YouVersion Logo
Search Icon

પુનર્નિયમ 28

28
આજ્ઞાંક્તિપણાના આશીર્વાદ
(લે. ૨૬:૩-૧૩; પુન. ૭:૧૨-૨૪)
1અને #પુન. ૧૧:૧૩-૧૭. જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે. 2અને જો તું યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળશે, તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે:
3નગરમાં તું આશીર્વાદિત થશે, ને ખેતરમાં તું આશીર્વાદિત થશે.
4તારા પેટનું ફળ, તથા તારી ભૂમિનું ફળ, તથા તારાં ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારાં ઘેટંબકરાંનાં બચ્ચાં, આશીર્વાદિત થશે.
5તારી ટોપલી તથા તારો થાળ આશીર્વાદિત થશે.
6તું અંદર આવતાં તેમજ બહાર જતાં આશીર્વાદિત થશે.
7તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી સાત માર્ગે નાસી જશે.
8યહોવા તારી વખારોમાં ને જેમાં તું તારો હાથ નાખે છે તે સર્વમાં તને આશીર્વાદ આપશે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તે તને આશીર્વાદ આપશે.
9જો તું યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશે, તો, જેમ યહોવાએ તારી આગળ પ્રતિજ્ઞા કરી છે તેમ, તે તને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે. 10અને પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાના નામ પરથી તારું નામ પડેલું છે. અને તેઓ તારાથી બીશે. 11અને જે દેશ તને આપવાને યહોવાએ તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી, તેમાં તારા પેટના ફળ વિષે, તથા તારાં ઢોરના [પેટના] ફળ વિષે, તથા તારી ભૂમિના ફળ વિષે યહોવા તને ઘણો જ આબાદ કરશે. 12તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે, અને તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપવા માટે, યહોવા તારે માટે પોતાનો અખૂટ ભંડાર, એટલે આકાશ ઉઘાડશે. અને તું ઘણી દેશજાતિઓને ઉછીનું આપશે, પણ તું ઉછીનું લેશે નહિ. 13અને યહોવા તને [સર્વનું] શિર બનાવશે, પણ પુચ્છ નહિ. અને તું ઉપર જ રહેશે, ને નીચે રહેશે નહિ; જો યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું ધ્યાન આપીને પાળે તથા અમલમાં લાવે, 14અને જે વચનો આજે હું તને ફરમાવું છું તેઓમાંના કોઈથી જો તું જમણે કે ડાબે ફરી જઈને અન્ય દેવાની સેવા કરવા તેઓની પાછળ નહિ જાય, તો [એમ થશે].
અના કિતપણાનાં પરિણામ
(લે. ૨૬:૧૪-૪૬)
15પણ જો યહોવા તારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું, તેઓને તું પાળીને અમલમાં નહિ મૂકે, તો એમ થશે કે, આ સર્વ શાપ તારા પર આવીને તને પકડી પાડશે:
16તું નગરમાં શાપિત થશે, ને તું ખેતરમાં શાપિત થશે.
17તારી ટોપલી તથા તારો થાળ શાપિત થશે.
18તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ, તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટાંબકરાંનાં બચ્ચાં શાપિત થશે.
19તું અંદર આવતાં તેમજ બહાર જતાં શાપિત થશે.
20અને જે કોઈ કામમાં તું હાથ નાખશે, તેમાં યહોવા તારા પર શાપ તથા હાર તથા ધમકી મોકલશે, એટલે સુધી કે જે ભૂંડાં કામ કરીને તેં મારો ત્યાગ કર્યો છે તેથી તારો સંહાર થાય, ને તું જલ્દી નાશ પામે.
21જે દેશમાં તું તેનું વતન પામવા માટે જાય છે તેમાંથી યહોવા તારો પૂરો નાશ નહિ કરે, ત્યાં સુધી તે તારા પર મરકી લાવ્યા કરશે. 22ક્ષય રોગથી તથા તાવથી તથા સોજાથી તથા ઉષ્ણ તાપથી તથા તરવારથી તથા લૂથી તથા ફૂગથી યહોવા તને મારશે. અને તારો નાશ થતાં સુધી તેઓ તારી પાછળ લાગશે. 23અને તારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે, ને તારા પગ નીચેની જે ભૂમિ તે લોઢા જેવી થઈ જશે. 24તારા દેશ પર વરસાદને બદલે યહોવા ભૂકો તથા ધૂળ વરસાવશે. તું નાશ પામે ત્યાં સુધી આકાશથી તે તારા પર વરસ્યા કરશે.
