માર્ક 14
14
ઈસુની વિરુદ્ધ કાવતરું
(માથ. ૨૬:૧-૫; લૂ. ૨૨:૧-૨; યોહ. ૧૧:૪૫-૫૩)
1હવે બે દિવસ પછી #નિ. ૧૨:૧-૨૭. પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું. અને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખવો, એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા. 2કેમ કે તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોનું હુલ્લડ થાય.”
બેથાનિયામાં ઈસુને અત્તર ચોળ્યું
(માથ. ૨૬:૬-૧૩; યોહ. ૧૨:૧-૮)
3અને #લૂ. ૭:૩૭-૩૮. જ્યારે તે બેથાનિયામાં સિમોન કોઢિયાના ઘરમાં હતા, અને ખાવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી જટાંમાસીના અતિ મૂલ્યવાન અત્તરની ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી, અને એ ડબ્બી ભાંગીને તેણે તેમના માથા પર તે રેડ્યું. 4પણ કેટલાક પોતાના મનમાં નારાજ થઈને કહેવા લાગ્યા, “અત્તરનો આવી રીતે બગાડ શા માટે કર્યો? 5કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કીમતે વેચી શકાત, ને દરિદ્રીઓને અપાત.” અને તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી. 6પણ ઈસુએ તેઓને કહ્યું, “એને રહેવા દો; એને કેમ સતાવો છો? એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. 7કેમ કે #પુન. ૧૫:૧૧. દરિદ્રીઓ સદા તમારી સાથે છે, ને તમે ચાહો ત્યારે તમે તેઓનું ભલું કરી શકો છો. પણ હું સદા તમારી સાથે નથી. 8જે તેનાથી બની શક્યું, તે તેણે કર્યું છે. દફનને માટે અગાઉથી તેણે મારા શરીરને અત્તર ચોળ્યું છે. 9વળી હું તમને ખરેખર કહું છું કે, આખા જગતમાં જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે, તે એની યાદગીરીમાં કહેવામાં આવશે.”
ઈસુને પકડાવી દેવા યહૂદાની સંમતિ
(માથ. ૨૬:૧૪-૧૬; લૂ. ૨૨:૩-૬)
10અને બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ માટે કે તે તેઓના હાથમાં તેમને સોંપે. 11તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી તે તેમને પરસ્વાધીન કરવાનો લાગ શોધતો હતો.
ઈસુ પોતાના શિષ્યો સાથે પાસ્ખાનું ભોજન લે છે
(માથ. ૨૬:૧૭-૨૫; લૂ. ૨૨:૭-૧૪,૨૧-૨૩; યોહ. ૧૩:૨૧-૩૦)
12બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે લોકો પાસ્ખાયજ્ઞ કરતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને પૂછે છે, “તમે પાસ્ખા ખાવ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?” 13તે પોતાના શિષ્યોમાંના બે ને મોકલે છે, ને તેઓને કહે છે, “શહેરમાં જાઓ, ને પાણીની ગાગર લઈ જતો એક માણસ તમને મળશે; તેની પાછળ પાછળ જાઓ. 14અને જ્યાં તે પેસે, ત્યાંના ઘરધણીને કહો, ઉપદેશક કહે છે કે, મારે ઊતરવાની ઓરડી ક્યાં છે કે, જ્યાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં? 15અને તે તમને એક મોટી મેડી શણગારેલી ને તૈયાર કરેલી બતાવશે; ત્યાં આપણે માટે તૈયારી કરેલી બતાવશે; ત્યાં આપણે માટે તૈયારી કરો.” 16તે શિષ્યો નીકળીને શહેરમાં આવ્યા, ને જેવું તેમણે તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું. અને તેઓએ ત્યાં પાસ્ખા તૈયાર કર્યું.
17સાંજ પડી ત્યારે બારની સાથે તે આવે છે. 18તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, તમારામાંનો એક, #ગી.શા. ૪૧:૯. જે મારી સાથે ખાય છે, તે મને પરસ્વાધીન કરશે.” 19તેઓ શોકાતુર થવા લાગ્યા; અને એક પછી એક તેમને પૂછવા લાગ્યા, “શું તે હું છું?” 20તેમણે તેઓને કહ્યું, “બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં બોળે છે તે જ તે છે. 21માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તે માણસને હાયહાય! તે માણસ જો જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું થાત.”
પ્રભુભોજનની સ્થાપના
(માથ. ૨૬:૨૬-૩૦; લૂ. ૨૨:૧૪-૨૦; ૧ કોરીં. ૧૧:૨૩-૨૫)
22તેઓ ખાતા હતા ત્યારે તેમણે રોટલી લઈને ને આશીર્વાદ માગીને તે ભાંગી, ને તેઓને આપીને કહ્યું, “લો; આ મારું શરીર છે.” 23પછી પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાંએ તેમાંથી પીધું. 24તેમણે તેઓને કહ્યું, #યર્મિ. ૩૧:૩૧-૩૪. “કરારનું આ મારું #નિ. ૨૪:૮. રક્ત છે કે, જે ઘણાને લીધે વહેવડાવવામાં આવ્યું છે. 25હું તમને ખચીત કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષાનો રસ પીનાર નથી.”
26ત્યાર પછી ગીત ગાઈને તેઓ જૈતુનના પહાડ પર ગયા.
પિતરના નકારની ઈસુએ કરેલી આગાહી
(માથ. ૨૬:૩૧-૩૫; લૂ. ૨૨:૩૧-૩૪; યોહ. ૧૩:૩૬-૩૮)
27ઈસુ તેઓને કહે છે, “તમે સહુ ઠોકર ખાશો, કેમ કે એવું લખેલું છે કે, #ઝખ. ૧૩:૭. ‘હું પાળકને મારીશ ને ઘેટાં વિખેરાઈ જશે.’ 28પરંતુ મારા પાછા ઊઠ્યા પછી #માથ. ૨૮:૧૬; માર્ક ૧૬:૭. હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.” 29પણ પિતરે તેમને કહ્યું, “અગર જો બધા ઠોકર ખાય, તોપણ હું નહિ.” 30ઈસુ તેને કહે છે, “હું તને ખચીત કહું છું કે, આજ રાત્રે જ, મરઘો બે વાર બોલ્યા અગાઉ, તું ત્રણ વાર મારો નકાર કરીશ.” 31પણ તેણે બહુ જુસ્સાથી કહ્યું, “મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાએ પણ એમ જ કહ્યું.
ગેથસેમાનેમાં ઈસુ પ્રાર્થના કરે છે
(માથ. ૨૬:૩૬-૪૬; લૂ. ૨૨:૩૯-૪૬)
32તેઓ ગેથસેમાને નામે એક જગાએ આવે છે. તે પોતાના શિષ્યોને કહે છે, “હું [ત્યાં જઈને] પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.” 33તે પોતાની સાથે પિતર, યાકૂબ અને યોહાનને લઈ જાય છે, અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા. 34પછી તે તેઓને કહે છે, “મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે! અહીં રહીને જાગતા રહો. ” 35થોડે આગળ જઈને તેમણે જમીન પર પડીને પ્રાર્થના કરી કે, જો બની શકે તો આ ઘડી મારાથી દૂર થાઓ.” 36તેમણે કહ્યું, “આબ્બા, પિતા, તમારાથી બધું થઈ શકે છે! આ પ્યાલો મારાથી દૂર કરજો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 37પછી તે પાછા આવે છે, ને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, “સિમોન, શું તું ઊંઘે છે? શું તું એક ઘડી પણ જાગતો રહી શકતો નથી? 38જાગતા રહો અને પ્રાર્થના કરો કે, તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે ખરો, પણ દેહ અબળ છે.” 39ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી. 40અને પાછા આવીને તેમણે તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો [ઊંઘથી] ઘેરાયેલી હતી. તેમને શો જવાબ આપવો, એ તેઓ જાણતા ન હતા. 41તે ત્રીજી વાર આવીને તેઓને કહે છે, “હવે ઊંઘ્યા કરો તથા આરામ લો! બસ છે, તે ઘડી આવી પહોંચી છે! જુઓ, માણસનો દીકરો પાપીઓના હાથમાં સ્વાધીન કરાય છે. 42ઊઠો, આપણે જઈએ. જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે પાસે આવ્યો છે.”
