YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 10

10
પિતર અને કર્નેલ્યસ
1કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ હતો. તે રોમન લશ્કરીદળની ‘ઇટાલિયન ટુકડી’નો સૂબેદાર હતો. 2તે ધાર્મિક માણસ હતો. તે અને તેનું આખું કુટુંબ ઈશ્વરની ભક્તિ કરતાં હતાં. તે ગરીબ યહૂદી લોકોને ઘણી મદદ કરતો, અને હમેશાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. 3એકવાર બપોરે ત્રણ વાગ્યે તેને સંદર્શન થયું. તેમાં તેણે સ્પષ્ટ રીતે ઈશ્વરના દૂતને તેની પાસે આવીને “કર્નેલ્યસ!” એમ કહેતો જોયો.
4તે બીકમાં ને બીકમાં દૂત સામે તાકી રહ્યો અને કહ્યું, “શું છે, સાહેબ?”
દૂતે કહ્યું, “ઈશ્વરે તારી પ્રાર્થનાઓ અને તારાં દાનધર્મનાં કાર્યોનો સ્વીકાર કર્યો છે, અને તને યાદ કર્યો છે. 5હવે માણસ મોકલીને જોપ્પાથી સિમોન પિતરને બોલાવ. 6દરિયાકિનારે રહેતા સિમોન ચમારને ત્યાં તે મહેમાન તરીકે ઊતર્યો છે.” 7પછી તેની સાથે વાત કરનાર દૂત જતો રહ્યો. કર્નેલ્યસે ઘરના બે નોકરોને અને એક સૈનિક જે ધાર્મિક માણસ અને તેનો અંગત સેવક હતો, તેમને બોલાવ્યા 8અને તેમને બધા બનાવો જણાવીને જોપ્પા મોકલ્યા.
9બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં જોપ્પા નજીક આવી પહોંચ્યા, ત્યારે પિતર લગભગ બપોરે ઘરના ધાબા પર પ્રાર્થના કરવા માટે ગયો હતો. 10તે ભૂખ્યો થયો અને તેને જમવું હતું. ભોજન તૈયાર થઈ રહ્યું હતું ત્યારે તેને સંદર્શન થયું. 11તેણે આકાશ ખુલ્લું થયેલું અને ચાર છેડાથી લટકાવેલી ચાદર જેવું પૃથ્વી પર ઊતરતું કંઈક જોયું. 12તેમાં પૃથ્વી પરનાં સર્વ પ્રકારનાં ચાર પગવાળા પ્રાણીઓ, પેટે ચાલતાં પ્રાણીઓ અને આકાશમાં ઊડનારાં પક્ષીઓ હતાં. 13એક અવાજ સંભળાયો, “પિતર, ઊઠ, મારીને ખા.” 14પણ પિતરે કહ્યું, “ના પ્રભુ, એમ નહિ; દૂષિત અને અશુદ્ધ એવું કંઈ મેં કદી ખાધું નથી.”
15ફરી અવાજ સંભળાયો, “ઈશ્વરે જેને શુદ્ધ જાહેર કર્યું છે તેને અશુદ્ધ ગણીશ નહિ.” 16એવું ત્રણ વાર બન્યું; અને પછી એ વસ્તુ આકાશમાં પાછી ખેંચી લેવાઈ.
17જે સંદર્શન જોયું તેના અર્થ વિષે પિતર વિચારતો હતો. એવામાં કર્નેલ્યસના માણસોને સિમોનનું ઘર મળી ગયું, અને તેઓ દરવાજે ઊભા હતા. 18તેમણે હાંક મારીને પૂછયું, “સિમોન પિતર નામે અહીં કોઈ મહેમાન છે?”
19પિતર હજુ એ સંદર્શનનો અર્થ સમજવા પ્રયત્ન કરતો હતો ત્યારે પવિત્ર આત્માએ કહ્યું, “જો, ત્રણ માણસો તને શોધે છે. 20તેથી ઊઠ, નીચે ઊતર અને એમની સાથે જવા આનાકાની કરીશ નહિ. કારણ, મેં તેમને મોકલ્યા છે.” 21તેથી પિતર નીચે ઊતર્યો અને પેલા માણસોને કહ્યું, “તમે જેને શોધો છો તે હું જ છું. તમે કેમ આવ્યા છો?”
22તેમણે જવાબ આપ્યો, “સૂબેદાર કર્નેલ્યસે અમને મોકલ્યા છે. તે ધર્મનિષ્ઠ અને ઈશ્વરની ભક્તિ કરનાર વ્યક્તિ છે. બધા યહૂદીઓ તેને ખૂબ માન આપે છે. ઈશ્વરના એક દૂતે તમને તેને ઘેર આમંત્રણ આપવા જણાવ્યું છે કે જેથી તે તમારો સંદેશ સાંભળી શકે.” 23પિતરે એ માણસોને ઘરમાં બોલાવ્યા, અને ત્યાં તેમને રાતવાસો રાખ્યા.
બીજે દિવસે તે તૈયાર થઈને તેમની સાથે ગયો; અને જોપ્પાના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા. 24બીજે દિવસે તે કાઈસારિયા આવી પહોંચ્યો; ત્યાં કર્નેલ્યસ પોતાનાં સગાસંબંધીઓ તથા નિકટના આમંત્રિત મિત્રો સહિત તેની રાહ જોતો હતો. 25પિતર ઘરમાં પ્રવેશતો હતો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો અને પગે પડીને તેણે તેને નમન કર્યું. 26પણ પિતરે તેને ઊભો કર્યો. તેણે કહ્યું, “ઊઠ, ઊભો થા, કારણ, હું પણ માણસ જ છું.” 27વાત કરતાં કરતાં પિતર કર્નેલ્યસ સાથે ઘરમાં ગયો. ઘરમાં તેણે ઘણા માણસો એકત્ર થયેલા જોયા. 28તેણે તેમને કહ્યું, “તમે જાણો છો કે વિધિગત રીતે યહૂદીને બિનયહૂદીની મુલાકાત લેવાની કે તેની સંગત રાખવાની છૂટ નથી. પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે મારે કોઈ માણસને અશુદ્ધ કે દૂષિત ગણવો નહિ. અને તેથી તમે મને બોલાવ્યો ત્યારે મેં આવવા માટે કંઈ આનાકાની કરી નહિ. 29તો હવે મને કહેશો કે તમે મને કેમ બોલાવ્યો છે?”
