YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 116

116
મૃત્યુમાંથી બચાવ માટે આભારસ્તુતિ
1યહોવાએ
મારા કાલાવાલા
સાંભળ્‍યાં છે.
તેથી હું તેમના પર પ્રેમ રાખું છું.
2તેમણે મારી તરફ
પોતાનો કાન ધર્યો છે,
માટે જિંદગી પર્યંત
હું તેમની પ્રાર્થના કરીશ.
3મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો,
જાણે હું શેઓલમાં પેઠો હોઉં એમ
લાગતું હતું;
મને સંકટ તથા શોક આવી
મળ્યાં હતાં.
4ત્યારે મેં યહોવાના નામને વિનંતી કરી,
“હે યહોવા, દયા કરીને
મારા આત્માને બચાવો.”
5યહોવા કૃપાળુ તથા ન્યાયી છે;
આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
6યહોવા ભોળાનું રક્ષણ કરે છે.
હું છેક લાચાર બની ગયો હતો,
અને તેમણે મને બચાવ્યો.
7હે મારા આત્મા,
તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ;
કેમ કે યહોવા તારી સાથે
ઉદારતાથી વર્ત્યા છે.
8તમે મારા પ્રાણને મરણથી,
મારી આંખોને આંસુથી,
અને મારા પગોને
લથડવાથી બચાવ્યાં.
9હું જીવલોકમાં
યહોવાની સમક્ષ ચાલીશ.
10 # ૨ કોરીં. ૪:૧૩. મને વિશ્વાસ છે માટે હું આમ બોલું છું.
હું ઘણો દુ:ખી થઈ ગયો હતો;
11મારાં ગભરાટમાં મેં કહી દીધું,
“સર્વ માણસો જૂઠાં છે.”
12હું યહોવાના મારા પર થયેલા સર્વ
ઉપકારોનો તેમને શો બદલો આપું?
13હું તારણનો પ્યાલો લઈને
યહોવાના નામને વિનંતી કરીશ.
14યહોવાની આગળ
મેં જે માનતા લીધી છે
તે હું તેમના સર્વ લોકોની
સમક્ષ પૂરી કરીશ.
15યહોવાની દષ્ટિમાં
તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
16હે યહોવા, ખરેખર, હું તમારો દાસ છું;
તમારો જ દાસ,
તમારી દાસીનો દીકરો છું;
તમે મારાં બંધન છોડ્યાં છે.
17હું તમારી આગળ સ્તુત્યર્પણો ચઢાવીશ,
હું યહોવાના નામને વિનંતી કરીશ.
18યહોવાની આગળ મેં જે માનતાઓ
[લીધી છે તે]
હું તેમના સર્વ લોકોની
સમક્ષ પાળીશ.
19હે યરુશાલેમ, તારામાં,
યહોવાના મંદિરનાં આંગણામાં
[હું માનતાઓ ચઢાવીશ].
યહોવાની સ્તુતિ કરો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in