ગીતશાસ્ત્ર 38
38
બીમારની પ્રાર્થના
સંભારણાને અર્થે દાઉદનું ગીત.
1હે યહોવા, તમારા કોપમાં મને
ઠપકો ન આપો;
અને તમારા રોષમાં
મને શિક્ષા ન કરો.
2કેમ કે તમારાં બાણ મને વાગ્યાં છે,
તમારો હાથ મને જોરથી દાબે છે.
3તમારા રોષને લીધે
મારા શરીરમાં આરોગ્ય નથી;
મારાં પાપને લીધે
મારાં હાડકાંમાં શાંતિ નથી;
4કેમ કે મારા અન્યાય
મારા માથા પર ચઢી ગયા છે;
ભારે બોજાની માફક
તે મને અસહ્ય થઈ પડ્યા છે.
5મારી મૂર્ખાઈને લીધે મારા જખમ સડીને
ગંધાઈ ઊઠયા છે.
6હું લથડી ગયો છું,
હું ઘણો વાંકો વળી ગયો છું;
હું આખો દિવસ શોક કર્યા કરું છું.
7કેમ કે મારી કમરમાં પુષ્કળ
બળતરા થાય છે;
અને મારામાં આરોગ્ય નથી.
8હું બેહોશ થયો છું તથા
ઘણો કચડાઈ ગયો છું;
મારા હ્રદયના ગભરાટને લીધે
મેં બૂમાબૂમ કરી મૂકી છે.
9હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા
તમે જાણો છો;
અને મારો વિલાપ
તમને અજાણ્યો નથી;
10મારું હૈયું ધડકે છે,
મારું બળ ઘટી ગયું છે;
અને મારી આંખોનું તેજ પણ
જતું રહ્યું છે.
11મારા સ્નેહીઓ તથા મારા મિત્રો મારા
દરદને લીધે દૂર થઈ ગયા છે;
અને મારાં સગાં દૂર રહે છે.
12જેઓ મારો જીવ લેવા તાકે છે
તેઓ ફાંદા માંડે છે;
અને જેઓ મને ઉપદ્રવ કરવા મથે છે
તેઓ હાનિકારક વાતો બોલે છે,
અને આખો દિવસ કપટ ભરેલા
ઇરાદા કરે છે.
13પણ હું તો બહેરા માણસની જેમ
તે સાંભળતો નથી;
અને મૂંગો માણસ પોતાનું મુખ
ઉઘાડતો નથી, તેના જેવો હું છું.
14હા, જે માણસ સાંભળતો નથી
અને જેના મુખમાં દલીલો નથી
તેના જેવો હું છું.
15કેમ કે, હે યહોવા,
હું તમારા પર આશા રાખું છું;
હે પ્રભુ, મારા ઈશ્વર,
તમે ઉત્તર આપશો.
16કેમ કે મેં કહ્યું,
“રખેને તેઓ મારા પર હરખાય”;
મારો પગ લપસે છે ત્યારે
તેઓ મારી સામે વડાઈ કરે છે.
17હું લથડી પડવા તૈયાર છું,
મારું દુ:ખ મારી નજર આગળથી
કદી દૂર થતું નથી.
18હું મારા અન્યાય કબૂલ કરું છું;
હું મારા પાપને લીધે શોક કરું છું.
19પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ
થયા છે તેઓ પરાક્રમી છે;
જેઓ અન્યાયથી મારો દ્વેષ કરે છે
તેઓ વધી ગયા છે.
20વળી જેઓ ભલાને બદલે
ભૂંડું પાછું વાળે છે
તેઓ મારા શત્રુઓ છે,
કારણ કે જે સારું છે તેને હું અનુસરું છું.
21હે યહોવા, મને ન તજી દો;
હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ.
22હે પ્રભુ, મારા તારણ,
મને સહાય કરવાને ઉતાવળ કરો.
Currently Selected:
ગીતશાસ્ત્ર 38: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.