YouVersion Logo
Search Icon

યર્મિયાનો વિલાપ 1

1
યર્મિયાનો વિલાપ
1જે નગરી વસતિથી ભરચક હતી,
તે કેમ એકલવાઈ બેઠી છે!
તે કેમ વિધવા સરખી થઈ છે!
પ્રજાઓમાં જે મહાન તથા
નગરીઓમાં રાણી હતી,
તે કેમ ખંડણી આપનારી થઈ છે!
2તે રાત્રે બહુ રડે છે,
તેના ગાલો પર
આંસુની ધારા વહે છે.
તેના આશકોમાંથી
તેને દિલાસો આપનાર
કોઈ નથી.
તેના સર્વ મિત્રોએ
તેને દગો દીધો છે,
તેઓ તેના શત્રુ થયા છે!
3દુ:ખને લીધે તથા સખત દાસત્વને લીધે
યહૂદા બંદીવાસમાં ગયો છે;
તે પરદેશીઓમાં વસે છે,
તેને ચેન પડતું નથી;
તેની પાછળ પડનારા સર્વએ
તેને સંકડામણમાં લાવીને
પકડી પાડ્યો છે.
4સિયોનના માર્ગો શોક કરે છે,
કેમ કે નીમેલા પર્વમાં
કોઈ આવતું નથી!
તેના સર્વ દરવાજા ઉજ્‍જડ થયા છે,
તેના યાજકો નિસાસા મૂકે છે.
તેની કુમારિકાઓ ખિન્‍ન છે,
ને તે [નગરી] જાતે અતિ દુ:ખી છે.
5તેના શત્રુઓ અધિકારીઓ
થઈ બેઠા છે,
તેના વૈરીઓ મોજ ઉડાવે છે.
કેમ કે યહોવાએ તેના ઘણા
અપરાધોને લીધે તેને દુ:ખ દીધું છે;
તેનાં બાળકોને શત્રુ [હાંકીને]
બંદીવાસમાં લઈ ગયો છે.
6સિયોનની દીકરીનો
બધો વૈભવ જતો રહ્યો છે!
સરદારો ચારા વગરનાં
હરણો જેવા થયા છે,
ને તેની પાછળ પડનારાની આગળ
તેઓ બળહીન થઈને નાસી ગયા છે.
7યરુશાલેમ પોતાના [આ] દુ:ખ તથા
વિપત્તિના દિવસોમાં આગલા
સમયનાં પોતાનાં સર્વ વૈભવી
વાનાંઓનું સ્મરણ કરે છે;
જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા,
ને તેને સહાય કરનાર કોઈ નહોતું,
ત્યારે શત્રુઓએ તેને જોઈને,
ને તેની પાયમાલી જોઈને
હાંસી ઉડાવી.
8યરુશાલેમે મહા પાપ કર્યું છે;
તેથી તે ભ્રષ્ટ થઈ ગઈ છે;
જેઓ તેનો આદર કરતા હતા
તેઓ સર્વ તેને તુચ્છ ગણે છે,
કેમ કે તેઓએ તેની નગ્નતા જોઈ છે!
હા, તે મોં ફેરવીને
નિસાસા નાખે છે
9તેની ભ્રષ્ટતા તેનાં વસ્‍ત્રોમાં હતી;
તેણે પોતાની આખરની અવસ્થાનો
વિચાર કર્યો નહિ!
તેથી આશ્વર્યકારક રીતે
તેની અદ્યોગતિ થઈ છે.
તેને દિલાસો આપનાર કોઈ નથી.
હે યહોવા, મારા દુ:ખ પર દષ્ટિ કરો;
કેમ કે શત્રુ જયજયકાર કરે છે!
10શત્રુએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પર
પોતાનો હાથ નાખ્યો છે.
જેઓને તમારા મંદિરમાં આવવાની
તમે મના કરી હતી તે વિદેશીઓને
તમારા પવિત્રસ્થાનમાં પેસતા
તેણે જોયા છે.
11યહોવાન સર્વ લોકો નિસાસા નાખે છે,
તેઓ રોટલીને માટે ફાંફા મારે છે.
તેઓએ પોતાના પ્રાણ
બચાવવા માટે
અન્‍નને બદલે પોતાની કિંમતી
વસ્તુઓ આપી દીધી છે.
હે યહોવા, તમે નજર કરો, અને
જુઓ, મારો કેવો
તિરસ્કાર થાય છે.”
12રે પાસે થઈને સર્વ જનારા, શું આ
તમારી નજરમાં કંઈ નથી?
