YouVersion Logo
Search Icon

માર્ક 15

15
ઈસુ પિલાત સમક્ષ
(માથ. ૨૭:૧-૨,૧૧-૧૪; લૂ. ૨૩:૧-૫; યોહ. ૧૮:૨૮-૩૮)
1સવાર થઈ કે તરત મુખ્ય યાજકોએ વડીલો, શાસ્‍ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને યોજના કરી, ને ઈસુને બાંધીને, લઈ ગયા, ને પિલાતના હાથમાં સોંપી દીધા. 2પિલાતે તેમને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?” તેમણે તેને ઉત્તર આપ્યો, “તમે કહો છો તે જ [હું છું] ” 3મુખ્ય યાજકોએ તેમની પર ઘણાં તહોમત મૂક્યાં. 4પિલાતે ફરી તેમને પૂછ્યું, “તું કંઈ જ ઉત્તર આપતો નથી? જો તેઓ તારા પર કેટલાં બધાં તહોમત મૂકે છે!” 5પણ ઈસુએ બીજો કંઈ ઉત્તર આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.
ઈસુને મૃત્યુની સજા ફરમાવી
(માથ. ૨૭:૧૫-૨૬; લૂ. ૨૩:૧૩-૨૫; યોહ. ૧૮:૩૯—૧૯:૧૬)
6આ પર્વમાં તેઓ જે એક બંદીવાનને માગે તેને તે છોડી દેતો. 7કેટલાક દંગો કરનારાઓએ દંગામાં ખૂન કર્યું હતું, અને તેઓની સાથે કેદમાં પડેલો એવો એક બારાબાસ નામનો માણસ હતો. 8લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા, “જેમ તમે અમારે માટે હંમેશાં કરતા, તે પ્રમાણે કરો.” 9પિલાતે તેઓને ઉત્તર આપ્યો, “શું તમારી મરજી એવી છે કે, હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં?” 10કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધા હતા. 11પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા કે, તે તેઓને માટે બારાબાસને છોડી દે. 12પણ પિલાતે ફરી તેઓને પૂછ્યું, “જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેને હું શું કરું?” 13તેઓએ ફરી બૂમ પાડી, “તેને વધસ્તંભે જડાવો.” 14પિલાતે તેઓને પૂછ્યું. “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે?” પણ તેઓએ વિશેષ બૂમ પાડી, “તેને વધસ્તંભે જડાવો.” 15ત્યારે પિલાતે લોકોને રાજી કરવા ચાહતાં તેઓને માટે બારાબાસને છોડી દીધો; અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા માટે સોંપ્યા.
સિપાઈઓ ઈસુની મશ્કરી કરે છે
(માથ. ૨૭:૨૭-૩૧; યોહ. ૧૯:૨-૩)
16સિપાઈઓ તેમને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; ત્યાં તેઓએ આખી ટુકડી એકઠી કરી. 17તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો, ને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો. 18અને “હે યહૂદીઓના રાજા, સલામ!” એમ કહીને તેઓ તેમને નમસ્કાર કરવા લાગ્યા. 19તેઓએ તેમના માથા પર સોટી મારી, તેમના પર થૂંક્યા, અને ઘૂંટણ ટેકવીને તેમની આગળ નમ્યા. 20તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો, ને તેમનાં પોતાનાં વસ્‍ત્રો તેમને પહેરાવીને તેમને વધસ્તંભે જડવા માટે લઈ ગયા.
ઈસુનું ક્રૂસારોહણ
(માથ. ૨૭:૩૨-૪૪; લૂ. ૨૩:૨૬-૪૩; યોહ. ૧૯:૧૭-૨૭)
21સિમોન કરીને કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા #રોમ. ૧૬:૧૩. રૂફસનો પિતા હતો, તે સીમમાંથી આવતાં ત્યાં થઈને જતો હતો, તેની પાસે તેઓએ બળજબરીથી તેમનો વધસ્તંભ ઊંચકાવ્યો. 22ગુલગથા નામની જગા, જેનો અર્થ, ‘ખોપરીની જગા’ છે, ત્યાં તેઓ તેમને લાવે છે. 23તેઓએ બોળ ભેળેલો દ્રાક્ષારસ તેમને પીવાને આપવા માંડ્યો; પણ તેમણે તે લીધો નહિ. 24તેઓએ તેમને વધસ્તંભે જડ્યા, ને પ્રત્યેકે #ગી.શા. ૨૨:૧૮. તેમનાં વસ્‍ત્રનો કયો ભાગ લેવો, તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તે અંદરોઅંદર વહેંચી લીધાં. 