માર્ક 12
12
દ્રાક્ષાવાડીના ઇજારદારોનું દ્દષ્ટાંત
(માથ. ૨૧:૩૩-૪૬; લૂ. ૨૦:૯-૧૯)
1અને તે તેઓને દ્દષ્ટાંતોમાં કહેવા લાગ્યા : “એક માણસે #યશા. ૫:૧-૨. દ્રાક્ષાવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને દ્રાક્ષાકુંડ ખોદ્યો, ને બુરજ બાંધ્યો, ને ખેડૂતોને તે ઈજારે આપીને પરદેશ ગયો, 2અને મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો કે, તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીનાં ફળમાંથી કંઈ લે. 3પણ તેઓએ તેને પકડીને માર્યો, ને ખાલી હાથે પાછો મોકલ્યો. 4અને ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો, અને તેઓએ તેનું માથું ફોડી નાખ્યું, ને તેને ધિક્કારીને કાઢી મૂક્યો. 5અને તેણે બીજો મોકલ્યો, અને તેઓએ તેને મારી નાખ્યો. અને બીજા ઘણા મોકલ્યા, અને તેઓએ કેટલાકને કોરડા માર્યા, ને કેટલાકને મારી નાખ્યા. 6હવે એક બાકી હતો, જે તેનો વહાલો દીકરો હતો; એને પણ તેણે આખરે તેઓની પાસે મોકલીને કહ્યું કે, તેઓ મારા દીકરાની અદબ રાખશે. 7પણ તે ખેડૂતોએ અંદરોઅંદર કહ્યું, ‘એ તો વારસ છે, ચાલો તેને મારી નાખીએ, તો વારસો આપણો થશે.’ 8અને તેઓએ તેને પકડીને મારી નાખ્યો, ને દ્રાક્ષાવાડીમાંથી બહાર ફેંકી દીધો. 9તો હવે દ્રાક્ષાવાડીનો ધણી શું કરશે? તે આવશે, ને એ ખેડૂતોનો નાશ કરશે, ને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. 10શું તમે આ લેખ નથી વાંચ્યો કે, #ગી.શા. ૧૧૮:૨૨-૨૩. ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાના મથાળાનો [પથ્થર] થયો 11એ પ્રભુથી થયું, ને આપણી નજરમાં આશ્ચર્યકારક છે?’”
12અને તેઓએ તેમને પકડવા શોધ કરી. પણ તેઓ લોકોથી બીધા; કેમ કે તેઓએ જાણ્યું કે, “તેમણે આપણા પર આ દ્દષ્ટાંત કહ્યું છે.” અને તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.
કાઈસારને કર ભરવો કે નહિ?
(માથ. ૨૨:૧૫-૨૨; લૂ. ૨૦:૨૦-૨૬)
13અને તેઓ તેમની પાસે કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલે છે કે તેઓ વાતમાં તેમને સપડાવે. 14અને તેઓ આવીને તેમને કહે છે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તમે ખરા છો, ને કોઈની દરકાર કરતા નથી; કેમ કે માણસોનું મોં તમે રાખતા નથી, પણ સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. કાઈસારને કર આપવો ઉચિત છે? 15આપીએ કે ન આપીએ?” પણ તેમણે તેઓને ઢોંગ જાણીને તેઓને કહ્યું, “તમે મારું પરીક્ષણ કેમ કરો છો? એક દીનાર મારી પાસે લાવો કે હું જોઉં.” 16અને તેઓ લાવ્યા. અને તે તેઓને કહે છે, “આ સૂરત તથા લેખ કોનાં છે?” અને તેઓએ તેમને કહ્યું, “કાઈસારનાં.” 17અને ઈસુએ ઉત્તર આપ્યો, “જે કાઈસારનાં છે તે કાઈસારને, ને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.” અને તેઓ તેમનાથી ઘણા અંચબો પામ્યા.
પુનરુત્થાનમાં એ કોની સ્ત્રી થશે?
