યર્મિયાનો વિલાપ 4
4
1સોનું કેવું ઝાંખું પડ્યું છે!
કુંદન કેવું બદલાઈ ગયું છે!
પવિત્રસ્થાનના પથ્થર સર્વ
મહોલ્લાઓને નાકે વિખેરાયેલા છે.
2સિયોનના જે અમૂલ્ય પુત્રો
કુંદન જેવા હતા,
તેઓ કુંભારના હાથે કરેલાં માટલાં
જેવા કેમ ગણાય છે!
3શિયાળ પણ પોતાનાં બચ્ચાને થાને
વળગાળીને ધવડાવે છે!
પણ મારા લોકોની દીકરી રાનમાંની
શાહમૃગી જેવી નિર્દય થઈ છે.
4ધાવણા બાળકની જીભ તરસને લીધે
તાળવે ચોંટી રહે છે!
બાળકો રોટલી માગે છે,
કોઈ તે ભાંગીને
તેઓને આપતો નથી.
5જેઓ મિષ્ટાન્ન ખાતા હતા, તેઓ
મહોલ્લાઓમાં નિરાધાર થયા છે.
જેઓ કિરમજી વસ્ત્ર પહેરતા હતા
તેઓ ઉકરડાઓ પર આળોટે છે.
6જે #ઉત. ૧૯:૨૪. સદોમ અકસ્માત નષ્ટ થયું, ને જેને
કોઈએ હાથ લગાડ્યો નહોતો,
તેના અન્યાય કરતાં મારા લોકોની
દિકરીનો અન્યાય મોટો છે.
7તેના સરદારો હિમ કરતાં સ્વચ્છ હતા,
તેઓ દૂધ કરતાં ધોળા હતા,
તેઓનાં શરીર માણેક કરતાં રાતાં હતાં,
તેઓનું રૂપ નીલમ જેવું હતું.
8પણ હાલ તેઓનું મુખ કોયલ કરતાં
કાળું થયું છે!
તેઓ મહોલ્લાઓમાં ઓળખાતા નથી.
તેઓની ચામડી તેઓનાં હાડકાંને
વળગી રહેલી છે;
તે સુકાઈને લાકડાં જેવી થઈ ગઈ છે.
9જેઓ તરવારથી માર્યા ગયા
તેઓ ભૂખે મરનારા કરતાં સુખી છે;
કેમ કે [ભૂખ્યા માણસો] ખેતરમાં પાક
ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.
10દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે
#
પુન. ૨૮:૫૭; હઝ. ૫:૧૦. પોતાનાં બાળકોને બાફ્યાં છે!
મારા લોકોની દીકરીના નાશને સમયે
એ જ તેઓનો ખોરાક હતો.
11યહોવાએ પોતાનો કોપ પૂરો કર્યો છે,
તેમણે પોતાનો
ભારે કોપ વરસાવ્યો છે.
તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ
જાય એવો અગ્નિ સળગાવ્યો છે.
12શત્રુ તથા વૈરી યરુશાલેમના
દરવાજાઓમાં પેસશે, એવું
પૃથ્વીના રાજાઓ તથા જગતના
રહેવાસીઓ માનતા નહોતા.
13તેના પ્રબોધકોનાં પાપોને લીધે,
તેના યાજકોના અન્યાયને લીધે,
તેઓએ તેમાં ધાર્મિકોનું રક્ત પાડ્યું છે.
14તેઓ આંધળાઓની જેમ મહોલ્લે
મહોલ્લે ભમતા ફરે છે,
તેઓ રક્તથી ખરડાયા છે,
તેથી તેઓનાં વસ્ત્રને
કોઈ અડકી શકતું નથી.
15“હઠો, હે અશુદ્ધ! તમે હઠો, હઠો,
અમને અડકો નહિ, ”
એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું,
તેઓ નાસીને રઝળવા લાગ્યા ત્યારે
વિદેશીઓએ કહ્યું,
“તેઓ ફરીથી અહીં
મુકામ કરશે નહિ.
16યહોવાના કોપે તેઓને એકબીજાથી
જુદા પાડ્યા છે;
તે તેઓ પર ફરી દષ્ટિ કરશે નહિ.
તેઓએ યાજકોની મર્યાદા રાખી નહિ,
તેઓએ વડીલો પર કૃપા કરી નહિ.”
17અમારી આંખો ખાલી સહાયની રાહ
જોઈ જોઈને થાકી ગઈ છે.
અમને બચાવી શકે નહિ એવા દેશની
અમે ઘણી અપેક્ષા કરી છે.
18તેઓ અમારો કેડો છોડતા નથી,
તેથી અમે અમારા ચૌટાંઓમાં
ફરી શક્તા નથી.
અમારો અંતકાળ પાસે આવ્યો છે,
અમારા દિવસો ભરાઈ ચૂક્યા છે;
કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.
19અમારી પાછળ પડનારાઓ આકાશનાં
ગરૂડો કરતાં વેગાન હતા.
પર્વતો પર તેઓ અમારી પાછળ પડ્યા,
રાનમાં તેઓ અમને પકડવા
સંતાઈ રહ્યા.
20અમારા મુખનો શ્વાસ, યહોવાનો
અભિષિક્ત, જેના વિષે અમે કહ્યું,
તેની છાયામાં અમે
વિદેશીઓમાં જીવીશું.”
તે તેઓના ખાડાઓમાં પકડાયો.
21અરે અદોમની દિકરી, ઉસ દેશમાં
રહેનારી, તું હર્ષ તથા આનંદ કર.
તારી પાસે પણ પ્યાલો આવશે!
તું ચકચૂર થઈને પોતાને નગ્ન કરીશ.
22રે સિયોનની દિકરી, તારા અન્યાયની
સજા [હવે] પૂરી થઈ છે.
તે તને ફરીથી બંદિવાસમાં
લઈ જશે નહિ.
રે અદોમની દીકરી
તે તારા અન્યાયનું
શાસન આપશે.
તે તારાં પાપ ઉઘાડાં કરશે.
Currently Selected:
યર્મિયાનો વિલાપ 4: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.