25યહોવા તારા શત્રુઓની સામે તને માર ખવડાવશે. તું એક માર્ગે તેઓની સામે ધસી જઈશ. ને સાત માર્ગે તેઓની સામેથી નાસી જઈશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં તું અહીંથી તહીં નાસાનાસ કરશે. 26અને તારી લાસ સર્વ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીનાં સર્વ પશુઓનો ખોરાક થશે, ને તેઓને હાંકી મૂકનાર કોઈ નહિ હોય. 27મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવા તને મારશે. અને તેમાંથી તું સાજો થઈ શકશે નહિ. 28ગાંડપણથી તથા અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવા તને મારશે. 29અને જેમ આંધળો અંધારામાં ફાંફાં મારે છે, તેમ તું ખરે બપોરે ફાંફાં મારશે, ને તારા માર્ગમાં તું સફળ નહિ થાય. અને તું માત્ર જુલમ તથા લૂટને સ્વાધીન થશે, ને તને બચાવનાર કોઈ નહિ હોય.
30તું જે સ્‍ત્રીની સાથે સગાઈ કરશે તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તું ઘર બાંધશે પણ તેમાં તું રહેવા નહિ પામે. તું દ્રાક્ષાવાડી રોપશે, પણ તેનું ફળ તારા કામમાં આવશે નહિ. 31તારી નજર આગળ તારો બળદ કાપી નંખાશે, પણ તેનું [માંસ] તું ખાવા પામશે નહિ. તારા જોતાં તારો ગધેડો બળજબરીથી લઈ જવામાં આવશે, ને તે તને પાછો મળશે નહિ. તારું ઘેટું તારા શત્રુઓને આપવામાં આવશે, ને તને મદદ કરનાર કોઈ નહિ હોય. 32તારા દીકરા ને તારી દીકરીઓ બીજા લોકોને અપાશે, ને તારી આંખો તે જોશે, ને તેઓને માટે આખો દિવસ ઝૂરી ઝૂરીને તારી આંખો ઝાંખી થઈ જશે. અને તું કશું કરી શકશે નહિ. 33જે દેશજાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે. અને તું સર્વદા ફક્ત જુલમો વેઠ્યા કરશે તથા કચરી નંખાશે: 34અને તારી આંખો જે દેખાવ જોશે તેને લીધે તું ગાંડો થઈ જશે. 35તારા પગના તળિયાથી તે માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાંથી યહોવા તને ઘુંટણોમાં તથા પગોમાં મારશે.
36જે દેશજાતિને તું તેમજ તાર પિતૃઓ ઓળખતા નથી, તેની પાસે યહોવા તને તથા જે રાજા તું તારા પર ઠરાવે તેને લાવશે. અને ત્યાં તું લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની સેવા કરશે. 37અને જે સર્વ પ્રજાઓમાં યહોવા તને લઈ જશે તેઓ મધ્યે તું આશ્રર્યરૂપ તથા મજાકરૂપ તથા મશ્કરીરૂપ થઈ પડશે.
38તું ખેતરમાં ઘણું બી લઈ જશે, પણ થોડી ફસલ ઘેર લાવશે; કેમ કે તીડ તે ખાઈ જશે. 39તું દ્રાક્ષાવાડીઓને રોપશે ને તેને કેળવશે, પણ તું તેમનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ, અથવા [દ્રાક્ષો] વીણવા નહિ પામે; કેમ કે કાતરા તે ખાઈ જશે. 40તારી સર્વ સીમોમાં તારાં જૈતવૃક્ષ હશે પણ તું તેનું તેલ પોતાને શરીરે ચોળવા નહિ પામે; કેમ કે તારાં જૈતવૃક્ષ [નું ફળ] ખરી પડશે. 41તારે દીકરાદીકરીઓ થશે, પણ તેઓ તારાં નહિ થાય; કેમ કે તેઓ બીજાઓનાં ગુલામ થઈ જશે. 42તારાં સર્વ ઝાડ ને તારી જમીનનું ફળ તીડોનો [ભક્ષ] થઈ પડશે.
