈ અને તેણે યાકોબથી એક પુત્રને જન્મ આપ્યો. 6ત્યારે રાહેલ બોલી, “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે. તેમણે મારો પોકાર સાંભળ્યો છે અને મને પુત્ર આપ્યો છે.” આથી તેણે તેનું નામ દાન (ન્યાય કર્યો છે) પાડયું. 7રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકોબથી બીજા પુત્રને જન્મ આપ્યો. 8ત્યારે રાહેલે કહ્યું “મેં મારી બહેન સાથે જબરી બાથ ભીડી છે અને હું જીત પામી છું.” આથી તેણે તેનું નામ નાફતાલી (બાથ ભીડી છે) પાડયું.
9જ્યારે લેઆહે જોયું કે તેને સંતાન થતાં નથી ત્યારે તેણે પોતાની દાસી ઝિલ્પાને યાકોબની પત્ની થવા સોંપી. 10પછી લેઆહની દાસી ઝિલ્પાને યાકોબથી એક પુત્ર જન્મ્યો. 11ત્યારે લેઆહે કહ્યું, “સદ્ભાગ્ય!” માટે તેણે તેનું નામ ગાદ (સદ્ભાગ્ય) પાડયું. 12લેઆહની દાસી ઝિલ્પાને યાકોબથી બીજો પુત્ર જન્મ્યો. 13ત્યારે લેઆહ બોલી, “મને ધન્ય છે, હવે સ્ત્રીઓ મને ધન્યવાદ આપશે.” આથી તેણે તેનું નામ આશેર (ધન્ય) પાડયું.
14ઘઉંની કાપણીની મોસમમાં રૂબેન ખેતરમાં ગયો અને તેને કામોત્તેજક ભોરીંગડાં#30:14 ભોરીંગડા:આ છોડને ભોંયરીંગણી કે ભોરીંગડી કે ભોટીંગડી પણ કહે છે. તેને કાંટા હોવાથી કંટકારી તરીકે પણ ઓળખાય છે. વૈજ્ઞાનિક લેટિન નામ સોલેનમ્ ઝેન્થોર્કાપમ્ છે. મળ્યાં. તેણે તે લાવીને પોતાની માતા લેઆહને આપ્યાં. ત્યારે રાહેલે કહ્યું, “તારો દીકરો ભોરીંગડાં લાવ્યો છે તેમાંથી મને થોડાં આપ.” 15ત્યારે લેઆહે તેને કહ્યું, “તેં મારો પતિ લઈ લીધો છે એ કંઈ ઓછું છે કે મારા દીકરાએ લાવેલાં ભોરીંગડાં પણ તારે લઈ લેવાં છે?” રાહેલે કહ્યું, “તો તારા દીકરાના ભોરીંગડાંના બદલામાં આજે મારા પતિ તારી સાથે સૂઈ જશે.” 16યાકોબ સાંજે સીમમાંથી પાછો આવ્યો ત્યારે લેઆહ તેને મળવા માટે સામે ગઈ અને તેને કહ્યું, “આજે તમારે મારી સાથે સૂવું પડશે. કારણ, મારા દીકરાએ લાવેલાં ભોરીંગડા આપીને મેં તમને રાખી લીધા છે.” આથી તે રાત્રે યાકોબ તેની સાથે સૂઈ ગયો. 17ઈશ્વરે લેઆહની વિનંતી સાંભળી અને તે ગર્ભવતી થઈ અને યાકોબથી તેને પાંચમો પુત્ર જન્મ્યો. 18લેઆહ બોલી, “મેં મારી દાસી મારા પતિને આપી એટલે ઈશ્વરે મને મારો બદલો આપ્યો છે.” આથી તેણે તેનું નામ ઇસ્સાખાર (બદલો) પાડયું. 19લેઆહ ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકોબથી છઠ્ઠા પુત્રને જન્મ આપ્યો. 20ત્યારે લેઆહ બોલી, “ઈશ્વરે મને ઉત્તમ ભેટ આપી છે, હવે મારા પતિ મારું સન્માન કરશે; કારણ મેં એમને છ છ પુત્રો આપ્યા છે.” માટે તેણે તેનું નામ ઝબુલૂન (ભેટ) પાડયું. 21ત્યાર પછી તેણે એક પુત્રીને જન્મ આપ્યો અને તેણે તેનું નામ દીના પાડયું.
22પછી ઈશ્વરે રાહેલને સંભારી અને તેની વિનંતી માન્ય કરી અને તેનું વંધ્યત્વ દૂર કર્યું. 23તે ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે બોલી, “ઈશ્વરે મારું અપમાન દૂર કર્યું છે. 24હવે પ્રભુ મને બીજો એક દીકરો પણ ઉમેરી આપો.” તેણે તેનું નામ યોસેફ (ઉમેરો કરો) પાડયું.
