યર્મિયાનો વિલાપ 3
3
1પ્રભુના કોપની સોટીથી
જેણે દુ:ખ ભોગવ્યું છે,
તે પુરુષ હું જ છું.
2તેમણે મને અજવાળામાં નહિ પણ
અંધકારમાં દોરીને ચલાવ્યો છે.
3તે ખરેખર આખો દિવસ
મારી વિરુદ્ધ વારંવાર પોતાનો
હાથ ફેરવે છે.
4તેમણે મારું માંસ તથા મારી ચામડી
જીર્ણ કરી નાખ્યા છે.
તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે;
5તેમણે મારી આસપાસ પિત્તળના
વિષનો તથા કષ્ટનો કોટ બાંધીને
મને ઘેરી લીધો છે.
6તેમણે મને પુરાતન કાળન
મૂએલાની જેમ અંધારાં
સ્થાનોમાં વસાવ્યો છે.
7તેમણે મને વાડથિ ધેર્યો છે,
જેથી મારાથી બહાર નીકળાય નહિ.
તેમણે મારી બેડી ભારે કરી છે.
8વળી જ્યારે હું પોકારીને
સહાય માગું છું,
ત્યારે તે મારી પ્રાર્થના પાછી વાળે છે.
9તેમણે ઘડેલા પથ્થરથી
મારા માર્ગોને બંધ કર્યા છે,
તેમણે મારા માર્ગો વાંકાચૂકા કર્યા છે.
10તે મારા પ્રત્યે સંતાઈ રહેલા રીંછ જેવા,
અને ગુપ્ત સ્થળમાં
રહેનાર સિંહ જેવા થયા છે.
11તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે,
ને મને ફાડી નાખ્યો છે.
તેમણે મને નિરાધાર કર્યો છે.
12તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે,
ને મને તીરના નિશાન તરીકે
ઊભો રાખ્યો છે.
13તેમણે પોતાના ભાથાનાં બાણ
મારા અંત:કરણમાં ખોસ્યા છે.
14હું મારા સર્વ લોકોની આગળ
હાંસીપાત્ર થયો છું;
અને તેઓ આખો દિવસ
મારા રાસડા ગાય છે.
15તેમણે મને કડવાશથી ભર્યો છે,
તેમણે મને નાગદમણથી
તૃપ્ત કર્યો છે.
16વળી તેમણે મારાં દાંતોને
કાંકરીથી ભાંગ્યા છે,
તેમણે રાખથી મને ઢાંકી દીધો છે.
17તમે મારો જીવ સુખશાંતિથી
દૂર રાખ્યો છે;
આબાદાની શું છે તે હું ભૂલી ગયો છું.
18મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, તથા
યહોવા તરફથી મારી
આશા નષ્ટ થઈ છે.
19મારું કષ્ટ તથા મારું દુ:ખ,
મારાં નાગદમણ તથા પિત્ત,
તેઓનું સ્મરણ કર.
20મારો જીવ તેમનુમ સ્મરણ કરીને
મારામાં દીન થઈ ગયો છે.
21એ હું મનમાં લાવું છું, ને
તેથી હું આશા રાખું છું.
22યહોવાની કૃપાને લીધે
અમે નાશ પામ્યા નથી.
કેમ કે તેમની દયા અખૂટ છે.
23તે દર સવારે નવી થાય છે.
તમારું વિશ્વાસુપણું મહાન છે.
24મારો જીવ કહે છે કે,
યહોવા મારો હિસ્સો છે,
તેથી હું તેમના પર આશા રાખીશ.
25જેઓ તેમની વાટ જુએ છે,
ને જે માણસ તેમને શોધે છે
તેઓ પ્રત્યે યહોવા ભલા છે.
26યહોવાના તારણની આશા
રાખવી અને શાંતિથી
તેમના આવવાની વાટ જોવી,
એ સારું છે.
27યુવાવસ્થામાં ઝૂંસરી ઉપાડવી
એ માણસને માટે સારું છે.
28પ્રભુએ તેના પર [ઝૂંસરી] મૂકી છે,
માટે તે એકાંતમાં બેસીને છાનો રહે.
29તે પોતાનું મુખ ધૂળમાં નાખે,
કદાચિત [તેને] આશા ઉત્પન્ન થાય.
30જે તેને મારે છે તેની તરફ
તે પોતાનો ગાલ ધરે;
તે અપમાનથી ભરપૂર થાય.
31કેમ કે પ્રભુ કદી પણ કાઢી મૂકશે નહિ.
32કેમ કે જો કે તે દુ:ખ દે,
તોપણ પોતાની પુષ્કળ કૃપા
પ્રમાણે તે દયા કરશે.
33કેમ કે તે રાજીખુશીથી દુ:ખ દેતા નથી,
ને માણસોને ખિન્ન કરતા નથી.
34પૃથ્વીના સર્વ બંદીવાનોને
પગ નીચે ખૂંદવા,
35પરાત્પર ઈશ્વરની સમક્ષ
કોઈનો હક ડુબાડવો,
36કોઈનો દાવો બગાડવો,
એ પ્રભુને યોગ્ય લાગતું નથી.
37યહોવાની આજ્ઞા ન છતાં
કોના કહ્યા પ્રમાણે થાય?
38પરાત્પર ઈશ્વરના મુખમાંથી
દુ:ખ તથા સુખ બન્ને
નીકળે કે નહિ?
39જીવતો માણસ શા માટે
બડબડ કરે છે,
પોતાનાં પાપની સજા થવાથી
તે કેમ કચકચ કરે?
40આપણે આપણા માર્ગોની શોધ
તથા પારખ કરીએ,
ને યહોવાની તરફ ફરીએ.
41આપણે આકાશમાંના ઈશ્વરની તરફ
આપણા હાથની સાથે
આપણું હ્રદય પણ ઊંચું કરીએ.
42અમે અપરાધ તથા બંડ કર્યાં છે;
તમે ક્ષમા કરી નથી.
43તમે અમને કોપથી
ઢાંકી દીધા તથા સતાવ્યા છે.
તમે અમને કતલ
કર્યા છે, ને
અમારા પર દયા રાખી નથી.
44અમારી પ્રાર્થના
પેલે પાર જાય નહિ,
માટે તમે વાદળાથી પોતાને
ઢાંકી દીધા છે.
45લોકોમાં તમે અમને ઉકરડા જેવા
તથા કચરા સરખા કર્યા છે.
46અમારા સર્વ શત્રુઓએ
અમારી વિરુદ્ધ પોતાનું મુખ
ઉઘાડીને પહોળું કર્યું છે.
47ભય તથા ખાડો,
પાયમાલી તથા નાશ,
અમારા પર આવી પડ્યાં છે.
48મારા લોકોની દીકરીના
નાશને લીધે
મારી આંખોમાંથી આંસુની
નદીઓ વહે છે.
49યહોવા આકાશમાંથી
દષ્ટિ કરીને જુએ ત્યાં સુધી,
50મારી આંખમાંથી નિરંતર
ચોધાર આંસુઓ વહ્યાં કરે છે.
51મારા નગરની સર્વ દીકરીઓને લીધે
મારી આંખ મારા જીવને
દુ:ખીઇ કરે છે.
52જેઓ વિનાકારણ
મારા શત્રુ થયા છે,
તેઓ કોઈ પક્ષીની પાછળ પડે તેમ
મારી પાછળ પડ્યા છે.
53તેઓએ મારા જીવને કારાગૃહમાં
નષ્ટ કરવાનું કર્યું છે,
ને મારા પર પથ્થે ફેંક્યો છે.
54મારા માથા ઉપર પાણી ફરી વળ્યાં;
મેં કહ્યું કે, હું મરી ગયો!
55હે યહોવા, મેં કારાગૃહના
નીચલા ભોંયરામાંથી
તમારા નામને હાંક મારી.
56તમે મારો અવાજ સાંભળ્યો;
હું હાંફીને બૂમ પાડું,
ત્યારે તમે તમારો કાન બંધ ન કરો.
57જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે
તમે મારી પાસે આવ્યા,
‘બીશ નહિ, ’ એવું તમે કહ્યું.
58હે પ્રભુ, તમે મારા
જીવનો પક્ષ કરીને
મારા તરફથી વિવાદ ચલાવ્યા છે;
તમે મારા પ્રાણનો
ઉદ્ધાર કર્યો છે.
59હે યહોવા, મારા પર
જે અન્યાય થયેલો છે
તે તમે જોયો છે;
તમે મારો ન્યાય કરો.
60તેઓએ મારા પર લીધેલું સર્વ વૈર તથા
તેઓએ કરેલાં સર્વ કાવતરાં
તમે જોયાં છે.
61હે યહોવા, તેઓએ કરેલી
મારી નિંદા, તથા મારી વિરુદ્ધ
તેઓએ કરેલાં સર્વ કાવતરાં
તમે સાંભળ્યા છે.
62જેઓ મારી સામે ઊઠ્યા
તેઓનાં વચન, તથા
આખો દિવસ મારી વિરુદ્ધ
તેમની કૂથલી
તમે સાંભળી છે.
63તેઓનું બેસવું ઊઠવું જુઓ;
તેઓ મારા રાસડા ગાય છે.
64હે યહોવા, તેઓના હાથની કરણી
પ્રમાણે તેઓને બદલો આપો.
65તેઓનાં મન અંધકારમય કરો.
તમે તેઓને શાપ આપો.
66કોપથી તેઓની પાછળ પડો,
ને યહોવાના આકાશ નીચેથી
તેઓનું નિકંદન કરો.”
Currently Selected:
યર્મિયાનો વિલાપ 3: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.