43તારી મધ્યેનો પરદેશી તારા કરતાં વધારે ને વધારે ચઢિયાતો થતો જશે. પણ તું તો વધારે ને વધારે નીચો થતો જશે. 44તે તને ધીરશે, પણ તું તેને ધીરશે નહિ. તે શિર થશે, ને તું પુચ્છ થઈ જશે.
45અને તારો નાશ થતાં સુધી આ સર્વ શાપ તારા પર આવશે, ને તારી પાછળ લાગીને તને પકડી પાડશે. કેમ કે તેં યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળી નહિ, ને તેની જે આજ્ઞાઓ તથા વિધિઓ, તેમણે તને ફરમાવ્યાં તે તેં પાળ્યા નહિ. 46અને તેઓ તારા પર તથા તારા વંશજો પર સદા ચિહ્નરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે. 47કેમ કે સર્વ વસ્તુઓની પુષ્કળતાને કારણે તેં આનંદથી તથા હ્રદયના ઉલ્લાસથી યહોવા તારા ઈશ્વરની સેવા કરી નહિ. 48માટે ભૂખમાં તથા તરસમાં તથા નગ્નતામાં તથા સંપૂર્ણ દરિદ્રતામાં તું તારા શત્રુ કે, જેઓને યહોવા તારી વિરુદ્ધ મોકલશે, તેઓની સેવા કરશે. અને તારો નાશ કરતાં સુધી તે તારા ખભા પર લોઢાની ઝૂંસરી મૂકશે. 49દૂરથી એટલે પૃથ્વીને છેડેથી, એક દેશજાતિ કે જેની ભાષા તું સમજશે નહિ તેને ઊડતા ગરુડની જેમ યહોવા તારી વિરુદ્ધ લાવશે. 50તેઓ ઘરડાઓને ન ગણકારે ને તારા જુવાનો પર દયા ન રાખે એવી વિકરાળ ચહેરાવાળી દેશજાતિ [હશે]. 51અને તે તારાં ઢોરઢાંકનું ફળ તથા તારી ભૂમિનું ફળ ખાઈને તારું સત્યાનાશ વાળશે. વળી તારો વિનાશ કરતાં સુધી તે તારી પાસે ધાન્ય, દ્રાક્ષારસ, અથવા તેલ, તારાં ગોપશુઓનો વિસ્તાર, કે તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાં રહેવા નહિ દે. 52અને તારા આખા દેશમાંના તારા જે ઊંચા ને કિલ્લાવાળા કોટ પર તું ભરોસો રાખતો હતો, તેઓના પડી જતાં સુધી ને તારા સર્વ નગરોમાં તારી આસપાસ ઘેરો નાખશે. અને તારો આખો દેશ, જે યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેમાં તારાં સર્વ નગરોમાં તે તારી આસપાસ ઘેરો નાખશે.
53અને જે ઘેરાથી તથા સંકળામણથી તારા શત્રુઓ તને સંકડાવશે, તેને લીધે તું પોતાના જ પેટનું ફળ, એટલે તારા દીકરા તથા દીકરીઓ જેઓને યહોવા તારા ઈશ્વરે તને આપ્યાં છે, તેઓનું માંસ ખાશે. 54તમારામાંનો જે કોઈ કોમળ તથા બહુ નાજુક પરુષ હશે તેની આંખ પોતાના ભાઈ પ્રત્યે, ને પોતાની પ્રાણપ્રિય પત્ની પ્રત્યે, ને પોતાનાં બાકી રહેલાં છોકરાં પ્રત્યે ભૂંડી થશે. 55એવી કે પોતાનાં છોકરાંને તે ખાતો હશે તેમનું માંસ તેઓમાંના કોઈને તે નહિ આપે. કેમ કે જે ઘેરાથી તથા સંકડામણથી તારાં સર્વ નગરોમાં તારા શત્રુઓ તને સંકડાવશે, તેને લીધે તેની પાસે પોતાને માટે કંઈ રહ્યું નહિ હોય. 56તમારામાંથી જે કોમળ તથા નાજુક સ્‍ત્રી તેની કોમળતાને તથા નાજુકપણાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાની હિમ્મત ચલાવી શક્તી નહિ હોય, તેની આંખ પોતાના દિલોજાન પતિ પ્રત્યે તથા પોતાની દીકરી પ્રત્યે, 57તથા પોતે જન્મ આપેલા નાના બાળક પ્રત્યે તથા પોતે જન્મ આપવાની હોય તે છોકરાં પ્રત્યે ભૂંડી થશે; કેમ કે જે ઘેરાથી તથા સંકડામણથી તારા શત્રુઓ તારાં નગરોમાં તને સંકડાવશે, તેમાં સર્વ વસ્તુની અછતને #૨ રા. ૬:૨૮-૨૯; ય.વિ. ૪:૧૦. લીધે તે તેઓને છાનીમાની ખાઈ જશે.
