પુનર્નિયમ 29
29
1હોરેબમાં જે કરાર યહોવાએ ઇઝરાયલ લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવાની આ તેમણે મૂસાને આપી, તે આ પ્રમાણે છે:
2અને મૂસાએ સર્વ ઇઝરાયલને બોલાવીને તેઓને કહ્યું, “તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સર્વ સેવકોને તથા તેના આખા દેશને યહોવાએ જે કર્યું તે સર્વ તમે જોયું છે. 3એટલે તારી આંખોએ જોયેલાં મોટાં પરીક્ષણો, ચિહ્નો, તથા તે મોટા ચમત્કારો: 4પણ યહોવાએ તમને સમજૂક હ્રદય તથા જોતી આંખો તથા સાંભળતા કાન, આજ દિન સુધી આપ્યાં નથી. 5અને મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં દોર્યા છે. તમારાં અંગ પરનાં વસ્ત્રો જીર્ણ થઈ ગયાં નથી, ને તારા પગમાંનો જોડો જૂનો થઈ ગયો નથી. 6તમે રોટલી ખાધી નથી, તેમજ દ્રાક્ષારસ કે મધ પીધાં નથી. એ માટે કે હું યહોવા તમારો ઈશ્વર છું તે તમે જાણો. 7અને જ્યારે તમે આ ઠેકાણે આવ્યા ત્યારે #ગણ. ૨૧:૩૧-૩૫. હેશ્બોનનો રાજા સિહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડાઈ કરવા નીકળી આવ્યા, ને આપણે તેઓને માર્યા. 8અને #ગણ. ૩૨:૩૩. આપણે તેઓનો દેશ લઈ લઈને રુબેનીઓને તથા ગાદીઓને તથા મનાશ્શાના અર્ધાકુળને વતન તરીકે આપ્યો. 9તેથી તમે જે કરો છો તે સર્વમાં તમે સફળ થાઓ, માટે આ કરારના શબ્દો પાળો ને અમલમાં મૂકો.
10આજે યહોવા તમારા ઈશ્વરની આગળ તમે સર્વ ઊભા છો. તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો, તથા તમારા સરદારો, એટલે સર્વ ઇઝરાયલી માણસો, 11તમારાં બાળકો, તમારી સ્ત્રીઓ, તથા તારી છાવણીઓમાં [સાથે રહેનાર] પરદેશી, તારાં લાકડાં કાપનારથી માંઢીને તે પાણી ભરનાર સુધી, તમે સર્વ ઊભા છો. 12માટે યહોવા તારા ઈશ્વરનો કરાર, તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવા તારા ઈશ્વર આજે તારી આગળ કરે છે, તે [પાળવાનું] તું માથે લે; 13કે તે આજે પોતાની પ્રજા તરીકે તને સ્થાપે, અને જેમ તેમણે તને કહ્યું હતું, તથા જેમ તેમણે તારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમની આગળ, ઇસહાકની આગળ, તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેમ તે તારા ઈશ્વર થાય.
14અને હું આ કરાર એકલા તમારી જ સાથે કરતો નથી તથા આ પ્રતિજ્ઞા લેતો નથી; 15પરંતુ આજે આપણી સાથે યહોવા આપણા ઈશ્વરની આગળ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે અહીં આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ.
16(કેમ કે આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા, ને જે દેશજાતિઓમાં થઈને તમે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે આવ્યા એ તમે જાણો છો. 17અને તમે તેઓનાં અમંગળ કર્મોને, ને તેઓની લાકડાની તથા પથ્થરની, અને રૂપાની તથા સોનાની જે મૂર્તિઓ તેઓની પાસે હતી, તે જોયાં છે: ) 18[એ કરાર તથા પ્રતિજ્ઞા હું કરું છું] રખેને તમારામાં કોઈ પુરુષ કે સ્ત્રી કે કુટુંબ કે કુળ એવું હોય કે, જેનું મન આજે યહોવા તમારા ઈશ્વર તરફથી ફરી જઈને એ દેશજાતિઓના દેવોની સેવા કરવા લલચાય. રખેને #હિબ. ૧૨:૧૫. પિત્ત તથા કડવાશરૂપી જડ તમારામાં હોય. 19અને રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે, તે પોતાના મનમાં પોતાને મુબારકબાદી આપીને કહે, ‘હું મારા હ્રદયની હઠીલાઈ પ્રમાણે ચાલું, ને સુકાની સાથે લીલાનો નાશ કરું તોપણ મને શાંતિ થશે.’ 20યહોવા તેને માફ નહિ કરે, પણ યહોવાનો કોપ તથા તેમનો જુસ્સો તે માણસ પર તપી ઊઠશે, અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે, ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે. 21અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારના સર્વ શાપો પ્રમાણે યહોવા તેને ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી અલગ કરીને તેને હાનિ કરશે.
22અને તમારી પાછળ થનાર છોકરાંની આવતી પેઢી, તથા દૂર દેશથી આવનાર પરદેશી આ દેશની મરકીઓ તથા યહોવાએ તેને લાગુ પાડેલા રોગ જોશે. 23વળી #ઉત. ૧૯:૨૪-૨૫. સદોમ તથા ગમોરા અને આદમા તથા સબોઇમ, જેઓનો સંહાર યહોવાએ પોતાના રોષથી તથા પોતાના કોપથી કર્યો, તેમના નાશની જેમ આખો દેશ ગંધક તથા ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમજ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી [તે જ્યારે જોશે] , 24ત્યારે સર્વ દેશજાતિઓ પૂછશે કે યહોવાએ આ દેશ પર આમ કેમ કર્યું હશે? [તેમના] આ મહા કોપની ઉગ્રતાનું શું કારણ છે? 25ત્યારે લોકો કહેશે, ‘એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ત્યારે જે કરાર તેમણે તેઓની સાથે કર્યો હતો, તેનો તેઓએ ત્યાગ કર્યો. 26અને બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેમણે તેઓને આપ્યા નહોતા તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું. 27માટે આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ આ દેશ પર લાવવાને યહોવાનો કોપ તે પર સળગ્યો હતો. 28અને યહોવાએ પોતાના કોપમાં તથા ક્રોધમાં તથા ઘણા રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડી નાખ્યા, ને બીજા દેશમાં કાઢી મૂક્યા, જેમ આજે છે તેમ.’ 29મર્મો યહોવા આપણા ઈશ્વરના છે. પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે કે, આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.
પશ્ચાતાપ દ્વારા પુન:સ્થાપના અને
આશીર્વાદ
Currently Selected:
પુનર્નિયમ 29: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.