YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 9

9
શાઉલનું પરિવર્તન
(પ્રે.કા. 22:6-16; 26:12-28)
1એ સમય દરમિયાન શાઉલ પ્રભુના શિષ્યોનાં ખૂન કરવાની ક્રૂર ધમકીઓ આપતો હતો. તે પ્રમુખ યજ્ઞકાર પાસે ગયો, 2અને દમાસ્ક્સમાં આવેલાં યહૂદી ભજનસ્થાનો પર ઓળખપત્રો લખી આપવા તેને વિનંતી કરી, જેથી જો તેને ત્યાં ઈસુના માર્ગનો કોઈપણ અનુયાયી મળી આવે તો તે સ્ત્રીપુરુષોની ધરપકડ કરી શકે અને તેમને યરુશાલેમ લઈ આવે.
3દમાસ્ક્સ જતાં જતાં તે શહેરની નજીક આવ્યો ત્યારે એકાએક તેની આજુબાજુ આકાશમાંથી પ્રકાશ ચમક્યો. 4તે જમીન પર પડી ગયો અને તેણે અવાજ સાંભળ્યો, “શાઉલ, શાઉલ! તું મારી સતાવણી કેમ કરે છે?”
5તેણે પૂછયું, “પ્રભુ, તમે કોણ છો?”
6ત્યારે અવાજ આવ્યો, “હું ઈસુ છું, જેની તું સતાવણી કરે છે. તો હવે ઊભો થઈને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને ત્યાં જણાવવામાં આવશે.”
7શાઉલની સાથે મુસાફરી કરી રહેલા માણસો સ્તબ્ધ થઈ ગયા; તેમણે અવાજ તો સાંભળ્યો, પણ કોઈને જોઈ શક્યા નહિ. 8શાઉલ જમીન પરથી ઊભો થયો અને તેણે પોતાની આંખો ખોલી, પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી તેઓ તેનો હાથ પકડીને તેને દમાસ્ક્સમાં દોરી ગયા. 9ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને એ સમય દરમિયાન તેણે કંઈ ખાધું કે પીધું નહિ.
10દમાસ્ક્સમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “અનાન્યા!”
તેણે જવાબ આપ્યો, “પ્રભુ, હું આ રહ્યો.”
11“‘સીધી શેરી’માં જા, અને યહૂદાને ઘેર જઈને તાર્સસના શાઉલની મુલાકાત લે. તે પ્રાર્થના કરે છે, 12અને સંદર્શનમાં તેણે જોયું છે કે અનાન્યા નામનો એક માણસ આવીને તેના પર હાથ મૂકે છે અને તેથી તે ફરીથી દેખતો થાય છે.”
13અનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને એ માણસ વિષે અને યરુશાલેમમાંના તમારા લોકો પર તેણે જે કાળો કેર વર્તાવ્યો છે તે વિષે કહ્યું છે. 14વળી, તમારે નામે વિનંતી કરનાર બધાની ધરપકડ કરવા માટે તે મુખ્ય યજ્ઞકારો પાસેથી સત્તા મેળવીને દમાસ્ક્સમાં આવ્યો છે.”
15પ્રભુએ તેને કહ્યું, “તું તારે જા, કારણ, મારી સેવા કરવા માટે અને બિનયહૂદીઓને તથા રાજાઓને તથા ઇઝરાયલી લોકોને મારું નામ પ્રગટ કરવા મેં તેને પસંદ કર્યો છે. 16અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ.”
17તેથી અનાન્યા ગયો અને ઘરમાં પ્રવેશીને તેણે શાઉલના માથા પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, તું અહીં આવતો હતો ત્યારે રસ્તા પર તને દર્શન આપનાર ઈસુ એટલે પ્રભુએ પોતે મને મોકલ્યો છે. તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે તેમણે મને મોકલ્યો છે.” 18પછી તરત જ માછલીનાં ભીંગડાંના આકારનું કંઈક શાઉલની આંખ પરથી ખરી પડયું અને તે ફરીથી દેખતો થયો. તેણે ઊઠીને બાપ્તિસ્મા લીધું; 19અને જ્મ્યા પછી તેનામાં શક્તિ પાછી આવી.
દમાસ્ક્સમાં શાઉલનો પ્રચાર
શાઉલ કેટલાક દિવસો સુધી દમાસ્ક્સમાંના શિષ્યો સાથે રહ્યો. 20તે સીધો જ ભજનસ્થાનોમાં ગયો અને ઈસુ વિષે પ્રચાર કરવા લાગ્યો. તેણે કહ્યું, “તે ઈશ્વરપુત્ર છે.”
21તેના શ્રોતાજનોએ આશ્ર્વર્યચકિત થઈને કહ્યું, “યરુશાલેમમાં ઈસુને નામે વિનંતી કરનારાઓને મારી નાખનાર તે જ આ માણસ નથી? અને તેમને પાછા લઈ જવાના હેતુસર જ તે અહીં આવ્યો ન હતો?”