25રાહેલે યોસેફને જન્મ આપ્યો ત્યાર પછી યાકોબે લાબાનને કહ્યું, “હવે મને વિદાય કરો કે હું મારા દેશમાં એટલે મારા વતનમાં જાઉં. 26જેમને લીધે મેં તમારી નોકરી કરી તે મારી પત્નીઓ અને મારાં બાળકો મને સોંપી દો અને મને જવા દો. મેં તમારે ત્યાં કેવી સારી નોકરી કરી છે તે તમે જાણો છો.” 27પણ લાબાને તેને કહ્યું, “જો તારી રહેમ નજર મારા પર હોય તો તું અહીં જ રહે. કારણ, મેં જોષ જોઈને શોધી કાઢયું છે કે તારે લીધે પ્રભુએ મને આશિષ આપી છે. 28-29હવે તારે જે વેતન જોઈએ તે કહે અને હું તને તે આપીશ.” યાકોબે કહ્યું, “તમારે ત્યાં મેં કેવી સારી નોકરી કરી છે તે તમે જાણો છો. 30હું તમારી પાસે આવ્યો તે પહેલાં તમારી પાસે થોડાં જ ઢોર હતાં, પણ હવે તેમાં ધરખમ વધારો થયો છે. જ્યાં જ્યાં મારાં પગલાં પડયાં ત્યાં ત્યાં#30:30 ‘જ્યાં જ્યાં....ત્યાં ત્યાં’ અથવા ‘મારે લીધે.’ પ્રભુએ તમને આશિષ બક્ષી છે. પણ હું મારા પોતાના કુટુંબની જોગવાઈ ક્યારે કરીશ?”
31લાબાને તેને પૂછયું, “હું તને શું આપું?” યાકોબે કહ્યું, “તમે મને કંઈ જ આપશો નહિ. પણ તમે આટલું કરશો તો હું ફરી તમારાં ઘેટાં બકરાં ચરાવીશ અને સાચવીશ. 32આજે હું તમારાં ઘેટાંબકરાંના બધાં ટોળામાં ફરી વળીશ અને તેમાંથી ચટાપટાવાળાં અને ટપકાંવાળાં બધાં બકરાં તેમજ બધાં કાળાં હલવાન અલગ પાડી દઈશ. એ મારું વેતન થશે. 33તમે પાછળથી મારા વેતન તરીકે મળેલાં ઘેટાંબકરાંની તપાસ કરવા આવશો ત્યારે મારી પ્રામાણિક્તા પુરવાર થશે. મારી પાસેનાં ઘેટાંબકરાંમાંથી કોઈ બકરું ચટાપટાવાળું કે ટપકાંવળું ન હોય અને કોઈ ઘેટું કાળું ન હોય તો તે ચોરેલું છે તેમ ગણાશે.”
34લાબાને કહ્યું, “ભલે, તારી વાત મને મંજૂર છે.” 35પણ તે દિવસે લાબાને ચટાપટાવાળા અને ટપકાંવાળા બધા બકરા, ચટાપટાવાળી અને ટપકાંવાળી બધી બકરીઓ અને બધાં કાળાં ઘેટાં જુદાં પાડી દઈને પોતાના દીકરાઓને સાચવવા સોંપી દીધાં. 36અને પોતાની અને યાકોબની વચ્ચે ત્રણ દિવસની મુસાફરી જેટલું અંતર રાખ્યું. યાકોબે લાબાનનાં બાકીનાં ઘેટાંબકરાં સંભાળી લીધાં.
37પછી યાકોબે લીમડાની, બદામની અને ચિનારની લીલી સોટીઓ લીધી અને તેમને છોલીને તેમનો સફેદ ભાગ ખુલ્લો કરી તેમાં સફેદ પટા પાડયા. 38પછી તેણે એ છોલેલી સોટીઓ ઘેટાંબકરાં જ્યાં પાણી પીવા આવતાં હતાં ત્યાં પાણીના હવાડા આગળ ઘેટાંબકરાંની સામે ઊભી કરી. ઘેટાંબકરાં પાણી પીવા આવે ત્યારે તેઓ સંવનન કરતાં. 39પેલી સોટીઓ સામે સંવનન કરતાં ગર્ભાધાન થાય એટલે તેમને કાબરચીતરાં, ચટાપટાવાળાં અને ટપકાંવાળાં બચ્ચાં જનમતાં. 40યાકોબ એવાં ટપકાંવાળાં અને પૂરેપરાં કાળાં બચ્ચાંને જુદાં જ રાખતો. એમ તેણે પોતાનાં ટોળાં જુદાં પાડયાં અને તેમને લાબાનનાં ઘેટાં સાથે ભળવા દીધાં નહિ. 41જ્યારે જ્યારે ટોળામાંનાં હૃષ્ટપુષ્ટ ઘેટાંબકરાં સંવનન કરતાં ત્યારે તે તેમની સામે પેલા હવાડા આગળ પેલી સોટીઓ મૂક્તો, જેથી એ સોટીઓ સામે તેમનું ગર્ભાધાન થાય. 42પણ ટોળામાંનાં નબળાં ઘેટાંબકરાં સામે તે હવાડા આગળ સોટીઓ મૂક્તો નહિ. આથી લાબાનનાં ઘેટાંબકરાં નબળાં હતાં, જ્યારે યાકોબનાં હૃષ્ટપુષ્ટ થયાં. 43આમ, એ માણસ ખૂબ સમૃદ્ધ બની ગયો, અને તેની પાસે ઘેટાંબકરાંનાં મોટાં ટોળાં, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં હતાં.
Currently Selected:
ઉત્પત્તિ 30: GUJCL-BSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide