YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 11

11
પિતરનો હેવાલ
1પ્રેષિતો અને સમગ્ર યહૂદિયામાંના ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદીઓએ પણ ઈશ્વરનો સંદેશ સ્વીકાર્યો છે. 2પિતર યરુશાલેમ ગયો ત્યારે બિનયહૂદીઓએ સુન્‍નત કરાવવી જોઈએ એવું માનનારાઓએ તેની ટીકા કરી, 3“સુન્‍નત ન કરાવી હોય તેવા બિનયહૂદીને ઘેર તમે મહેમાન તરીકે રહ્યા, અને તેની સાથે ભોજન પણ લીધું!” 4તેથી જે કંઈ બન્યું હતું તેનો પિતરે તેમને વિગતવાર હેવાલ આપ્યો.
5“હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને સંદર્શન થયું. ચાર છેડાથી લટકાવેલી મોટી ચાદર જેવું કંઈક મેં આકાશમાંથી ઊતરી આવતું જોયું. તે મારી નજીક આવી અટકી ગયું. 6મેં તેમાં ધારી ધારીને જોયું તો તેમાં ચાર પગવાળાં પ્રાણીઓ, વન્ય પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને પક્ષીઓ જોયાં. 7પછી મેં એક અવાજ સાંભળ્યો, ‘પિતર, ઊઠ, મારીને ખા!’ 8પણ મેં કહ્યું, ‘ના , કદી નહિ, પ્રભુ! મેં કોઈપણ જાતનો અશુદ્ધ કે દૂષિત ખોરાક ક્યારેય ચાખ્યો નથી.’ 9ફરીથી આકાશવાણી થઈ, ‘ઈશ્વરે જેને શુદ્ધ ગણ્યું છે તેને તું અશુદ્ધ ગણીશ નહિ.’ 10આવું ત્રણ વાર બન્યું, અને અંતે એ આખી વસ્તુ આકાશમાં પાછી ખેંચી લેવાઈ. 11એ જ ક્ષણે હું રહેતો હતો તે ઘરમાં કાઈસારિયાથી મોકલેલા ત્રણ માણસો આવી પહોંચ્યા. 12પવિત્ર આત્માએ મને તેમની સાથે કંઈપણ આનાકાની કર્યા વગર જવા કહ્યું. આ છ ભાઈઓ પણ મારી સાથે જોપ્પાથી કાઈસારિયા આવ્યા હતા. અમે બધા કર્નેલ્યસના ઘરમાં ગયા. 13પોતાના ઘરમાં દૂતે તેને દર્શન દઈને જે કહ્યું હતું તે તેણે જણાવ્યું: ‘કોઈને જોપ્પા મોકલીને જેનું પૂરું નામ સિમોન પિતર છે તેને બોલાવ. 14તે તમને જે સંદેશ કહેશે તેનાથી તું અને તારું આખું કુટુંબ ઉદ્ધાર પામશો.’ 15મેં બોલવાની શરૂઆત કરી ત્યારે, આરંભમાં પવિત્ર આત્મા જેમ આપણી પર ઊતરી આવ્યો હતો, તેમ તેમના પર ઊતરી આવ્યો. 16પછી પ્રભુએ જે કહ્યું હતું તે મને યાદ આવ્યું, ‘યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.’ 17આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે ઈશ્વરે આપણને જે ભેટ આપી તે તેમણે બિનયહૂદીઓને પણ આપી છે એ વાત સ્પષ્ટ છે. ત્યારે પ્રભુને એમ કરતાં અટકાવનાર હું કોણ?”
18એ સાંભળીને તેઓ ટીકા કરતા બંધ થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “તો તો ઈશ્વરે બિનયહૂદીઓને પણ પોતાનાં પાપથી પાછા ફરીને નવું જીવન પામવાની તક આપી છે.”
અંત્યોખમાં શિષ્યો ખ્રિસ્તી કહેવાયા
19સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે થયેલી સતાવણીને કારણે વિશ્વાસીઓ વિખેરાઈ ગયા હતા. એમાંના કેટલાક આ સંદેશ માત્ર યહૂદીઓને જ પ્રગટ કરતા કરતા છેક ફોનેસિયા, સાયપ્રસ અને અંત્યોખ સુધી ગયા. 20પરંતુ સાયપ્રસ અને કુરેનીમાંથી કેટલાક વિશ્વાસીઓ અંત્યોખ ગયા. તેમણે બિનયહૂદીઓ સમક્ષ પણ આ સંદેશો જાહેર કર્યો અને તેમને પ્રભુ ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો. 21પ્રભુનું પરાક્રમ તેમની સાથે હતું અને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો અને પ્રભુ તરફ ફર્યા.
22આ સમાચાર યરુશાલેમની મંડળીને મળતાં તેમણે બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો. 23લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો. 24બાર્નાબાસ પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો અને સારો માણસ હતો. ઘણા લોકોને પ્રભુ તરફ દોરી લાવવામાં આવ્યા.
25પછી બાર્નાબાસ શાઉલને શોધી લાવવા તાર્સસ ગયો. 26તે તેને મળ્યો, અને તેને અંત્યોખ લઈ આવ્યો. એક આખા વર્ષ સુધી તેઓ બન્‍ને મંડળીના લોકોને મળતા રહ્યા અને મોટા જનસમુદાયને શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
27એ સમય દરમિયાન યરુશાલેમથી કેટલાક સંદેશવાહકો અંત્યોખ આવ્યા. 28તેમનામાંથી આગાબાસે ઊભા થઈને પવિત્ર આત્માથી પ્રેરાઈને આગાહી કરી કે સમગ્ર પૃથ્વી પર મોટો દુકાળ પડશે. (સમ્રાટ કલોડીયસના સમયમાં એ દુકાળ પડયો.) 29શિષ્યોએ નિર્ણય કર્યો કે તેમનામાંના દરેકે શકાય તેટલી મદદ યહૂદિયામાં રહેતા ભાઈઓને મોકલવી. 30ત્યારે તેમણે તે પ્રમાણે કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની સાથે મંડળીના આગેવાનો પર રાહતફાળો મોકલી આપ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in