YouVersion Logo
Search Icon

પ્રકટીકરણ 16

16
ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં
1ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી, તેણે સાત દૂતને કહ્યું, “તમે જાઓ, અને ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.”
2ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. એટલે જે માણસો પર શ્વાપદની છાપ હતી, ને જેઓ તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓને #નિ. ૯:૧૦. ત્રાસદાયક તથા પીડાકારક ધારું થયું.
3પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું; એટલે સમુદ્ર શબના લોહી જેવો થઈ ગયો, અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું.
4પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું. એટલે #નિ. ૭:૧૭-૨૧; ગી.શા. ૭૮:૪૪. તેઓ લોહી થઈ ગયાં. 5ત્યારે પાણીના દૂતને મેં એમ બોલતાં સાંભળ્યો, “હે પવિત્ર, તમે જે છો ને હતા, તમે ન્યાયી છો, કેમ કે તમે એવો [અદલ] ન્યાય કર્યો છે. 6કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ [એ માટે] લાયક છે.” 7ત્યારે મેં વેદીને એમ કહેતાં સાંભળી, “હા, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે.”
8પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂર્ય પર રેડી દીધું. એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવા [ની શક્તિ] આપવામાં આવી. 9માણસો મોટી આંચથી દાઝયાં. અને તેથી જે ઈશ્વરને આ અનર્થો પર અધિકાર છે, તેમના નામની તેઓએ નિંદા કરી. પણ તેઓએ પસ્તાવો કર્યો નહિ, નએ ઈશ્વરને મહિમા આપ્યો નહિ.
10પછી પાંચમાએ પોતાનું પ્યાલું શ્વાપદના રાજયાસન પર રેડી દીધું. એટલે તેના રાજયમાં #નિ. ૧૦:૨૧. અંધકાર વ્યાપી ગયો. અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી, 11અને પોતાની વેદનાને લીધે તથા પોતાનાં ઘારાંને લીધે તેઓએ આકાશનાં ઈશ્વરની નિંદા કરી, પણ તેઓએ પોતાનાં કામોનો પશ્ચાત્તાપ કર્યો નહિ.
12પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર, એટલે ફ્રાત પર રેડી દીધું. એટલે પૂર્વથી જે રાજાઓ આવનાર‌ છે તેઓને માટે રસ્તો તૈયાર થાય, માટે #યશા. ૧૧:૧૫. તેનું પાણી સૂકાઈ ગયું. 13ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા શ્વાપદના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકોના મોંમાંથી દેડકાંના જેવા ત્રણ અશુદ્ધ આત્મા [નીકળતા] મેં જોયા. 14કેમ કે તેઓ ચમત્કારો કરનારા દુષ્ટ આત્માઓ છે, જેઓ સર્વ શક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. 15(જુઓ, #માથ. ૨૪:૪૩-૪૪; લૂ. ૧૨:૩૯-૪૦; પ્રક. ૩:૩. ચોરની જેમ હું આવું છું. જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્‍ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે, અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે!)
16અને હિબ્રુ ભાષામાં જેને #૨ રા. ૨૩:૨૯; ઝખ. ૧૨:૧૧. ‘હાર-માગિદોન’ કહે છે તે સ્થળે તેઓએ તેઓને એકત્ર કર્યા.
17પછી સાતમાએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું. એટલે ‘સમાપ્ત થયું’ એમ બોલતી મોટી વાણી મંદિરના રાજયાસનમાંથી થઈ. 18અને #પ્રક. ૮:૫; ૧૧:૧૩,૧૯. વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયાં. વળી મોટો ધરતીકંપ થયો, તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્‍ન થયા ત્યારથી એના જેવો કદી થયો નહોતો. 19મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાજ્યોનાં નગરો પડયાં. અને ઈશ્વરને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે, તે #યશા. ૫૧:૧૭. પોતાના સખત કોપના દ્રાક્ષારસનું પ્યાલું તેને આપે. 20#પ્રક. ૬:૧૪. દરેક બેટ નાઠો, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ. 21અને આકાશમાંથી માણસો પર #નિ. ૯:૨૩; પ્રક. ૧૧:૧૯. આશરે એક એક મણના મોટા કરા પડયા, અને કરાના અનર્થને લીધે માણસોએ ઈશ્વરની નિંદા કરી, કેમ કે તેમનો આ અનર્થ અતિશય ભારે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in