30કર્નેલ્યસે કહ્યું, “ત્રણ દિવસ પહેલાં લગભગ આ જ સમયે બપોરે ત્રણ વાગ્યે હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. એકાએક ચળક્તાં વસ્ત્રો પહેરેલો એક માણસ મારી સમક્ષ ઊભો રહ્યો. 31તેણે કહ્યું, ‘કર્નેલ્યસ! ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે અને તારાં દાનધર્મનાં કાર્યો યાદ કર્યાં છે. 32સિમોન પિતર નામે માણસને બોલાવવા કોઈને જોપ્પા મોકલ. દરિયાકિનારે રહેતા સિમોન ચમારને ત્યાં તે મહેમાન તરીકે ઊતર્યો છે.’ 33અને તેથી મેં તમને તરત બોલાવડાવ્યા, અને તમે કૃપા કરીને આવ્યા તે સારું થયું. હવે પ્રભુએ તમને જે કહેવા આજ્ઞા કરી છે તે સાંભળવા અમે બધાં અહીં ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થયાં છીએ.”
પિતરનો સંદેશ
34પિતરે સંબોધન શરૂ કર્યું: “હવે મને સમજ પડે છે કે ઈશ્વર સૌના પ્રત્યે સમાન ધોરણે વર્તે છે. 35તેમની બીક રાખનાર અને સુકૃત્ય કરનાર તેમને સ્વીકાર્ય છે, પછી ભલેને તે કોઈપણ જાતિનો કેમ ન હોય!
36“સૌના પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્તની મારફતે શાંતિનો શુભસંદેશ જાહેર કરીને પોતાના ઇઝરાયલી લોકોને ઈશ્વરે જે સંદેશો આપ્યો તેની તમને ખબર છે. 37યોહાને બાપ્તિસ્માનો પ્રચાર કર્યો ત્યાર પછી ગાલીલથી શરૂ કરીને આખા ઇઝરાયલ દેશમાં જે મહાન બનાવ બન્યો તે તમે જાણો છો. 38નાઝારેથના ઈસુ, જેમનો ઈશ્વરે પવિત્ર આત્મા અને સામર્થ્યથી અભિષેક કર્યો તેમને વિષે પણ તમે જાણો છો. 39તેમણે સર્વ જગ્યાએ જઈને ભલું કર્યું અને જેઓ શેતાનના અધિકાર નીચે હતા તે બધાને સાજા કર્યા. કારણ, ઈશ્વર તેમની સાથે હતા. યહૂદીઓના પ્રદેશમાં અને યરુશાલેમમાં કરેલાં તેમનાં બધાં કાર્યોનાં અમે સાક્ષીઓ છીએ. તેમણે તેમને ક્રૂસ પર ખીલા જડીને મારી નાખ્યા. 40પણ ઈશ્વરે તેમને ત્રીજે દિવસે મરણમાંથી સજીવન કર્યા. 41સર્વ લોકોને નહિ, પણ અમને ઈશ્વરે સાક્ષીઓ થવાને અગાઉથી પસંદ કર્યા છે અને અમને તેમનાં દર્શન કરાવ્યાં છે. તે મરણમાંથી સજીવન થયા ત્યાર પછી અમે તેમની સાથે ખાધુંપીધું. 42તેમણે અમને લોકો મયે શુભસંદેશનો પ્રચાર કરવા અને જીવતાંઓ અને મરેલાંઓનો ન્યાય કરવા ઈશ્વરે તેમને જ નિયુક્ત કર્યા છે તેની સાક્ષી પૂરવા આજ્ઞા કરી. 43બધા સંદેશવાહકો તેમને વિશે સાક્ષી પૂરે છે કે, જે તેમનામાં વિશ્વાસ મૂકશે તેનાં પાપ તેમના નામના અધિકારથી માફ થશે.”
બિનયહૂદીઓને પવિત્ર આત્માની પ્રાપ્તિ
44પિતર હજુ બોલતો હતો એવામાં સંદેશો સાંભળનાર બધા ઉપર પવિત્ર આત્મા ઊતર્યો. 45પિતરની સાથે જોપ્પાથી જે યહૂદી વિશ્વાસીઓ આવ્યા હતા તેઓ વિસ્મય પામ્યા કે ઈશ્વરે બિનયહૂદીઓને પણ પવિત્ર આત્માની ભેટ આપી છે. 46કારણ, તેમણે તેમને જુદી જુદી ભાષામાં બોલતા અને ઈશ્વરની મહાનતા વિષે પ્રશંસા કરતા સાંભળ્યા. પિતર બોલી ઊઠયો, 47“આપણી જેમ જ આ લોકો પણ પવિત્ર આત્મા પામ્યા છે. તો પછી પાણીથી બાપ્તિસ્મા લેવાને તેમને કોણ રોકી શકે?” 48તેથી તેણે ઈસુ ખ્રિસ્તના નામે તેમને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ તેને થોડા વધારે દિવસે રોકાઈ જવા વિનંતી કરી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in