ગીતશાસ્ત્ર 37
37
ભલા-ભૂંડાના આખરી અંજામ
દાઉદનું [ગીત].
1ભૂંડું કરનારાઓને લીધે
તું ખીજવાઈશ નહિ,
અને અન્યાય કરનારાઓની
ઈર્ષા કરીશ નહિ.
2કેમ કે તેઓ તો જલદી ઘાસની
જેમ કપાઈ જશે,
અને લીલી વનસ્પતિની માફક
ચીમળાઈ જશે.
3યહોવા પર ભરોસો રાખ,
અને ભલું કર;
દેશમાં રહે, અને વિશ્વાસુપણાની
પાછળ લાગ,
4જેથી તું યહોવામાં આનંદ કરીશ;
અને તે તારા હ્રદયની ઇચ્છાઓ
પૂરી પાડશે.
5તારા માર્ગો યહોવાને સોંપ;
તેમના પર ભરોસો રાખ,
અને તે તને ફળીભૂત કરશે.
6તે તારા ન્યાયીપણાને
અજવાળાની જેમ,
અને તારા ન્યાયને
બપોરની જેમ તેજસ્વી કરશે.
7યહોવાની આગળ શાંત થા,
અને તેમની રાહ જો;
જે પોતાના માર્ગે આબાદ થાય છે,
અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે,
તેને લીધે તું ખીજવાઈશ નહિ.
8રોષને છોડ ને કોપનો ત્યાગ કર;
તું ખીજવાઈશ નહિ,
તેથી દુષ્કર્મ જ [નીપજે છે].
9કેમ કે દુષ્કર્મીઓનો સંહાર થશે;
પણ યહોવા પર ભરોસો રાખનારાઓ
દેશનું વતન પામશે.
10કેમ કે થોડા વખતમાં
દુષ્ટો હતા ન હતા થશે;
તું તેના મકાનને ખંતથી શોધશે,
પણ તેનું નામ નિશાન જડશે નહિ.
11 #
માથ. ૫:૫. નમ્ર લોકો દેશનું વતન પામશે;
અને પુષ્કળ શાંતિમાં
તેઓ આનંદ કરશે.
12દુષ્ટો ન્યાયીની વિરુદ્ધ કુયુક્તિ રચે છે,
અને તેની સામે
પોતાના દાંત પીસે છે.
13પ્રભુ જુએ છે કે
તેનો કાળ પાસે આવ્યો છે,
તેથી તે તેની હાંસી કરશે.
14નગ્ન તથા દરિદ્રીને પાડી નાખવાને તથા
યથાર્થીને મારી નાખવાને માટે,
દુષ્ટોએ તરવાર તાણી છે,
અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.
15તેઓની તરવાર તેમના પોતાના
હ્રદયને વાગશે,
અને તેમનાં ધનુષ્ય
ભાંગી નાખવામાં આવશે.
16ન્યાયીની પાસે જે કંઈ થોડું છે,
તે ઘણા દુષ્ટોની પુષ્કળ દોલત કરતાં શ્રેષ્ઠ છે.
17કેમ કે દુષ્ટોના ભુજ
ભાંગી નાખવામાં આવશે;
પણ યહોવા ન્યાયીઓને નિભાવશે.
18યહોવા યથાર્થીઓ [ની જિંદગી] ના સર્વ
પ્રસંગો જાણે છે;
અને તેઓનો વારસો સર્વકાળ ટકશે.
19તેઓને દુર્દશામાં પણ
કંઈ શરમાવાનું નથી;
દુકાળને સમયે તેઓ તૃપ્ત રહેશે.
20પણ દુષ્ટો નાશ પામશે,
અને યહોવાના શત્રુઓ બળતણનો
ધુમાડો થઈ જાય છે તેમ ક્ષય પામશે.
21દુષ્ટ ઉછીનું લે છે,
અને પાછું આપતો નથી;
પણ ન્યાયી કરુણાથી વર્તે છે
અને [દાન] આપે છે.
22જેને [ઈશ્વર] આશીર્વાદ આપે છે
તે દેશનો વારસો પામશે.
અને જેને તે શાપ આપે છે
તેનો ઉચ્છેદ થશે.
23જ્યારે માણસનો માર્ગ
યહોવાને પસંદ પડે છે,
ત્યારે તે તેનાં પગલાં સ્થિર કરે છે.
24જો કે તે પડી જાય, તોપણ તે છેક
જમીનદોસ્ત થશે નહિ;
કેમ કે યહોવા તેનો હાથ પકડીને
નિભાવશે.
25હું જુવાન હતો,
અને હવે ઘરડો થયો છું;
પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને
ભીખ માગતાં મેં જોયાં નથી.
26આખો દિવસ તે કરુણાથી વર્તે છે,
અને ઉછીનું આપે છે.
તેનાં સંતાન આશીર્વાદ પામેલાં હોય છે
27ભૂંડાથી દૂર થા, અને ભલું કર;
અને [દેશમાં] સદાકાળ રહે.
28કેમ કે યહોવા ન્યાયને ચાહે છે,
તે પોતાના ભક્તોને તજી દતા નથી.
તે તેઓનું સદા રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનાં સંતાનનો ઉચ્છેદ થશે.
29ન્યાયીઓ દેશનો વારસો પામશે,
અને તેમાં તેઓ સદાકાળ રહેશે.
30ન્યાયી પોતાને મુખે ડહાપણની
વાત કરે છે,
અને તેની જીભે તે ન્યાય બોલે છે.
31તેના હ્રદયમાં
પોતાના ઈશ્વરનો નિયમ છે.
તેનાં પગલાં લપસી જશે નહિ.
32દુષ્ટ ન્યાયીને તાકી રહે છે,
અને તેને મારી નાખવાને
લાગ શોધે છે.
33યહોવા તેને તેના હાથમાં
પડવા દેશે નહિ,
તેનો ન્યાય થશે ત્યારે
તે તેને દોષિત ઠરાવશે નહિ,
34યહોવાની રાહ જો, તેમને માર્ગે ચાલ,
અને દેશનો વારસો પામવાને
તે તને મોટો કરશે;
દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.
35અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની
જેમ મોટા સામર્થ્યમાં
મેં દુષ્ટને ફેલાતો જોયો.
36ફરીથી હું ત્યાં થઈને ગયો,
પણ તે ત્યાં નહોતો;
મેં તેને શોધ્યો,
પરંતુ તેનો પત્તો લાગ્યો નહિ.
37નિર્દોષ માણસનો વિચાર કર,
અને યથાર્થીને જો;
કેમ કે શાંતિપ્રિય માણસને
બદલો મળશે.
38પણ અપરાધીઓ સમૂળગા નાશ પામશે;
પરિણામે દુષ્ટોનો ઉચ્છેદ થશે.
39પણ યહોવા ન્યાયીઓનું તારણ કરે છે;
સંકટને સમયે તે તેઓનો કિલ્લો છે.
40યહોવા તેમને મદદ કરે છે,
અને તેમને છોડાવે છે;
તે તેઓને દુષ્ટોથી છોડાવે છે,
અને તેમને તારે છે,
કારણ કે તેઓએ તેમનો
આશરો લીધો છે.
Currently Selected:
ગીતશાસ્ત્ર 37: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.