માર્ક 11
11
યરુશાલેમમાં વિજયપ્રવેશ
(માથ. ૨૧:૧-૧૧; લૂ. ૧૯:૨૮-૪૦; યોહ. ૧૨:૧૨-૧૯)
1અને તેઓ યરુશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયાની પાસે આવે છે, ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે, 2ને તેઓને કહે છે, “સામેના ગામમાં જાઓ; અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી, એવો તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો. 3અને જો કોઈ તમને પૂછે, ‘તમે શા માટે એમ કરો છો?’ તો એમ કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે;’ અને તરત તે એને અહીં મોકલશે.”
4અને તેઓ ગયા, ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો; અને તેઓ તેને છોડે છે. 5અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને પૂછ્યું, “વછેરાને તમે શું કરવા છોડો છો?” 6અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું, અને તેઓએ તેમને જવા દીધા. 7અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા, ને તેના પર પોતાનાં વસ્ત્ર નાખ્યાં; અને તેના પર તે બેઠા. 8અને ઘણાઓએ પોતાનાં વસ્ત્ર રસ્તામાં પાથર્યાં; અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને [રસ્તામાં પાથરી]. 9અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતાં કહ્યું, #ગી.શા. ૧૧૮:૨૫. “હોસાન્ના! #ગી.શા. ૧૧૮:૨૬. પ્રભુને નામે જે આવે છે, તેને ધન્ય! 10આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!”
11અને ઈસુ યરુશાલેમ જઈને મંદિરમાં ગયા. અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે [શિષ્યો] સહિત નીકળીને તે બેથાનિયામાં ગયા.
ઈસુ અંજીરીને શ્રાપ આપે છે
(માથ. ૨૧:૧૮-૧૯)
12અને બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી નીકળીને આવતાં તે ભૂખ્યા થયા; 13અને એક અંજીરી જેને પાંદડાં આવ્યાં હતાં તેને દૂરથી જોઈને તે તેની પાસે ગયા કે કદાચ તેમને તે પરથી કંઈ મળે; અને તે તેની પાસે આવ્યા ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ૠતુ ન હતી. 14અને ઈસુએ તેને કહ્યું, “હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ.” અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.
ઈસુ મંદિરને શુદ્ધ કરે છે
(માથ. ૨૧:૧૨-૧૭; લૂ. ૧૯:૪૫-૪૮; યોહ. ૨:૧૩-૨૨)
15અને તેઓ યરુશાલેમ આવે છે. અને તે મંદિરમાં ગયા ને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂકવા લાગ્યા, ને નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળ્યાં. 16અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહિ. 17અને તેઓને બોધ કરતાં તેમણે કહ્યું, “શું એમ લખેલું નથી કે, #યશા. ૫૬:૭. મારું ઘર સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને #યર્મિ. ૭:૧૧. લૂંટારાઓનું કોતર કર્યું છે.” 18અને મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું, ને તેમનો નાશ શી રીતે કરવો તે વિષે શોધ કરી; કેમ કે તેઓ તેમનાથી બીધા, કારણ કે સર્વ લોકો તેમના ઉપદેશથી નવાઈ પામતા. 19અને દર સાંજે ઈસુ શહેર બહાર જતા.
અંજીરી પરથી મળતો બોધ
(માથ. ૨૧:૨૦-૨૨)
20અને તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતાં તેને જડથી સુકાઈ ગયેલી જોઈ. 21અને પિતર સંભારીને તેમને કહે છે, “સ્વામી, જુઓ, જે અંજીરીને તમે શાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે.” 22અને ઈસુ તેઓને કહે છે, “ઈશ્વર પર વિશ્વાસ રાખો. 23કેમ કે #માથ. ૧૭:૨૦; ૧ કોરીં. ૧૩:૨. હું તમને ખચીત કહું છું કે, જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસી જા, ને સમુદ્રમાં નંખા! અને પોતાના હ્રદયમાં; સંદેહ ન લાવતાં વિશ્વાસ રાખશે કે, જે હું કહું છું કે, તે થશે; તો તે તેને માટે થશે. 24એ માટે હું તમને કહું છું કે, પ્રાર્થના કરતાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. 25અને #માથ. ૬:૧૪-૧૫. જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો; એ માટે કે તમારા પિતા જે આકાશમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે. 26પણ જો તમે તેને માફ નહિ કરો, તો તમારા પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહિ.”
ઈસુના અધિકાર અંગે પ્રશ્ન
(માથ. ૨૧:૨૩-૨૭; લૂ. ૨૦:૧-૮)
27અને ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ મંદિરમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તથા વડીલોએ તેમની પાસે આવીને 28તેમને કહ્યું, “કયા અધિકારથી તમે આ કામો કરો છો? અથવા આ કામો કરવાનો તમને કોણે અધિકાર આપ્યો? 29અને ઈસુએ તેઓને કહ્યું, “હું એક વાત તમને પૂછીશ, અને તેનો તમે મને જવાબ આપશો, તો હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું તમને કહીશ. 30યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી? મને જવાબ આપો.” 31અને તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “જો કહીએ કે, ‘આકાશથી’; તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ નહિ કર્યો? 32પણ જો કહીએ કે, ‘માણસથી’-તો તેઓ લોકોથી બીધા, કેમ કે બધા લોકો યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા. 33અને તેઓએ ઈસુને કહ્યું, “અમે જાણતા નથી.” અને ઈસુ તેઓને કહે છે, “હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.”
Currently Selected:
માર્ક 11: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.