YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 6

6
પાપ સંબંધી મૃત અને ખ્રિસ્તમાં નવું જીવન
1ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? 2ના, એવું ન થાઓ. આપણે પાપના સંબંધમાં મર્યા, તો પછી એમાં કેમ જીવીએ? 3શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા? 4#ગલ. ૨:૧૨. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દટાયા કે, જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ.
5કારણ કે જો આપણે તેમના મરણની સમાનતામાં [તેમની] સાથે જોડાયા, તો તેમના પુનરુત્થાનની [સમાનતામાં] પણ આપણે [જોડાયેલા] થઈશું. 6વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહિ. 7કેમ કે જે મર્યો છે તે ન્યાયી ઠરીને પાપથી મુકત થયો છે. 8હવે જો આપણે ખ્રિસ્તની સાથે મર્યા, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. 9કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા પછી તે ફરી મરનાર નથી. હવે પછી મરણનો ફરીથી તેમના પર અધિકાર નથી. 10કેમ કે તે મર્યા, એટલે પાપના સંબંધમાં તે એક જ વાર મર્યા; પણ તે જીવે છે એટલે ઈશ્વરના સંબંધમાં તે જીવે છે. 11તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મરેલાં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરના સંબંધમાં જીવતા, ગણો.
12તમે પાપની દુર્વાસનાઓને આઘીન ન થાઓ, એ માટે તમે પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. 13વળી તમારા અવયવોને અન્યાયનાં હથિયાર થવા માટે પાપને ન સોંપો. પણ મૂએલાંમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયીપણાનાં હથિયાર થવા માટે [ઈશ્વરને સોંપો]. 14કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહિ; કેમ કે તમે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છો.
પાપની ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ
15તો શું? આપણે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ, તે માટે શું આપણે પાપ કરીએ? ના, એવું ન થાઓ. 16શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો; ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના? 17પણ ઈશ્વરને ધન્ય હો કે, તમે પાપના દાસ હતા, પણ જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે અંત:કરણથી સ્વીકાર્યો. 18એ પ્રમાણે પાપથી મુક્ત થઈને, તમે ન્યાયીપણાના દાસ થયા. 19તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.
20કેમ કે જ્યારે તમે પાપના દાસ હતા ત્યારે તમે ન્યાયપણાથી સ્વતંત્ર હતા. 21તો જે કામોથી તમે હમણાં શરમાઓ છો, તેથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે [કામો] નું પરિણામ મરણ છે. 22પણ હમણાં પાપથી મુક્ત થયેલા, અને ઈશ્વરના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો, અને પરિણામે તમને અનંતજીવન [મળે છે]. 23કેમ કે પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in