YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 102

102
સંકટમાં યુવાનની પ્રાર્થના
દુ:ખીની પ્રાર્થના; આકુળવ્યાકુળ થઈને તે યહોવાની સમક્ષ શોકનો સાદ કાઢે છે.
1હે યહોવા, મારી
પ્રાર્થના સાંભળો,
અને મારા પોકારને
તમારી પાસે આવવા દો.
2મારા સંકટને દિવસે
તમારું મુખ મારાથી ન ફેરવો;
મારા તરફ કાન ધરો;
હું વિનંતી કરું તે દિવસે
તમે મને વહેલો ઉત્તર આપો.
3કેમ કે મારા દિવસો તો
ધુમાડાની જેમ વીતી જાય છે,
અને મારાં હાંડકાં ખોયણાની
જેમ બળે છે.
4મારું હ્રદય તો ઘાસના જેવું કપાએલું
તથા ચીમળાયેલું છે,
એટલે સુધી કે હું રોટલી ખાવાનું
ભૂલી જાઉં છું.
5મારા નિસાસાના કારણથી
મારાં હાડકાંને
મારી ચામડી વળગી ગઈ છે.
6હું રાનના બગલા જેવો છું,
અરણ્યના ઘુવડ જેવો
હું થઈ ગયો છું.
7હું જાગૃત રહું છું,
હું અગાસી પર એકલી પડેલી ચકલી
જેવો થઈ ગયો છું.
8આખો દિવસ મારા શત્રુ
મને મહેણાં મારે છે;
તેઓ તપીને મારું નામ દઈને
[બીજાને] શાપ આપે છે.
9મેં રોટલીને બદલે રાખ ખાધી,
મારાં આંસુઓ મારા પીવાના
[પ્યાલા] માં પડ્યાં છે.
10તે તમારા રોષ તથા કોપને કારણે છે;
કેમ કે તમે મને ઊંચો કર્યા પછી પાછો
નીચે ફેંકી દીધો છે.
11મારા દિવસો નમતી છાયાના જેવા છે;
અને ઘાસની જેમ
હું ચીમળાઈ ગયો છું.
12પણ, હે યહોવા,
તમે સર્વકાળ ટકનાર છો;
તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.
13તમે સિયોન પર દયા કરશો;
તેના પર દયા કરવાનો વખત, એટલે
ઠરાવેલો સમય, આવ્યો છે.
14તમારા સેવકોને
તેના પથ્થરો વહાલા છે,
અને તેની ધૂળ પર
તેઓને દયા આવે છે.
15વિદેશીઓ યહોવાના નામથી,
તથા પૃથ્વીના સર્વ રાજાઓ
તમારા ગૌરવથી બીશે;
16કેમ કે યહોવાએ સિયોનને બાંધ્યું છે,
અને પોતાના ગૌરવથી
તે પ્રગટ થયા છે;
17તેમણે લાચારની પ્રાર્થના પર
લક્ષ લગાડ્યું છે,
અને તેઓની પ્રાર્થનાની
અવગણના કરી નથી.
18આ વાત તો આવનાર પેઢીને માટે
લખવામાં આવશે;
જે લોકો ઉત્પન્‍ન થનાર છે
તેઓ યાહની સ્તુતિ કરશે.
19કેમ કે તેમણે પોતાના ઉચ્ચ
પવિત્રસ્થાનમાંથી જોયું છે;
આકાશમાંથી યહોવાએ
પૃથ્વીને નિહાળી;
20જેથી તે બંદીવાનના નિસાસા સાંભળે,
તથા મરણના સપાટામાં
સપડાયેલાને છોડાવે; કે
21સિયોનમાં યહોવાનું નામ,
તથા યરુશાલેમમાં
તેમની સ્તુતિ પ્રસિદ્ધ કરવામાં આવે.
22તે વખતે યહોવાની સેવા કરવા માટે
લોકો તેમ જ રાજ્યો
પણ એકઠાં થશે.
23તેમણે માર્ગમાં મારી શક્તિ ઘટાડી;
અને મારા દિવસો ટૂંકા કર્યા.
24મેં કહ્યું, “હે મારા ઈશ્વર,
મારા દિવસો પૂરા થયા પહેલાં
મને ન લઈ જાઓ;
તમારાં વર્ષો તો અનાદ્યનંત છે!”
25 # હિબ. ૧:૧૦-૧૨. પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો છે;
અને આકાશો તમારા હાથનું કામ છે.
26તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો;
વસ્‍ત્રની જેમ
તેઓ સર્વ જીર્ણ થઈ જશે,
લૂંગડાંની જેમ તમે તેઓને બદલશો;
અને તેઓ બદલાઈ જશે;
27પણ તમે તો એવા ને એવા જ રહો છો.
અને તમારાં વર્ષોનો
અંત આવશે નહિ.
28તમારા સેવકોના પરિવાર ટકી રહેશે.
તેઓનાં સંતાન તમારી સમક્ષ સ્થાપન
કરવામાં આવશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ગીતશાસ્‍ત્ર 102