ઈસુની ધરપકડ
(માથ. ૨૬:૪૭-૫૬; લૂ. ૨૨:૪૭-૫૩; યોહ. ૧૮:૩-૧૨)
43તે બોલતા હતા તે જ પળે બારમાંનો એક એટલે યહૂદા, ને તેની સાથે મુખ્ય યાજકોની તથા શાસ્ત્રીઓની તથા વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો અને સોટા લઈને પાસે આવે છે. 44હવે તેમને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી, “જેને હું ચૂમીશ તે જ તે છે; તેને પકડીને ચોકસાઈથી લઈ જજો.” 45તે આવ્યો કે તરત ઈસુની પાસે જઈને તે કહે છે, “રાબ્બી!” અને તે તેમને ચૂમ્યો. 46તેઓએ તેમના પર હાથ નાખ્યા, ને તેમને પકડી લીધા. 47પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તરવાર તાણીને મુખ્ય યાજકના દાસને મારીને તેનો કાન કાપી નાખ્યો. 48ઈસુએ તેઓને કહ્યું, “જેમ લૂટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને મને પકડવાને આવ્યા છો શું? 49#લૂ. ૧૯:૪૭; ૨૧:૩૭. હું દરરોજ તમારી આગળ મંદિરમાં બોધ કરતો હતો, ને તમે મને પકડ્યો નહિ! પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે [આમ થાય છે.] 50પછી બધા તેમને મૂકીને નાસી ગયા.
51એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ પાછળ આવતો હતો; તેઓએ તેને પકડ્યો. 52પણ તે વસ્ત્ર મૂકીને ઉઘાડે શરીરે તેઓ પાસેથી નાસી ગયો.
ન્યાયસભા આગળ ઈસુ
(માથ. ૨૬:૨૫-૬૮; લૂ. ૨૨:૫૪-૫૫,૬૩-૭૧; યોહ. ૧૮:૧૩-૧૪,૧૯-૨૪)
53તેઓ ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થાય છે. 54પિતર ઘણે દૂર રહીને તેમની પાછળ પાછળ ચાલતો છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો હતો; અને ભાલદારોની સાથે બેસીને [અંગારાની] રોશનીમાં તાપતો હતો. 55હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા માટે તેમની વિરદ્ધ સાક્ષી શોધી; પણ તેઓને કંઈ જડી નહિ. 56કેમ કે ઘણાઓએ તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. 57કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું, 58“અમે તેને એમ કહેતાં સાંભળ્યો કે, હાથે બનાવેલા #યોહ. ૨:૧૯; માર્ક ૧૫:૨૯. આ મંદિરને હું પાડી નાખીશ, અને ત્રણ દિવસમાં વગર હાથે બનેલું હોય એવું બીજું [મંદિર] બાંધીશ.” 59એમાં પણ તેઓની સાક્ષી મળતી નહોતી. 60પછી પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું, “શું તું કંઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?” 61પણ તે છાના રહ્યા, ને કંઈ ઉત્તર દીધો નહિ, ફરી પ્રમુખ યાજક તેમને પૂછે છે, “શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?” 62ઈસુએ તેને કહ્યું, “હું છું; અને #દા. ૭:૧૩; માર્ક ૧૩:૨૬; પ્રક. ૧:૭. માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશનાં વાદળાંસહિત આવતો તમે જોશો.” 63પ્રમુખ યાજક પોતાનાં વસ્ત્ર ફાડીને કહે છે, “હવે આપણને બીજી સાક્ષીની શી અગત્ય છે? 64તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે; તમને શું લાગે છે?” સર્વએ તેમને #લે. ૨૪:૧૬. મરણદંડને યોગ્ય ઠરાવ્યા. 65પછી કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા, તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા, “ [તું પ્રબોધક હોય તો] કહી બતાવ!” અને ભાલદારોએ તેમને તમાચા માર્યા.
પિતર ઈસુનો નકાર કરે છે
(માથ. ૨૬:૬૯-૭૫; લૂ. ૨૨:૫૬-૬૨; યોહ. ૧૮:૧૫-૧૮,૨૫-૨૭)
66હવે પિતર નીચે ચોકમાં હતો, ત્યારે પ્રમુખ યાજકની એક દાસી ત્યાં આવે છે. 67અને પિતરને તાપતો જોઈને તેને નિહાળીને કહે છે, “તું પણ ઈસુ નાઝારીની સાથે હતો.” 68પણ તેણે ઇનકાર કરીને કહ્યું, “તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ સમજતો પણ નથી.” પછી તે બહાર પરસાળમાં ગયો, એટલે મરઘો બોલ્યો. 69પછી તે દાસી તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી, “એ તેઓમાંનો છે.” 70પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડી વાર પછી પાસે ઊભા રહેનારાઓએ પિતરને ફરી કહ્યું, “ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.” 71પણ તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો, “જે માણસ વિષે તમે બોલો છો, તેને હું ઓળખતો જ નથી.” 72તરત મરઘો બીજી વાર બોલ્યો. ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, ‘મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’ તે તેને યાદ આવી, અને તે પર મન લગાડીને તે રડ્યો.
Currently Selected:
માર્ક 14: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.