નજર કરીને જુઓ,
મારા પર જે દુ:ખ પડ્યું,
જે વડે યહોવાએ પોતાના ભારે કોપને
કારણે મને દુ:ખી કરી છે.
તેના જેવું બીજું કોઈ
દુ:ખ છે શું?
13ઉપરથી યહોવાએ મારાં હાડકાંમાં
અગ્નિ મોકલ્યો છે, ને
તે તેઓને નિર્ગત કરે છે.
યહોવાએ મારા પગને ફસાવવા
માટે જાળ પાથરી છે,
તેમણે મને પાછી ફેરવી છે.
તેમણે મને એકલવાયી તથા
આખો દિવસ નિર્બળ કરી છે.
14મારા અપરાધોની ઝૂંસરીને
તેમના હાથે જકડી લીધી છે.
તેઓ અમળાઈને મારી
ગરદન પર ચઢી બેઠા છે;
યહોવાએ મારું બળ ઓછું કર્યું છે.
જેઓની સામે હું ઊભી રહી શકતી નથી,
તેઓના હાથમાં પ્રભુએ
મને સોંપી છે.
15પ્રભુએ મારામાંના મારા સર્વ
શૂરવીરોને તુચ્છકાર્યા છે,
મારા જુવાનોને કચરી નાખવા માટે
યહોવાએ મારી વિરુદ્ધ
ઘાડાં બોલાવ્યાં છે.
પ્રભુએ દ્રાક્ષાકુંડમાં
યહૂદિયાની કુંવારી
દીકરીને ખૂંદી નાખી છે.
16આને લીધે હું રડું છું; મારી આંખમાંથી,
મારી આંખમાંથી પાણી વહ્યું જાય છે.
કેમ કે મને દિલાસો આપનાર તથા
મારો પ્રાણ બચાવનાર
મારાથી દૂર છે.
મારા પુત્રો નિરાધાર છે
કેમ કે શત્રુ ફાવી ગયો છે.
17સિયોન પોતાના હાથ લાંબા કરે છે,
પણ તેને દિલાસો આપનાર
કોઈ નથી.
યહોવાએ યાકૂબ વિષે
એવી આજ્ઞા આપી છે,
“તેની આસપાસ રહેનારા
[સર્વ] તેના શત્રુઓ થાય, ”
તેઓમાં યરુશાલેમ તિરસ્કારપાત્ર
વસ્તુ જેવી થઈ છે.
18યહોવા ન્યાયી છે,
કેમ કે મેં તેમની આજ્ઞાઓનું
ઉલ્લંઘન કર્યું છે.
હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો,
ને મારું દુ:ખ જુઓ!
મારી કુમારિકાઓ તથા
મારા જુવાનો
બંદીવાસમાં ગયાં છે.
19મેં મારા આશકોને બોલાવ્યા, પણ
તેઓએ મને દગો દીધો!
મારા યાજકો તથા મારા વડીલો
પોતાના પ્રાણ બચાવવા માટે
અન્‍નને માટે ફાંફાં મારતા હતા,
એટલામાં તેઓએ નગરમાં
પ્રાણ છોડ્યા.
20હે યહોવા, જુઓ; કેમ કે મને ખેદ થાય
છે; મારી આંતરડી કકળે છે!
મારા હ્રદયને ચેન પડતું નથી; કેમ કે
મેં ભારે બળવો કર્યો છે;
બહાર તરવાર નિ:સંતાન કરે છે,
ઘરમાં પણ મરણ જેવું છે.
21હું નિસાસા નાખું છું, એવું તેઓએ
સાંભળ્યું છે. મને દિલાસો
આપનાર કોઈ નથી.
મારા સર્વ શત્રુઓએ મારા
દુ:ખ વિષે સાંભળ્યું છે.
આ તમે જ કર્યું છે,
માટે તેઓ ખુશી થાય છે.
જે દિવસ તમે નિર્માણ કર્યો છે
તે તમે [તેમના પર] લાવો,
જેથી તેઓ મારા જેવા થાય!
22“તેઓની સર્વ દુષ્ટતા તમારી [નજર]
આગળ આવે;
અને મારા સર્વ અપરાધોને લીધે
તમે મારા જેવા હાલ કર્યા છે,
તેવા [હાલ] તેઓના કરો.
કેમ કે હું ઘણા નિસાસા નાખું છું,
ને મારું હ્રદય નિર્ગત થઈ ગયું છે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for યર્મિયાનો વિલાપ 1