ઉત્પત્તિ 29
29
લાબાનને ત્યાં યાકોબનું આગમન
1પછી યાકોબ ત્યાંથી આગળ ચાલ્યો અને અંતે પૂર્વના લોકોના પ્રદેશમાં જઈ પહોંચ્યો. 2ત્યાં તેણે ખેતરમાં એક કૂવો અને તેની પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠેલાં જોયાં. કારણ, એ કૂવામાંથી ઘેટાંનાં ટોળાંને પાણી પીવડાવવામાં આવતું હતું. કૂવાના મુખ ઉપર એક મોટો પથ્થર હતો. 3જ્યારે બધાં ટોળાં ત્યાં ભેગાં થતાં ત્યારે ભરવાડો કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવીને ઘેટાંને પાણી પીવડાવતા. પછી પથ્થર પાછો કૂવાના મુખ પર તેને સ્થાને ગોઠવી દેતા.
4યાકોબે તે ભરવાડોને પૂછયું, “ભાઈ, તમે ક્યાંથી આવો છો?” તેમણે કહ્યું, “અમે હારાનના છીએ.” 5તેણે તેમને પૂછયું, “તમે નાહોરના પુત્ર લાબાનને ઓળખો છો?” તેમણે કહ્યું, “અમે તેને ઓળખીએ છીએ.” 6તેણે તેમને પૂછયું, “શું તે કુશળ છે?” તેમણે કહ્યું, “હા. જો, પેલી તેની પુત્રી રાહેલ ઘેટાં લઈને આવે.” 7યાકોબે કહ્યું, “જુઓ, સાંજ પડવાને હજી ઘણી વાર છે અને ઢોર એકઠાં કરવાનો વખત થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવીને ફરી ચરવા લઈ જાઓ.” 8પણ તેમણે કહ્યું, “બધાં ટોળાં એકઠાં ન થાય અને પથ્થર ગબડાવવામાં ન આવે ત્યાં સુધી અમે પાણી પીવડાવી શકીએ તેમ નથી. કારણ, બધાં ટોળાં એકઠાં થયા પછી જ અમે ઘેટાંને પાણી પીવડાવીએ છીએ.”
9યાકોબ હજી તેમની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી પહોંચી. કારણ, તે તેમને ચારવાનું કામ કરતી હતી. 10યાકોબે પોતાના મામા લાબાનની પુત્રી રાહેલને અને મામાનાં ઘેટાંને જોયાં એટલે તેણે કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવી દીધો અને પોતાના મામાનાં ઘેટાંને પાણી પીવડાવ્યું. 11પછી યાકોબે રાહેલને ચુંબન કર્યું અને મોટેથી રડવા લાગ્યો. 12તેણે રાહેલને કહ્યું, “હું તારા પિતાના સગપણમાં છું અને રિબકાનો પુત્ર છું.” રાહેલે દોડતાં જઈને પોતાના પિતાને વાત કરી. 13જ્યારે લાબાને પોતાના ભાણેજ યાકોબના સમાચાર સાંભળ્યા ત્યારે તે તેને દોડીને મળવા ગયો અને તેને ભેટીને ચુંબન કર્યું. તે તેને પોતાને ઘેર લઈ ગયો. પછી યાકોબે લાબાનને બધી વાત કરી. 14ત્યારે લાબાને કહ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે.” યાકોબ તેને ત્યાં એક માસ રહ્યો.
યાકોબનાં લગ્ન
15પછી લાબાને યાકોબને કહ્યું, “તું મારો સગો હોવાથી તું મારું કામ મફતમાં કરે તે વાજબી નથી. તેથી તું કેટલું વેતન લઈશ તે કહે.” 16હવે લાબાનને બે પુત્રીઓ હતી: મોટી પુત્રીનું નામ લેઆહ અને નાની પુત્રીનું નામ રાહેલ. 17લેઆહની આંખો નબળી હતી, પણ રાહેલ સુડોળ અને સુંદર હતી. 18વળી, યાકોબ રાહેલના પ્રેમમાં હતો, એટલે તેણે કહ્યું, “હું તમારી નાની પુત્રી રાહેલ સાથે લગ્ન કરવા માટે તમારે ત્યાં સાત વર્ષ કામ કરીશ.” 19લાબાને કહ્યું, “હું એનાં લગ્ન કોઈ પારકા માણસ સાથે કરાવું તેના કરતાં તારી સાથે કરાવું તે સારું છે. તું મારી સાથે રહે.” 20તેથી યાકોબે રાહેલ સાથે લગ્ન કરવા માટે સાત વર્ષ કામ કર્યું અને રાહેલ પ્રત્યેના તેના પ્રેમને કારણે તેને એ સાત વર્ષ થોડા દિવસ જેવાં લાગ્યાં.