25દિવસના ત્રીજે કલાકે તેઓએ તેમને વધસ્તંભે જડ્યા. 26તેમના ઉપર તેઓએ એવું તહોમતનામું લખ્યું હતું “યહૂદીઓનો રાજા”. 27તેમની સાથે તેઓએ બે લૂંટારાને વધસ્તંભે જડ્યા; એકને તેમની જમણી તરફ ને બીજાને તેમની ડાબી તરફ. [ 28#યશા. ૫૩:૧૨. ‘તે અપરાધીઓમાં ગણાયો’, એવું જે શાસ્‍ત્રવચન તે પૂરું થયું.] 29પાસે થઈને જનારાઓએ તેમની નિંદા કરી તથા #ગી.શા. ૨૨:૭; ૧૦૯:૨૫. માથાં હલાવીને કહ્યું, #માર્ક ૧૪:૫૮; યોહ. ૨:૧૯. “વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધનાર, 30તું પોતાને બચાવ, ને વધસ્તંભ પરથી ઊતરી આવ.” 31એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્‍ત્રીઓ સહિત તેમની મશ્કરી કરીને કહ્યું, “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી. 32ઇઝરાયલનો રાજા, ખ્રિસ્ત, હમણાં વધસ્તંભ પરથી ઊતરી આવે કે, અમે જોઈને વિશ્વાસ કરીએ.” વળી જેઓ તેમની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.
ઈસુનું મૃત્યુ
(માથ. ૨૭:૪૫-૪૬; લૂ. ૨૩:૪૪-૪૯; યોહ. ૧૯:૨૮-૩૦)
33છઠ્ઠો કલાક થયો ત્યારે આખા દેશમાં નવમા કલાક સુધી અંધકાર છવાઈ રહ્યો. 34નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લમા શબકથની, ” એટલે #ગી.શા. ૨૨:૧. “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?” 35જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું, “જુઓ. તે એલિયાને બોલાવે છે.” 36ત્યારે એક માણસે દોડીને #ગી.શા. ૬૯:૨૧. સરકાથી વાદળી ભરી, ને લાકડીને ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું, “રહેવા દો; આપણે જોઈએ કે એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ.” 37ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. 38[તે જ વખતે] મંદિરનો #લૂ. ૮:૨-૩. પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા. 39જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જોયું કે એમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું, “ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો.” 40કેટલીક સ્‍ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગદલાની મરિયમ, અને નાના યાકૂબ અને યોસેની મા મરિયમ તથા શાલોમી હતી. 41જ્યારે તે ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્‍ત્રીઓ [ત્યાં હતી.]
ઈસુનું દફન
(માથ. ૨૭:૫૭-૬૧; લૂ. ૨૩:૫૦-૫૬; યોહ. ૧૯:૩૮-૪૨)
42સાંજ પડી ત્યારે સિદ્ધિકરણનો દિવસ એટલે વિશ્રામવારનો આગલો દિવસ હતો, માટે, 43ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, અરિમથાઈનો યૂસફ આવ્યો, જે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિમ્મત રાખીને પિલાતની પાસે જઈને ઈસુની લાસ માગી. 44પિલાત નવાઈ પામ્યો, “શું તે એટલામાં મરી ગયો હોય!’ તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને તેને પૂછ્યું, “તેને મરી ગયાને કેટલો વખત થયો?” 45સૂબેદાર પાસેથી તે વિષે તેને ખબર મળી ત્યારે તેણે યૂસફને લાસ અપાવી. 46તેણે શણનું લૂગડું વેચાતું લીધું, ને તેમને ઉતારીને તેમને તે શણના લૂગડામાં વીંટાળ્યા, ને ખડકમાં ખોદેલી એક કબરમાં તેમને મૂક્યા; અને તે કબરના મોં આગળ એક પથ્થર ગબડાવી મૂકયો. 47તેમને ક્યાં મૂક્યા હતા એ મગદલાની મરિયમ, તથા યોસેની મા મરિયમે જોયું.

Currently Selected:

માર્ક 15: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in