YouVersion Logo
Search Icon

હબાકુક 3

3
હબાકુકની પ્રાર્થના
1હબાકુક પ્રબોધકની પ્રાર્થના,
રાગ શિગ્યોનોથ.
2હે યહોવા તમારા વિષેનું બ્યાન
મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે;
હે યહોવા, આ [ચાલ્યાં જતાં] વર્ષોમાં
તમારા કામનું પુનર્જીવન કરો,
આ વર્ષોમાં તેને પ્રગટ કરો.
કોપમાં પણ દયા સંભારો.
3ઈશ્વર તેમાનથી [આવે છે] , પવિત્ર
[ઈશ્વર] પારાન પર્વતથી આવે છે. (સેલાહ)
તેમનો પ્રકાશ આકાશોમાં
વ્યાપી રહે છે, ને
પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.
4તેમનો પ્રકાશ સૂર્યના જેવો છે.
તેમની બાજુએથી કિરણો [ફૂટે] છે;
અને તેમનુમ સામર્થ્ય ગુપ્ત રહેલું છે.
5તેમની આગળ મરકી ચાલે છે, ને તેમના
પગ આગળથી અગ્નિબાણો છૂટે છે.
6તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે;
તે નજર કરીને પ્રજાઓને
વિખેરી નાખે છે.
અનાદિ પર્વતોના ટુકડેટુકડા
થઈ ગયા છે,
સનાતન ડુંગરો નમી ગયા છે.
તેમના માર્ગો સદાકાળના છે.
7મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં
[પડેલા] જોયા.
મિદ્યાન દેશના પડદા ધ્રૂજયા.
8શું યહોવા નદીઓ પર નારાજ થયા?
શું તમારો રોષ નદીઓ ઉપર છે કે,
તમારો કોપ સમુદ્ર ઉપર છે કે,
તેને લીધે તમે તમારા ઘોડાઓ પર,
તમારા વિજયી રથોમાં [બેસીને]
સવારી કરો છો?
9તમારું ધનુષ્ય છેક ઉઘાડું કરેલું છે.
સોગન ખાઈને કુળોને આપેલાં
વચન અચૂક છે. (સેલાહ)
તમે નદીઓથી પૃથ્વીના
વિભાગ કર્યા છે.
10પર્વતો તમને જોઈને ડરે છે. ત્યાં આગળ
થઈને પાણીની રેલ ચાલે છે.
ઊંડાણ પોતાનો અવાજ કાઢે છે,
ને પોતાના હાથ ઊંચા કરે છે.
11તમારાં છૂટતાં બાણોના પ્રકાશથી,
તમારા ચળકતા ભાલાના ઝળકાટથી,
સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં
થંભી ગયા છે.
12તમે રોષમાં દેશના આ છેડાથી પેલા
છેડા સુધી સવારી કરો છો,
તમે ક્રોધમાં પ્રજાઓને
ઝૂડી નાખો છો.
13તમારા લોકોના ઉદ્ધારને માટે,
તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે
તમે સવારી કરો છો.
દુષ્ટના ઘરમાંથી તમે શિરને
કાપી નાખો છો, ને
ગરદન સુધી તેના પાયા
ઊઘાડા કરી નાખો છો. (સેલાહ)
14તમે તેના પોતાના ભાલાઓથી તેના
લડવૈયાઓનું શિર વીંધી નાખો છો;
તેઓ મને વિખેરી નાખવા માટે
વંટોળિયાની જેમ આવ્યા.
તેઓ ગરીબોને ગુપ્ત રીતે ગળી
જવામાં આનંદ માને છે.
15તમે તમારા ઘોડાઓથી સમુદ્રને,
મહા જળનાં મોજાંઓને ખૂંદો છો.
16એ સાંભળીને મારા પેટમાં
ધ્રાસકો પડયો,
એ અવાજથી મારા હોઠ થથર્યા.
મારાં હાડકાંમાં સડો લાગ્યો,
ને મારી જગાએ હું કાંપ્યો.
જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને
તેઓ જથાબંધ આવી પડે,
ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.
17જો કે અંજીરીને મોર ન આવે,
ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે;
જૈતૂનની પેદાશ ન થાય,
ખેતરોમાં કંઈ અન્ન પાકે નહિ;
વાડામાંથી ઘેટાંબકરાં નાશ પામે,
ને કોડમાં કંઈ ઢોરઢાંક રહે નહિ:
18તોપણ હું યહોવામાં હર્ષ પામીશ,
હું મારા મોક્ષદાતા
ઈશ્વરમાં આનંદ કરીશ.
19પ્રભુ યહોવા મારું બળ છે,
# ૨ શમુ. ૨૨:૩૪; ગી.શા. ૧૮:૩૩. તે મારા પગને હરણના
[પગ] જેવા ચપળ કરે છે,
ને મને મારામ ઉચ્ચસ્થાનો પર ચલાવશે.
(મુખ્ય ગવૈયાને માટે, તારવાળાં વાજિંત્ર સાથે
[ગાવાને].)

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for હબાકુક 3