YouVersion Logo
Search Icon

નીતિવચનો 6

6
વધુ ચેતવણીઓ
1મારા દીકરા, જો તું તારા પડોશીનો
જામીન થયો હોય,
જો તેં પારકાને માટે
કોલ આપ્યો હોય,
2તો તું તારા મુખનાં વચનોથી
ફસાયો છે,
તું તારા મુખના શબ્દોથી સપડાયો છે;
3તો, મારા દીકરા, તારા પડોશીના
હાથમાં તું આવી ગયો છે,
માટે તેનાથી છૂટી જવાને
હમણાં જ આ કર:
જા, તારા પડોશીની આગળ નમી જઈને
કાલાવાલા કર.
4તારી આંખને નિદ્રા
અને તારાં પોપચાંને ઊંઘ લેવા ન દે.
5જેમ [શિકારીને] કબજેથી હરણી, અને
પારધીના હાથમાંથી પક્ષી [છૂટી જાય] ,
તેમ તું પોતાને છૂટો કર.
6હે આળસુ, તું કીડી પાસે જા;
તેના માર્ગોનો વિચાર કરીને
બુદ્ધિમાન થા :
7તેને તો કોઈ નાયક,
મુકાદમ કે હાકેમ નથી,
8તેમ છતાં તે ઉનાળામાં પોતાના
અન્‍નનો સંગ્રહ કરે છે,
અને કાપણીની મોસમમાં
પોતાનો ખોરાક ભરી રાખે છે.
9હે આળસુ, તું ક્યાં સુધી સૂઈ રહેશે?
ક્યારે તું નિદ્રામાંથી ઊઠશે?
10[તું કહે છે, “હજી] #નીતિ. ૨૪:૩૩-૩૪. થોડીક નિદ્રા,
થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક
આરામ [લેવા દો] ;”
11એમ કરવાથી તારી દરિદ્રતા
લૂંટારાની જેમ,
અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ
માણસની જેમ આવી પડશે.
12લુચ્ચો તથા દુષ્ટ માણસ,
આડે મોઢે બોલે છે;
13તે પોતાની આંખે મીંચકારા મારે છે,
તે પોતાના પગોથી ઇશારા કરે છે,
તે પોતાની આંગળીઓથી
સંકેત કરે છે;
14તેના હ્રદયમાં આડાઈ છે,
તે સતત તરકટ રચ્યા કરે છે;
તે કુસંપનાં બીજ રોપે છે.
15માટે એકાએક તેના પર વિપત્તિ
આવી પડશે;
અચાનક તેનો નાશ થશે,
અને તેનો કંઈ ઉપાય ચાલશે નહિ.
16છ વાનાં યહોવા ધિક્કારે છે;
હા, સાત વાનાં પ્રભુને કંટાળો
ઉપજાવે છે:
17એટલે ગર્વિષ્ઠ આંખો,
જૂઠાબોલી જીભ,
નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ;
18દુષ્ટ તરંગો‍‍ રચનાર હ્રદય,
નુકસાન કરવાને
દોડી જનાર જલદ પગ;
19અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી,
અને ભાઈઓમાં કુસંપનું
બીજ વાવનાર.
વ્યભિચાર સામે વધુ ચેતવણી
20મારા દીકરા, તારા પિતાની
આજ્ઞા પાળ,
અને તારી માની શિખામણનો
ત્યાગ ન કર;
21તેમને સદા તારા અંત:કરણમાં
સંઘરી રાખ,
તેમને તારે ગળે બાંધ.
22તું ચાલતો હશે, ત્યારે તે તને દોરશે;
તું સૂતો હશે, ત્યારે તે તારી
ચોકી કરશે;
તું જાગતો હશે, ત્યારે તે તારી સાથે
વાતચીત કરશે.
23કેમ કે આજ્ઞા દીપક છે,
અને શિક્ષણ તથા તેની સાથે નસીહત
એ જીવનનો માર્ગ છે;
24તે તને ભૂંડી સ્‍ત્રીથી,
તથા પરનારીની જીભની ખુશામતથી
બચાવવા માટે છે.
25તારું અંત:કરણ તેની ખૂબસૂરતી પર
મોહિત ન થાય;
અને તેની આંખોનાં પોપચાંથી
તું ફિદા ન થઈ જા.
26કેમ કે વેશ્યા સ્‍ત્રીને લીધે પુરુષની
ખાનાખરાબી થાય છે.
અને વ્યભિચારિણી મૂલ્યવાન જીવનો
શિકાર શોધે છે.
27કોઈ માણસ પોતાના ખોળામાં
અગ્નિ લે,
તો શું તેનાં લૂંગડાં બળ્યા વગર રહે?
28જો કોઈ માણસ અંગારા પર ચાલે,
તો શું તેના પગ દાઝ્યા વગર રહે?
29જે કોઈ પોતાના પડોશીની પત્ની પાસે
જાય છે તેને એમ જ [થાય છે] ;
જે કોઈ તેને અડકે છે તે શિક્ષા પામ્યા
વગર નહિ રહે
30જો કોઈ માણસ ભૂખ્યો હોવાથી
પોતાના જીવને તૃપ્ત કરવા માટે
ચોરી કરે,
તો લોકો એવાને ધિક્કારતા નથી;
31પણ જો તે પકડાય, તો તેને સાતગણું
પાછું ભરી આપવું પડશે;
તેને પોતાના ઘરની બધી સંપત્તિ
આપી દેવી પડશે.
32સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરનાર
અક્કલહીન છે;
તે પોતાના આત્માનો નાશ કરનારું
કૃત્ય છે.
33તેને ઘા તથા અપમાન મળશે;
અને તેનું લાંછન ભૂંસાઈ જશે નહિ.
34કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે;
વૈરને દિવસે તે કંઈ કાચું રાખશે નહિ.
35ગમે તેટલી ગુનેગારીની
તે દરકાર કરશે નહિ;
તું ઘણી ભેટો આપશે,
તોપણ તે સંતોષ પામશે નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for નીતિવચનો 6