YouVersion Logo
Search Icon

યહૂદાનો પત્ર 1

1
1ઈશ્વરપિતાને વહાલા તથા ઈસુ ખ્રિસ્તને માટે રાખી મૂકવામાં આવેલા અને તેડવામાં આવેલાઓ પ્રતિ લખનાર, ઈસુ ખ્રિસ્તનો સેવક, યાકૂબનો ભાઈ #માથ. ૧૩:૫૫; માર્ક ૬:૩. યહૂદા : 2તમારા પર દયા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ.
જૂઠા શિક્ષકો
3વહાલાઓ, હું આપણા સામાન્ય તારણ વિષે તમારા પર લખવાને ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ. 4કેમ કે જેઓને આ દંડાજ્ઞા માટે પ્રાચીનકાળથી નિર્માણ કરવામાં આવ્યા હતા, એવા કેટલાક માણસો ગુપ્ત રીતે અંદર આવ્યા છે. તેઓ અધર્મી છે, ને આપણા ઈશ્વરની કૃપાનો વિષયાસક્તિમાં દુરુપયોગ કરે છે, અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા સ્વામી તથા પ્રભુ છે તેમનો નકાર કરે છે.
5હવે તમે બધું જાણી ચૂકયા છો ખરા, તોપણ હું તમને યાદ દેવડાવવા ચાહું છું કે #નિ. ૧૨:૫૧. પ્રભુએ લોકોનો મિસર દેશમાંથી બચાવ કર્યા પછી #ગણ. ૧૪:૨૯-૩૦. અવિશ્વાસીઓનો નાશ કર્યો. 6વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. 7તેમ જ #ઉત. ૧૯:૧-૨૪. સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં છે.
8તોપણ એવી રીતે આ તરંગીઓ દેહને ભ્રષ્ટ કરે છે, [સ્વર્ગીય] અધિકારને તુચ્છ ગણે છે, અને [ઈશ્વરના દૂતોના] ગૌરવની નિંદા કરે છે. 9પણ #દા. ૧૦:૧૩,૨૧; ૧૨:૧; પ્રક. ૧૨:૭. મિખાએલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે #પુન. ૩૪:૬. મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું, #ઝખ. ૩:૨. “પ્રભુ તને ધમકાવો.” 10તોપણ તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે, અને બુધ્ધિહીન પશુઓની જેમ જેને તેઓ કુદરતી રીતે સમજે છે તેમાં તેઓ પોતાને ભ્રષ્ટ કરે છે. 11તેઓને અફસોસ! કેમ કે તેઓ #ઉત. ૪:૩-૮. કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે #ગણ. ૨૨:૧-૩૫. બલામની ભૂલમાં ઘસી ગયા, અને #ગણ. ૧૬:૧-૩૫. કોરાના બંડમાં નાશ પામ્યા. 12તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે. 13તેઓ પોતાની લાજનું ફીણ કાઢનારા, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ રાખી મૂકવામાં આવેલો છે.
14તેઓ વિષે પણ આદમથી સાતમા પુરુષ #ઉત. ૫:૧૮,૨૧-૨૪. હનોખે ભવિષ્યવચન કહ્યું છે, “જુઓ, 15સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે સર્વ અધર્મી કામો અધર્મીપણામાં કર્યા, અને અધર્મી કામો અધર્મીપણામાં કર્યા અને અધર્મી પાપીઓએ તેમની વિરુદ્ધ જે સર્વ કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સર્વને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારોહજાર સંતોસહિત આવ્યા.
16તેઓ કચકચ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા છે (તેઓ મોઢે ગર્વિષ્ઠ [વચનો] બોલે છે). તેઓ પોતાના સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.
ચેતવણીઓ અને શિખામણો
17પણ, વહાલાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોથી જે વચનો અગાઉ કહેવામાં આવ્યાં છે, તેઓને તમે સંભારો. 18તેઓએ તમને કહ્યું છે, “છેલ્લા સમયમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે.” 19એઓ પક્ષ ઊભા કરનારા, અને વિષયી છે; એઓમાં [પવિત્ર] આત્મા નથી. 20પણ વહાલાઓ તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને, 21અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની રાહ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.
22કેટલાક જેઓ [તમારી સાથે] વાદવિવાદ કરે છે તેઓને ઠપકો આપો. 23અને કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો, ને દેહથી ડાઘ લાગેલા વસ્‍ત્રનો તિરસ્કાર કરો.
આશીર્વચન
24હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે, 25એટલે આપણા તારનાર જે એકલા ઈશ્વર, તેમને ગૌરવ, મહત્વ, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં, તથા સર્વકાળ હોજો આમીન.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in