માર્ક 10
10
ઈસુ ફારગતી વિષે શીખવે છે
(માથ. ૧૯:૧-૧૨; લૂ. ૧૬:૧૮)
1અને ત્યાંથી ઊઠીને તે યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશોમાં આવે છે; અને ફરી ઘણા લોકો આવીને તેમની પાસે એકત્ર થાય છે. અને તેમના રિવાજ પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો. 2અને ફરોશીઓએ પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું, “શું પુરુષે પોતાની પત્નીને મૂકી દેવી ઉચિત છે?” 3પણ તેમણે તેઓને કહ્યું, “મૂસાએ તમને શી આજ્ઞા આપી હતી?” 4અને તેઓએ કહ્યું, #પુન. ૨૪:૧-૪; માથ. ૫:૩૧. “ફારગતી લખીને તેને મૂકી દેવાની મૂસાએ રજા આપી.” 5પણ ઈસુએ તેઓને કહ્યું, “તમારાં હ્રદયની કઠણતાને લીધે મૂસાએ તમારે માટે એવી આજ્ઞા લખી. 6પણ ઉત્પત્તિના આરંભથી #ઉત. ૧:૨૭; ૫:૨. ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યાં. 7#ઉત. ૨:૨૪. એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, 8અને તેઓ બન્ને એક દેહ થશે; એ માટે તેઓ ત્યાર પછી બે નથી, પણ એક દેહ છે. 9તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું.” 10અને ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિષે તેમને પૂછ્યું. 11અને તે તેઓને કહે છે, #માથ. ૫:૩૨; ૧ કોરીં. ૭:૧૦-૧૧. “જે કોઈ પોતાની પત્નીને મૂકી દે, ને બીજીને પરણે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે. 12અને જો પત્ની પોતાના પતિને મૂકી દે, ને બીજાને પરણે, તો તે વ્યભિચાર કરે છે.”
ઈસુ બાળકોને આશીર્વાદ આપે છે
(માથ. ૧૯:૧૩-૧૫; લૂ. ૧૮:૧૫-૧૭)
13અને તેઓ તેમની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને અડકે અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. 14પણ ઈસુ તે જોઈને નાખુશ થયા, ને તેમણે તેઓને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને રોકો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે. 15હું તમને ખચીત કહું છું કે #માથ. ૧૮:૩. જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે એમાં પ્રવેશ કરશે જ નહિ.” 16અને તેમણે તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.
ધનવાન માણસ
(માથ. ૧૯:૧૬-૩૦; લૂ. ૧૮:૧૮-૩૦)
17અને તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક જણ તેમની પાસે દોડતો આવ્યો, ને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?” 18અને ઈસુએ તેને કહ્યું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર, તે વિના કોઈ ઉત્તમ નથી. 19તું આજ્ઞાઓ જાણે છે, #નિ. ૨૦:૧૩; પુન. ૫:૧૭. હત્યા ન કરવી, #પુન. ૫:૧૮. વ્યભિચાર ન કરવો, #નિ. ૨૦:૧૫; પુન. ૫:૧૯. ચોરી ન કરવી, #નિ. ૨૦:૧૬; પુન. ૫:૨૦. જૂઠી શાહેદી ન પૂરવી, ઠગાઈ ન કરવી, #નિ. ૨૦:૧૨; પુન. ૫:૧૬. માબાપનું સન્માન કરવું.” 20અને તેણે તેમને કહ્યું, “ઉપદેશક, એ સર્વ [આજ્ઞાઓ] તો હું નાન૫ણથી પાળતો આવ્યો છું.” 21અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું, ને તેમણે તેને કહ્યું, “તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, ને આકાશમાં તને દોલત મળશે. અને આવ, મારી પાછળ ચાલ.” 22પણ તે વાતને લીધે તેનું મોં ઊતરી ગયું, ને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની સંપત ઘણી હતી.