(માથ. ૨૨:૨૨-૩૩; લૂ. ૨૦:૨૭-૪૦)
18અને સાદૂકીઓ #પ્રે.કૃ. ૨૩:૮. જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓ તેમની પાસે આવે છે; અને તેઓએ તેમને પૂછ્યું, 19“ઉપદેશક, #પુન. ૨૫:૫. મૂસાએ અમારે માટે લખ્યું કે, ‘જો કોઈનો ભાઈ નિ:સંતાન મરીને પત્નીને મૂકે, તો તેનો ભાઈ તેની પત્નીને લે, ને પોતાના ભાઈને માટે સંતાન ઉપજાવે.’ 20હવે સાત ભાઈઓ હતા; અને પહેલો પત્ની પરણીને સંતાન વિના મરી ગયો. 21પછી બીજાએ તેને લીધી, ને તે મરી ગયો, ને તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહિ. અને એ પ્રમાણે ત્રીજાએ પણ; 22અને સાતે સંતાન વગર મરી ગયા. છેવટે સ્ત્રી પણ મરી ગઈ. 23હવે પુનરુત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.” 24ઈસુએ તેઓને કહ્યું, “શું તમે એ કારણથી ભૂલ નથી કરતા કે, તમે ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી? 25કેમ કે મૂએલાંમાંથી ઊઠનારાં પરણતાં પરણાવતાં નથી; પણ આકાશમાંના દૂતોના જેવાં હોય છે. 26પણ મૂએલાં લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું, #નિ. ૩:૬. હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું?’ 27તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો.”
સૌથી મોટી આજ્ઞા
(માથ. ૨૨:૩૪-૪૦; લૂ. ૧૦:૨૫-૨૮)
28અને #લૂ. ૧૦:૨૫-૨૮. શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની તકરાર સાંભળી, ને ઈસુએ તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેમને પૂછ્યું, “સહુ આજ્ઞાઓમાં પહેલી કઈ છે?” 29ઈસુએ ઉત્તર આપ્યો, “પહેલી એ છે કે, #પુન. ૬:૪-૫. ઓ ઇઝરાયલ સાંભળ; પ્રભુ આપણો ઈશ્વર તે પ્રભુ એક જ છે; 30અને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. 31અને બીજી એ છે કે #લે. ૧૯:૧૮. જેમ તું પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પ્રેમ કર તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.” 32અને શાસ્ત્રીએ તેમને કહ્યું, “ખરેખર, ઉપદેશક, તમે ઠીક કહ્યું છે કે, #પુન. ૪:૩૫. તે એક જ છે અને તે વિના બીજો કોઈ નથી. 33અને પૂરા હ્રદયથી, તથા પૂરી સમજણથી, તથા પૂરા સામર્થ્યથી, તેમના પર પ્રેમ કરવો, તથા પોતાના પર તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો તે #હો. ૬:૬. સર્વ સંપૂર્ણ દહનિયાર્પણ તથા યજ્ઞ કરતાં અધિક છે.” 34અને તેણે ડહાપણથી ઉત્તર આપ્યો છે એ જોઈને ઈસુએ તેને કહ્યું, “તું ઈશ્વરના રાજ્યથી વેગળો નથી.” અને ત્યાર પછી કોઈએ તેમને પૂછપરછ કરવાની હિમ્મત ન ધરી.
મસીહ વિષે પ્રશ્ન
(માથ. ૨૨:૪૧-૪૬; લૂ. ૨૦:૪૧-૪૪)
35અને મંદિરમાં બોધ કરતાં ઈસુએ ઉત્તર આપીને કહ્યું, “શાસ્ત્રીઓ કેમ કહે છે, ‘ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?’ 36કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે,
#
ગી.શા. ૧૧૦:૧. ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
તારા શત્રુઓને હું તારું પાયાસન કરું,
ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’
37દાઉદ પોતે તેને પ્રભુ કહે છે; તો તે તેનો દીકરો કેવી રીતે છે?”
શાસ્ત્રીઓથી સાવધ રહો
(માથ. ૨૩:૧-૩૬; લૂ. ૨૦:૪૫-૪૭)
અને બધા લોકોએ ખુશીથી તેમનું સાંભળ્યું. 38અને તેમણે બોધ કરતાં તેઓને કહ્યું, “શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓ જામા પહેરીને ફરવાનું તથા ચૌટાઓમાં સલામો, 39તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. 40તેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે, ને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓને વિશેષ સજા મળશે.”
વિધવા સ્ત્રીનું દાન
(લૂ. ૨૧:૧-૪)
41અને તેમણે ખજાનાની સામે બેસીને, લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે, તે જોયું. અને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા. 42અને એક દરિદ્રી વિધવાએ આવીને બે દમડી, એટલે એક અધેલો, નાખ્યો. 43અને તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, ભંડારમાં એ સર્વ નાખનારાં કરતાં આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે. 44કેમ કે તે બધાંએ પોતાના ભરપૂરપણામાંથી નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ, એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી.”
Currently Selected:
માર્ક 12: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.