રોમનોને પત્ર 5
5
વિશ્વાસદ્વારા ઈશ્વર સાથે મિલાપ
1ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ. 2આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે [કૃપા] માં [ઈસુ] ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ. 3અને માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, 4અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે, 5અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.
6કેમ કે આપણે હજી નિર્બળ હતા, એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા. 7હવે ન્યાયી માણસને માટે ભાગ્યે જ કોઈ મરે; સારા માણસને માટે કોઈ એક કદાચ મરવાને પણ છાતી ચલાવે. 8પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. 9ત્યારે આપણને હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેમની મારફતે [ઈશ્વરના] કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે! 10કેમ કે જયારે આપણે શત્રુ હતા, ત્યારે જો ઈશ્વરની સાથે તેમના દીકરાના મરણદ્વારા આપણો તેમની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેમના જીવનને લીધે બચીશું તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે! 11એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.
આદમથી મરણ અને ખ્રિસ્તથી જીવન
12તે માટે જેમ #ઉત. ૩:૬. એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો. 13કેમ કે નિયમશાસ્ત્ર [પ્રગટ થયા] પહેલાં પણ પાપ જગતમાં હતું ખરું, તોપણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહિ. 14તોપણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું, [હા,] જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું, તેઓના ઉપર પણ રાજ કર્યું. [આદમ] તો તે આવનારની એંધાણીરૂપ હતો. 15પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી, કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષે કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે. 16એકના પાપનું પરિણામ જેવું થયું તેવું એ દાનનું નથી, કેમ કે એક [ના અપરાધ] થી ફેંસલો દંડરૂપ થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું. 17કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી, એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!
18માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાયી કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણ [નું દાન] મળ્યું. 19કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે. 20વળી, અપરાધ અધિક થાય, તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો! પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં કૃપા તેથી અધિક થઈ; 21જેથી જેમ પાપે મરણ [રૂપી રાજ્ય] માં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે.
Currently Selected:
રોમનોને પત્ર 5: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.