22પણ શાઉલનો પ્રચાર એથી પણ વિશેષ જોરદાર બન્યો, અને ઈસુ એ જ ખ્રિસ્ત છે તે અંગે તેણે આપેલા પુરાવા એવા ખાતરીદાયક હતા કે દમાસ્ક્સમાં રહેતા યહૂદીઓ તેને જવાબ આપી શક્યા નહિ.
23ઘણા દિવસો પસાર થયા પછી યહૂદીઓએ એકત્ર થઈને શાઉલને મારી નાખવાનું કાવતરું ઘડયું. 24પણ તેમની યોજનાની તેને ખબર પડી ગઈ. તેને મારી નાખવા માટે તેઓ રાતદિવસ શહેરના દરવાજાઓ પર ચોકીપહેરો રાખતા. 25પણ એક રાત્રે શાઉલના શિષ્યોએ તેને ટોપલામાં બેસાડીને કોટની એક બારીમાં થઈને કોટ ઉપરથી ઉતારી મૂક્યો.
શાઉલનું યરુશાલેમમાં આગમન
26શાઉલ યરુશાલેમ આવ્યો અને શિષ્યોની સાથે જોડાવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ તે શિષ્ય છે એવું માનવા કોઈ તૈયાર નહોતું. બધા તેનાથી ડરતા હતા. 27પણ બાર્નાબાસે તેને સાથ આપ્યો અને તે તેને પ્રેષિતો પાસે લઈ ગયો. શાઉલને કેવી રીતે રસ્તે જતાં જતાં પ્રભુનાં દર્શન થયાં હતાં અને પ્રભુએ તેની સાથે વાત કરી હતી તે તેણે પ્રેષિતોને સમજાવ્યું. શાઉલે દમાસ્ક્સમાં ઈસુના નામમાં કેવો હિંમતભેર પ્રચાર કર્યો હતો તે તેમને કહી જણાવ્યું. 28તેથી શાઉલ તેમની સાથે રહ્યો અને આખા યરુશાલેમમાં પ્રભુના નામમાં હિંમતપૂર્વક પ્રચાર કરતો ફર્યો. 29ગ્રીક બોલતા યહૂદીઓની સાથે પણ તેણે ચર્ચા કરી, પણ તેમણે તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. 30ભાઈઓને એ વાતની ખબર પડી જવાથી તેમણે શાઉલને કાઈસારિયા લઈ જઈ તાર્સસ મોકલી દીધો.
31અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.
લુદા અને જોપ્પામાં પિતર
32પિતર બધી જગ્યાએ મુસાફરી કરતો હતો. એકવાર તે લુદામાં રહેતા સંતોની મુલાકાતે ગયો. 33ત્યાં તે એનિયસ નામના એક માણસને મળ્યો; તેને લકવા થયો હતો અને આઠ વર્ષથી પથારીવશ હતો. 34પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, તારું બિછાનું ઊંચકી લે.” એનિયસ તરત જ ઊભો થયો. 35લુદા અને શારોનમાં રહેતા બધા લોકોએ તેને જોયો, અને તેઓ પ્રભુ તરફ ફર્યા.
36જોપ્પામાં તાબીથા નામની એક વિશ્વાસી સ્ત્રી હતી (ગ્રીકમાં તેનું નામ દરક્સ અર્થાત્ હરણી છે). તે તેનો સઘળો સમય ભલું કરવામાં અને ગરીબોને મદદ કરવામાં ગાળતી. 37એ વખતે તે બીમાર પડી અને મરી ગઈ. તેના શબને નવડાવીને ઉપલે માળે ઓરડીમાં રાખ્યું હતું. 38જોપ્પા લુદાથી બહુ દૂર ન હતું, અને જ્યારે જોપ્પાના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે ત્યારે તેમણે બે માણસોને તેની પાસે સંદેશો લઈ મોકલ્યા: “અમારી પાસે જલદીથી આવો.” 39તેથી પિતર તૈયાર થઈને તેમની સાથે ગયો. તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને ઉપલે માળે ઓરડીમાં લઈ ગયા. બધી વિધવાઓ તેને ઘેરી વળી અને તે જીવતી હતી ત્યારે તેણે જે પહેરણ અને ઝભ્ભા બનાવ્યા હતા તે તેને બતાવતાં તેઓ રડવા લાગી. 40પિતરે બધાને ઓરડીની બહાર કાઢી મૂક્યા અને ધૂંટણે પડીને પ્રાર્થના કરી; પછી શબ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા, ઊઠ!” તેણે પોતાની આંખો ખોલી અને પિતરને જોઈને તે બેઠી થવા લાગી. 41પિતરે આગળ વધીને તેને બેઠા થવામાં સહાય કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને બોલાવીને તેને જીવતી સોંપી. 42આ અંગેના સમાચાર આખા જોપ્પામાં પ્રસરી ગયા, અને ઘણા લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો. 43જોપ્પામાં સિમોન નામના એક ચમારને ત્યાં પિતર ઘણા દિવસ રહ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in