ઝખાર્યા 10
10
પ્રભુનું મુક્તિનું વચન
1જે યહોવા વીજળીઓના ઉત્પન્નકર્તા છે તે યહોવાની પાસે તમે, પાછલા વરસાદની મોસમમાં, વરસાદ માગો; તે માણસોને વરસાદનાં ઝાપટાં તથા દરેકને ખેતરમાં લીલોતરી આપશે. 2કેમ કે તરાફિમ [મૂર્તિઓએ] મિથ્યા વાત કહી છે, ને શકુન જોનારાઓએ જૂઠો વરતારો કર્યો છે. સંદર્શનિકો અસત્ય બોલે છે, તેઓ ખોટો દિલાસો દે છે; #માથ. ૯:૩૬; માર્ક ૬:૩૪. માટે લોકો ઘેટાંની જેમ આમતેમ ભટકે છે, તેઓ દુ:ખી થાય છે, કેમ કે કોઈ પાળક નથી.
3[પ્રભુ કહે છે,] “મારો ક્રોધ પાળકો ઉપર સળગ્યો છે, હું બકરાઓને શિક્ષા કરીશ; કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ યહૂદાના વંશરૂપી પોતાના ટોળાની ખબર લીધી છે, ને તે તેઓને યુદ્ધના પોતાના સુંદર ઘોડા જેવા કરશે. 4તેમાંથી ખૂણાનો પથ્થર, ખીલો, યુદ્ધધનુષ્ય અને દરેક અધિકારી, તમામ નીકળી આવશે. 5તેઓ યુદ્ધમાં [પોતાના શત્રુઓને] ગલીઓના કાદવમાં ખૂંદી નાખનાર યોદ્ધાઓ જેવા થશે. તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવા તેઓની સાથે છે; અને ઘોડેસવારો ગભરાઈ જશે.
6હું યહૂદાના માણસોને બળવાન કરીશ,
અને હું યૂસફના માણસોનો
ઉદ્ધાર કરીશ, ને
હું તેઓને [તેમના વતનમાં]
પાછા લાવીશ,
કેમ કે મને તેમના પર દયા આવે છે;
અને જાણે મેં તેમને અગાઉ કદી તજી
દીધા ન હોય, એવા તેઓ થશે,
કેમ કે હું તેઓનો ઈશ્વર યહોવા છું,
ને હું તેઓનું સાંભળીશ.
7એફ્રાઈમીઓ યોદ્ધા જેવા થશે, અને
દ્રાક્ષારસ [પીધો હોય] તેમ
તેઓનાં મન હરખાશે.
હા, તેઓનાં છોકરાં તે જોઈને હરખાશે;
તેમનાં અંત:કરણો
યહોવામાં આનંદ પામશે.
8હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ;
કેમ કે મેં તેઓનો ઉદ્ધાર કર્યો છે.
અને [પૂર્વે] જેમ તેઓની વૃદ્ધિ થઈ
હતી તેમ તેઓની વૃદ્ધિ થશે.
9અગર જો હું તેમને
અન્ય પ્રજાઓમાં વાવીશ,
તોપણ દૂરના દેશોમાં તેઓ
મારું સ્મરણ કરશે; અને
તેઓ પોતાનાં છોકરાં સહિત જીવશે,
અને પાછા આવશે.
10વળી હું તેમને મિસર દેશમાંથી
પાછા લાવીશ, અને
તેઓને આશૂરમાંથી ભેગા કરીશ.
હું તેઓને ગિલ્યાદ તથા લબાનોનની
ભૂમિમાં લાવીશ. અને
તેમને માટે [પૂરતી જગા]
મળશે નહિ.
11તે સંકટરૂપી સમુદ્ર ઓળંગશે, ને
સમુદ્રનાં મોજાંઓને મારશે, ને
નીલનાં સર્વ ઊંડાણો સુકાઈ જશે.
આશૂરનો ગર્વ ઉતારવામાં આવશે,
અને મિસરનો રાજદંડ જતો કરાશે.
12હું તેઓને યહોવામાં બળવાન કરીશ;
અને તેઓ તેના નામમાં હરશે ફરશે, ”
એમ યહોવા કહે છે.
Currently Selected:
ઝખાર્યા 10: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.