21પછી યાકોબે લાબાનને કહ્યું, “મારો ઠરાવેલો સમય પૂરો થયો છે, માટે હવે મને મારી પત્નીની સોંપણી કરો, જેથી હું તેની સાથે દંપતી-જીવન ગાળી શકું.” 22તેથી લાબાને ગામના બધા લોકોને ભેગા કર્યા અને જમણ કર્યું. 23પણ સાંજે તેણે પોતાની પુત્રી લેઆહને લાવીને યાકોબને સોંપી અને યાકોબે તેની સાથે સમાગમ કર્યો. 24લાબાને પોતાની દાસી ઝિલ્પાને પણ લેઆહની દાસી તરીકે આપી. 25સવારમાં યાકોબે જોયું તો તે લેઆહ હતી. એટલે યાકોબે લાબાનને કહ્યું, “તમે આ શું કર્યું? શું મેં રાહેલને માટે તમારે ત્યાં કામ કર્યું નહોતું? તો તમે મને કેમ છેતર્યો?” 26લાબાને કહ્યું, “અમારા દેશમાં મોટી દીકરી પહેલાં નાની દીકરીનાં લગ્ન કરાવવાનો રિવાજ નથી. 27તેથી લગ્નપ્રથા પ્રમાણે તું પહેલાં લેઆહ સાથે એક સપ્તાહ પૂરું કર. પછી જો તું બીજાં સાત વર્ષ મારે ત્યાં કામ કરવા બંધાતો હોય તો હું રાહેલનાં લગ્ન પણ તારી સાથે કરાવીશ.” 28યાકોબે એ વાત કબૂલ કરી. તેણે લેઆહ સાથે એક સપ્તાહ પૂરું કર્યું, તે પછી લાબાને પોતાની પુત્રી રાહેલનાં લગ્ન પણ તેની સાથે કરાવ્યાં. 29લાબાને પોતાની દાસી બિલ્હાને પોતાની પુત્રી રાહેલની દાસી તરીકે સોંપી. 30યાકોબે રાહેલ સાથે પણ સમાગમ કર્યો. તેણે લેઆહ કરતાં રાહેલ પર વિશેષ પ્રેમ કર્યો. તેણે લાબાનને ત્યાં બીજાં સાત વર્ષ કામ કર્યું.
યાકોબનાં સતાન
31પ્રભુએ જોયું કે લેઆહ અણમાનીતી છે ત્યારે તેમણે તેને સંતાન આપ્યાં, પણ રાહેલ નિ:સંતાન રહી. 32લેઆહ ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. તેણે કહ્યું, “પ્રભુએ મારું દુ:ખ જોયું છે; હવે જરૂર મારા પતિ મારા પર પ્રેમ કરશે.” એટલે તેણે તેનું નામ રૂબેન (જુઓ, પુત્ર) પાડયું. 33તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તે બોલી, “હું અણમાનીતી છું એવું પ્રભુએ સાંભળ્યું છે એટલે તેમણે મને બીજો પુત્ર પણ આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન (સાંભળ્યું છે) પાડયું. 34તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તેણે કહ્યું, “હવે મારા પતિ મારી સાથે ગાઢ સંબંધમાં રહેશે. કારણ, મેં ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે.” તેથી તેણે તેનું નામ લેવી (બંધનમાં બંધાવું) પાડયું. 35તેને ફરી ગર્ભ રહ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો અને તે બોલી, “હવે હું પ્રભુની સ્તુતિ કરીશ.” તેથી તેણે તેનું નામ યહૂદા (સ્તુતિ) પાડયું. એ પછી તેને સંતાન થતાં બંધ થયાં.
Currently Selected:
ઉત્પત્તિ 29: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide