યર્મિયાનો વિલાપ 2
2
1પ્રભુએ કોપરૂપી વાદળાંથી
સિયોનની દીકરીને
કેવી ઢાંકી દીધી છે!
તેમણે ઇઝરાયલની શોભાને
આકાશમાંથી પૃથ્વી પર
નાખી દીધી છે, ને
પોતાના કોપને દિવસે પોતાના
પાયાસનનું સ્મરણ કર્યું નથી.
2યહોવાએ યાકૂબનાં સર્વ
રહેઠાણ નષ્ટ કર્યાં છે,
ને [તેઓ પર] દયા રાખી નથી.
તેમણે કોપ કરીને યહૂદિયાની
દીકરીના કિલ્લાઓને
ભાંગીને તોડી નાખ્યા છે.
તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે.
તેમણે રાજ્યને તથા
તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે.
3તેમણે ભારે કોપથી ઇઝરાયલનું
દરેક શિંગ કાપી નાખ્યું છે.
યહોવાએ શત્રુની આગળ પોતાનો
જમણો હાથ પાછો ખેંચી લીધો છે.
અને જે ભડભડ બળતો અગ્નિ ચારે
તરફનું ખાઈ નાખે છે,
તેની જેમ યહોવાએ યાકૂબને
બાળી નાખ્યું છે.
4શત્રુની જેમ યહોવાએ
પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે,
ને જાણે સામાવાળા હોય
તેમ તે પોતાનો જમણો હાથ
ઉગામીને ઊભા રહ્યા છે,
ને જે બધાં દેખાવમાં સુંદર હતાં,
તેમનો તેમણે નાશ કર્યો છે.
સિયોનની દીકરીના મંડપમાં
યહોવાએ પોતાનો કોપ
અગ્નિની જેમ રેડ્યો છે.
5પ્રભુ શત્રુના જેવા થયા છે,
તેમણે ઇઝરાયલને
પાયમાલ કર્યો છે.
તેના સર્વ રાજમહેલોને
તેમણે પાયમાલ કર્યા છે
તેમણ તેના કિલ્લાઓનો નાશ કર્યો છે.
અને તેમણે યહૂદિયાની દીકરીના
ખેદ તથા વિલાપ વધાર્યા છે.
6જાણે કે વાડીનો મંડપ હોય, તેમ
યહોવાએ પોતાનો મંડપ
બલાત્કારથી તોડી પાડ્યો છે!
તેમણે પોતાનું સભાસ્થાન નષ્ટ કર્યું છે.
યહોવાએ સિયોનમાં નીમેલાં પર્વ
તથા સાબ્બાથને વિસ્મૃત કરાવ્યાં છે,
ને પોતાના ક્રોધાવેશમાં પ્રભુએ
રાજાને તથા યાજકોને તુચ્છકાર્યા છે.
7પ્રભુએ પોતાની વેદી તજી દીધી છે,
તે પોતાના પવિત્રસ્થાનથી
કંટાળી ગયા છે.
પ્રભુએ તેમના રાજમહેલોની ભીંતો
શત્રુના હાથમાં સોંપી દીધી છે.
જેમ શુભ સભાને દિવસે ઘોંઘાટ થાય છે
તેમ તેઓએ યહોવાના મંદિરમાં
ઘોંઘાટ કર્યો છે.
8યહોવાએ સિયોનની
દીકરીનો કોટ નષ્ટ કરવાનો
નિશ્ચય કર્યો છે.
તેમણે દોરી તાણી છે,
તેમણે નાશ કરવાથી પોતાનો
હાથ પાછો ખેંચ્યો નથી.
તેમણે બુરજ તથા
કોટને ખેદિત કર્યા છે;
તેઓ એકત્ર ખિન્ન થાય છે.
9તેના દરવાજા જમીનદોસ્ત થયા છે;
પ્રભુએ તેની ભૂંગળોને
ભાંગીને નષ્ટ કરી છે.
જે વિદેશીઓમાં નિયમશાસ્ત્ર નથી હોતું
તેવા લોકોમાં તેનો રાજા તથા
તેના સરદારો છે!
વળી તેના પ્રબોધકોને યહોવા તરફથી
સંદર્શન થતું નથી.
10સિયોનની દિકરીના
વડીલો મૂંગા થઈને
ભૂમિ પર બેસે છે.
તેઓએ પોતાના માથા પર
ધૂળ નાખી છે;
તેઓએ ટાટનો પટો કમરે બાંધ્યો છે.
યરુશાલેમની કુમારિકાઓએ પોતાનાં
માથાં જમીન સુધી નમાવ્યાં છે.
11આંસુ પાડી પાડીને મારી આંખોનું
તેજ ઘટી ગયું છે.
મારી આંતરડી કકળે છે.
મારા લોકની દીકરીના ત્રાસને લીધે
મારું કાળજું બળે છે;
કેમ કે છોકરાં તથા ધાવણાં બાળકો
નગરના મહોલ્લાઓમાં
મૂર્ચ્છિત થાય છે.
12નગરના મહોલ્લાઓમાં ઘાયલ
થયેલાની જેમ
તેઓને મૂર્ચ્છા આવે છે,
અને ધાન્ય તથા દ્રાક્ષારસ ક્યાં છે
એવું પોતાની માતાઓને પૂછતાં
પૂછતાં તેઓ તેમની ગોદમાં
પ્રાણ છોડે છે.
13હે યરુશાલેમની દીકરી,
હું તને શો બોધ આપું?
હે સિયોનની કુંવારી દિકરી
હું તને કોની ઉપમા આપું?
હું તને દિલાસો દેવા માટે
તને શાની સાથે સરખાવું.?
કેમ કે તારું બાકોરું સમુદ્ર જેવડું છે!
તારું દુ:ખ કોણ ટાળી શકે?
14તારા પ્રબોધકોએ તારે માટે નિરર્થક
તથા ઘેલાં સંદર્શનો જોયાં છે;
અને તેઓએ તારો અન્યાય
ઉઘાડો કર્યો નહિ કે,
જેથી તારો બંદિવાસ
પાછો ફેરવાઈ ગયો હોત;
પણ તેઓએ તારે માટે અસત્ય વચનો
તથા દેશનિકાલ થાય.
એવાં સંદર્શનો જોયાં છે.
15જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ
તારી વિરુદ્ધ તાળી પાડે છે.
તેઓ ફિટકાર કરીને યરુશાલેમની
દીકરીની સામે માથાં હલાવીને કહે છે:
“જે નગરને લોક સુંદરતાની સંપૂર્ણતા,
આખી પૃથ્વીનું આનંદાસ્પદ
કહેતા હતા, તે શું આ છે?”
16તારા સર્વ શત્રુઓએ તારા પર
પોતાનું મુખ ઉઘાડીને પહોળું કર્યું છે.
તેઓ તિરસ્કાર કરીને તથા
દાંત પીસીને કહે છે,
“અમે તેને ગળી ગયા છીએ!
જે દિવસની વાટ અમે જોતા હતા
તે નક્કી આ જ છે!
આજે એ આવ્યો!
આપણે એ જોવા પામ્યા!”
17યહોવાએ જે નિર્ણય કર્યો હતો
તે તેમણે પાર પાડ્યો છે.
પોતાનું જે વચન
તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું
તે તેમણે પાર પાડ્યું છે.
દયા રાખ્યા વગર
તેમણે તને તોડી પાડ્યું છે.
અને તારો શત્રુ
તારા [હાલ જોઈને] હરખાય,
એવું તેમણે કર્યું છે.
પ્રભુએ તારા દુશ્મોનોનું
શિંગ ઊંચું ચઢાવ્યું છે.
18પ્રભુને હાંક માર,
હે સિયોનની દીકરીના કોટ,
રાતદિવસ આંસુઓ નદીની જેમ
વહેતાં જાય;
પોતને વિસામો ન દે;
તારી આંખની કીકીને જંપવા ન દે.
19તું ઊઠીને રાતના પહેલા પહોરે મોટેથી
[પ્રાર્થના કર].
પ્રભુની સમક્ષ તારું હ્રદય
પાણીની જેમ રેડ.
તારાં જે બાળકો સર્વ
મહોલ્લાઓનાં નાકાંમાં
ભૂખે મૂર્ચ્છિત થાય છે,
તેઓના જીવ [ના બચાવ] ને માટે
તારા હાથ પ્રભુની તરફ ઊંચા કર.
20હે યહોવા, જુઓ, ને વિચાર કરો કે,
તમે કોને આવું [દુ:ખ] દીધું છે!
શું સ્ત્રીઓ પોતાના પેટના ફળને
એટલે ખોળામાં રમાડેલાં
પોતાનાં ધાવણાં બાળકોને ખાય?
શું યાજક તથા પ્રબોધક પ્રભુના
પવિત્ર સ્થાનમાં માર્યા જાય?
21જુવાન તથા વૃદ્ધ મહોલ્લાઓમાં
ભૂમિ પર પડેલા છે.
મારી કન્યાઓને તથા
મારા જુવાનોને
તરવારથી કાપી
નાખવામાં આવ્યાં છે.
તમે તમારા કોપના સમયમાં
તેઓને મારી નાખ્યાં છે.
તમે દયા કર્યા વગર
તેમને કતલ કર્યા છે.
22જાણે કે પર્વના દિવસને માટે
તમે મારી આસપાસ [લડાઈની]
બીક ઊભી કરી છે.
ને યહોવાના કોપને દિવસે
કોઈ છૂટ્યો અથવા
બચી ગયો નથી.
જેઓને મેં ખોળામાં
રમાડ્યાં તથા ઉછેર્યાં,
તેઓને મારા શત્રુઓએ નષ્ટ કર્યાં છે.
Currently Selected:
યર્મિયાનો વિલાપ 2: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.