પુનર્નિયમ 30
30
1અને એમ થશે કે, જ્યારે આ સર્વ વાતો, એટલે જે આશીર્વાદ તથા શાપ મેં તારી આગળ મૂક્યા છે, તે તારા પર આવશે, ને જે સર્વ દેશોમાં યહોવા તારા ઈશ્વરે તને હાંકી કાઢ્યો હશે તેઓમાં તું તે [વાતોને] સંભારીને, 2યહોવા તારા ઈશ્વરની પાસે પાછો આવશે, ને સર્વ આજ્ઞાઓ હું આજે તને આપું છું, તે પ્રમાણે તું તથા તારાં છોકરાં તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી તેમની વાણી સાંભળશો, 3ત્યારે યહોવા તારા ઈશ્વર તારી ગુલામી ફેરવી નાખશે, ને તારા પર દયા કરશે, ને પાછા આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તને એકત્ર કરશે. 4જો તમારામાં દેશ બહાર કરાયેલામાં [નો કોઈ] આકાશના છેડા સુધી હશે, તો ત્યાંથી પણ યહોવા તારા ઈશ્વર તને એકત્ર કરીને તને ત્યાંથી લાવશે.
5અને જે દેશના માલિક તારા પિતૃઓ હતા તેમાં યહોવા તારા ઈશ્વર તને લાવશે, ને તું તેનો માલિક થશે; અને તે તારું ભલું કરશે, ને તાર પિતૃઓ કરતાં તને વધારશે. 6અને તારા હ્રદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે, ને એમ તું જીવતો રહે. 7અને યહોવા તારા ઈશ્વર આ સર્વ શાપ તારા જે શત્રુઓએ તથા તારા જે દ્વેષીઓએ તને સતાવ્યો, તેઓના પર લાવશે. 8અને તું પાછો આવીને યહોવાની વાણી સાંભળશે, ને તેમની જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે પાળશે. 9અને તારા હાથનાં સર્વ કામમાં, તારા પેટના ફળમાં, ને તારાં પશુઓના ફળમાં, ને તારી ભૂમિના ફળમાં યહોવા તારા ઈશ્વર તને હિતાર્થે પુષ્કળતા આપશે; કેમ કે જેમ યહોવા તારા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તે ફરી તારા પર તારા ભલાને માટ પ્રસન્ન થશે. 10એટલે યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળીને તેની જે આજ્ઞાઓ તથા તેના જે વિધિઓ આ નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખેલાં છે તે તું પાળશે, ને તું તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી યહોવા તારા ઈશ્વરની તરફ ફરશે તો [એમ થશે].
11કેમ કે આ જે આ હું આજે તને ફરમાવું છું, તે તારી શક્તિ બહારની નથી, ને તારાથી છેક દૂરની પણ નથી. 12#રોમ. ૧૦:૬-૮. તે આકાશમાં નથી કે જેથી તું કહે, ‘કોણ અમારે માટે આકાશમાં જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે, કે અમે તે પાળીએ?’ 13વળી તે સમુદ્રને પેલે પાર નથી કે જેથી તું કહે, ‘કોણ અમારે માટે સમુદ્રને પાર જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે, કે અમે તે પાળીએ?’ 14પણ તે વચન તો તારી પાસે જ, એટલે તારા મુખમાં તથા તારા હ્રદયમાં છે કે, જેથી તું તે પાળે.
ઇઝરાયલ આગળ બે પસંદગીઓ
15જો, મેં આજે તારી આગળ જીવન તથા ભલું, ને મરણ તથા ભૂંડું મૂક્યાં છે. 16તે એ કે આજે હું તને યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની, ને તેમની આજ્ઞાઓ તથા તેમના વિધિઓ તથા તેમના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું કે તું જીવતો રહે ને તારી વૃદ્ધિ થાય. અને જે દેશનું વતન પામવા તું જાય છે, તેમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે. 17પણ જો તારું હ્રદય ભટકી જાય, ને તું નહિ સાંભળે ને અવળે [માર્ગે] આકર્ષાઈને અન્ય દેવોનું ભજન તથા તેઓની સેવા કરે, 18તો હું આજે તમને જાહેર કરું છું, કે તમે જરૂર મરશો. જે દેશનું વતન પામવાને તું યર્દન ઊતરીને જાય છે, તેમાં તમે ઘણા દિવસ નહિ કાઢશો. 19હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું, કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતા રહે: 20યહોવા તારાં ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું, ને તેમને વળગી રહેવાનું [પસંદ કર] ; કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ માટે કે જે દેશ તારા પિતૃઓને, એટલે #ઉત. ૧૨:૭. ઇબ્રાહિમને, #ઉત. ૨૬:૩. ઇસહાકને તથા #ઉત. ૨૮:૧૩. યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં તું વાસો કરે.”
મૂસાનો અનુગામી યહોશુઆ
Currently Selected:
પુનર્નિયમ 30: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.