23અને ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે, “જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે!” 24અને તેમની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે, “વત્સ, દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું અઘરું છે! 25દોલતવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે.” 26અને તેઓને ઘણી નવાઈ પામીને અંદરોઅંદર કહ્યું, “તો કોણ તારણ પામી શકે?” 27ઈસુ તેઓની તરફ જોઈને કહે છે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.” 28અને પિતર તેમને કહેવા લાગ્યો, “જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.” 29ઈસુએ તેને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, “જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને મૂકી દીધાં હશે, 30તે હમણાં આ સમયે સોગણાં ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને સતાવણી સહિત, તથા આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. 31પણ ઘણા #માથ. ૨૦:૧૬; લૂ. ૧૩:૩૦. જેઓ પહેલા તેઓ છેલ્લા, ને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે.”
ઈસુ ત્રીજીવાર પોતાના મૃત્યુની આગાહી કરે છે
(માથ. ૨૦:૧૭-૧૯; લૂ. ૧૮:૩૧-૩૪)
32અને યરુશાલેમની ભણી ચઢતાં તેઓ માર્ગમાં હતા; અને ઈસુ તેઓની આગળ ચાલતા હતા. અને તેઓ નવાઈ પામ્યા, ને પાછળ ચાલનારા બીધા. અને તે ફરી બાર [શિષ્યો] ને પાસે બોલાવીને પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા, 33“જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ. અને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપી દેવાશે, અને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે, ને તેને વિદેશીઓને સોંપશે. 34અને તેઓ તેની મશ્કરી કરશે, ને તેના પર થૂંકશે, ને તેને કોરડા મારશે, ને તેને મારી નાખશે; અને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.”
યાકૂબ અને યોહાનની માગણી
(માથ. ૨૦:૨૦-૨૮)
35અને ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન તેમની પાસે આવીને કહે છે, “ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માંગીએ તે તમે અમારે માટે કરો.” 36અને તેમણે તેઓને કહ્યું, “તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?” 37ત્યારે તેઓએ તેમને કહ્યું, “તમારા મહિમામાં અમે એક તમારે જમણે હાથે, ને એક તમારે ડાબે હાથે બેસીએ, એવું અમારે માટે કરો.” 38પણ ઈસુએ તેઓને કહ્યું, “તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? અને #લૂ. ૧૨:૫૦. જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છે?” 39અને તેઓએ તેમને કહ્યું, “અમે તેમ કરી શકીએ છીએ.” પણ ઈસુએ તેઓને કહ્યું, “જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો ખરા, ને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો ખરા! 40પણ મારે જમણે હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી, ૫ણ જેઓને માટે તે તૈયાર કરેલું છે તેઓને માટે છે.” 41અને #લૂ. ૨૨:૨૫-૨૭. [બાકીના] દશ એ સાંભળીને યાકૂબ તથા યોહાન સંબંધી નાખુશ થયા. 42પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે, “તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે, તેઓ તેમના પર ધણીપણું કરે છે. અને તેઓમાં જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. 43પણ #માથ. ૨૩:૧૧; માર્ક ૯:૩૫. તમારામાં એમ નથી; પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય. 44અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સહુનો દાસ થાય. 45કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, ને ઘણાંની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે.”
ઈસુ આંધળા બાર્તિમાયને દેખતો કરે છે
(માથ. ૨૦:૨૯-૩૪; લૂ. ૧૮:૩૫-૪૩)
46અને તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી તે તથા તેમના શિષ્યો તથા ઘણા લોકો નીકળતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે આંધળો ભિખારી હતો તે માર્ગની કોરે બેઠો હતો. 47અને એ ઈસુ નાઝારી છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો, “ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.” 48અને ઘણાએ તેને ધમકાવ્યો, “ચૂપ રહે.” પણ તેણે વત્તી બૂમ પાડી, “ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.” 49અને ઈસુએ ઊભા રહીને કહ્યું, “તેને બોલાવો.” અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે, “હિમ્મત રાખ; ઊઠ, તે તને બોલાવે છે.” 50અને તે પોતાનું વસ્ત્ર નાખી દઈને ઊઠ્યો, ને ઈસુની પાસે આવ્યો. 51અને ઈસુએ તેને કહ્યું, “હું તારે માટે શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?” આંધળાએ તેમને કહ્યું, “સ્વામી, હું દેખતો થાઉં.” 52અને ઈસુએ તેને કહ્યું, “જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.” અને તરત તે દેખતો થયો, ને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
Currently Selected:
માર્ક 10: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.