58યહોવા તારા ઈશ્વર એ ગૌરવી તથા ભયજનક નામથી તું બીહે, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તું પાળીને અમલમાં નહિ મૂકે, 59તો યહોવા તારા પર તથા તારા વંશજો પર મરકીઓ, આશ્ચર્યકારક મરકીઓ, એટલે ભારે તથા લાંબા વખતની મરકીઓ, તથા ભારે અને હમેશના રોગ લાવશે. 60અને મિસરના જે સર્વ રોગથી તું ડરતો હતો, તે તે તારા પર ફરીથી લાવશે. અને તે તને વળગી રહેશે. 61વળી જે રોગ તથા જે મરકી આ નિયમના પુસ્તકમાં લખેલાં નથી, તેઓને યહોવા તારો નાશ થાય ત્યાં સુધી તારા પર લાવ્યા કરશે. 62અને તમે સંખ્યામાં આકાશના તારા જેટલા હતા તેને ઠેકાણે તમે થોડા જ થઈ જશો; કેમ કે તેં યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળી નહિ. 63અને એમ થશે કે જેમ યહોવા તમારું ભલું કરવામાં ને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તેમ યહોવા તમારો નાશ કરવામાં તથા તમારો સંહાર કરવામાં આનંદ પામશે. અને જે દેશમાં વતન પામવા તું જાય છે તેમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે. 64અને યહોવા તને પૃથ્વીના છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી સર્વ લોકોમાં વિખેરી નાખશે. અને ત્યાં પથ્થર તથા લાકડાના અન્ય દેવો, કે જેઓને તું કે તારા પિતૃઓ જાણતા નથી. તેઓની સેવા તું કરશે. 65અને એ દેશજાતિઓમાં તને કંઈ ચેન નહિ પડે, ને તારા પગના તળિયાને કંઈ આરામ નહિ મળે; પણ યહોવા ત્યાં તને કંપિત હ્રદય તથા ધૂંધળી આંખો તથા ઝૂરતું મન આપશે. 66અને તારો જીવ ભયમાં જ રહેશે. અને તું રાત દિવસ ગભરાટમાં રહેશે, ને તારા જીવનો તને કંઈ ભરોસો નહિ રહે. 67તારા મનમાં જે બીક લાગશે તેને લીધે, ને તારી આંખોથી જે દેખાવ તું જોશે તેને લીધે, સવારમાં તું કહેશે, ‘ઈશ્વર કરે ને [ક્યારે] સાંજ પડે!’ અને સાંજે તું કહેશે, ‘ઈશ્વર કરે ને [ક્યારે] સવાર થાય!’
68અને જે માર્ગ વિષે મેં તને કહ્યું હતું કે, તું તે માર્ગ ફરી કદી જોશે નહિ, તે માર્ગ વહાણોમાં યહોવા તને ફરીથી મિસરમાં લાવશે. અને ત્યાં તમે દાસો તથા દાસીઓ થવા માટે તમારા શત્રુઓને ત્યાં વેચાઈ જવા માગશો, પણ તમને કોઈ ખરીદશે નહિ.
પ્રભુએ ઇઝરાયલ સાથે ફરી કરાર કર્યો

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in