પ્રેરિતોનાં કૃત્યો 22
22
1“ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છું તે સાંભળો.” 2તેઓ તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને વધારે છાના રહ્યા; તેણે કહ્યું.
3“હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું. પણ આ શહેરમાં #પ્રે.કૃ. ૫:૩૪-૩૯. ગમાલીએલના ચરણમાં ઊછરેલો, અને આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો, અને આજે તમે સર્વ જેવા ઈશ્વરના સંબંધમાં ચુસ્ત છો તેવો જ હું પણ હતો. 4વળી #પ્રે.કૃ. ૮:૩; ૨૬:૯-૧૧. હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને તથા બંદીખાનામાં નાખીને મરણ [પામતાં] સુધી સતાવતો હતો. 5[એ વિષે] પ્રમુખ યાજક તથા આખો વડીલવર્ગ મારા સાક્ષી છે. વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્રો લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતાં તેઓને પણ બાંધીને હું શિક્ષા કરવા માટે યરુશાલેમ લાવું.
પોતાના બદલાણ વિષે પાઉલની સાક્ષી
(પ્રે.કૃ. ૯:૧-૧૯; ૨૬:૧૨-૧૮)
6ચાલતાં ચાલતાં હું દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશમાંથી એકાએક મોટો પ્રકાશ ઝબૂકયો. 7ત્યારે હું જમીન પર પડી ગયો, અને મને સંબોધીને કહેતી હોય એવી એક વાણી મેં સાંભળી, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?” 8ત્યારે મેં ઉત્તર આપ્યો, ‘પ્રભુ, તમે કોણ છો?’ તેમણે મને કહ્યું કે, ‘હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે તે.’ 9મારી સાથે જેઓ હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓના સાંભળવામાં આવી નહિ. 10ત્યારે મેં પૂછ્યું, ‘પ્રભુ, હું શું કરું?’ પ્રભુએ મને કહ્યું, ‘ઊઠીને દમસ્કસમાં જા; અને જે તારે કરવાનું નિર્માણ થયું છે તે બધા વિષે ત્યાં તને કહેવામાં આવશે’ 11તે પ્રકાશના તેજને લીધે હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં ગયો.
12નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલનારો અનાન્યા નામે એક ઈશ્વરભક્ત હતો, ત્યાંના રહેનારા સર્વ યહૂદીઓ તેને વિષે સારું બોલતા હતા. 13તે મારી પાસે આવ્યો, અને મારે પડખે ઊભા રહીને તેણે મને કહ્યું, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા’ તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો. 14પછી તેણે મને કહ્યું, ‘તું તેમની ઇચ્છા જાણે, અને તે ન્યાયીને જુએ, અને તેમના મોંની વાણી સાંભળે, માટે આપણા પૂર્વજોના ઈશ્વરે તને પસંદ કર્યો છે. 15કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે. 16હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ, અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, અને તારાં પાપ ધોઈ નાખ.’
વિદેશીઓમાં સુવાર્તાપ્રચાર માટે પાઉલના તેડા વિષે
17પછી હું યરુશાલેમ પાછો આવ્યો અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો, એવામાં હું મૂર્છાગત થઈ ગયો, 18અને [પ્રભુએ] મને દર્શન દઈને કહ્યું, ‘ઉતાવળ કરીને યરુશાલેમમાંથી જલ્દી નીકળી જા, કેમ કે મારા વિષેની તારી સાક્ષી તેઓ માનશે નહિ.’ 19ત્યારે મેં કહ્યું, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તમારા પર વિશ્વાસ કરનારાઓને હું બંદીખાનામાં નાખતો હતો, અને દરેક સભાસ્થાનમાં તેઓને મારતો હતો. 20અને #પ્રે.કૃ. ૭:૫૮. તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, અને હું તેને મારી નાખનારાઓનાં વસ્ત્ર સાચવતો હતો.’ 21ત્યારે તેમણે મને કહ્યું, ‘તું ચાલ્યો જા; કેમ કે હું તને અહીંથી દૂર વિદેશીઓની પાસે મોકલી દઈશ.’”
22તેઓએ આટલે સુધી તેની વાત સાંભળી; પછી તેઓએ બૂમ પાડીને કહ્યું, “એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવાને લાયક નથી.” 23તેઓ બૂમ પાડતા તથા પોતાના ઝભ્ભા નાખી દેતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા. 24ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, અને તેઓએ શા કારણથી તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા માટે તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું. 25તેઓએ તેને વાધરીઓથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું, “જે માણસ રોમન છે અને જેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા એ શું કાયદેસર છે?”
26સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું, “તમે શું કરવા ધારો છો? એ માણસ તો રોમન છે.” 27ત્યારે સરદારે આવીને તેને કહ્યું, “મને કહે, શું તું રોમન છે?” તેણે કહ્યું, “હા”. 28ત્યારે સરદારે ઉત્તર આપ્યો, “મેં મોટી રકમ આપીને આ નાગરિકતાનો હક ખરીદ્યો છે.” પણ પાઉલે કહ્યું, “હું તો જન્મથી [નાગરિક] છું.”
29ત્યારે જેઓ તેની તપાસ કરવાની તૈયારીમાં હતા, તેઓ તરત તેને મૂકીને જતા રહ્યા, અને તે રોમન છે એ જાણ્યાથી, તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ બીધો.
ન્યાયસભા સમક્ષ પાઉલ
30પણ યહૂદીઓ તેના પર તહોમત મૂકે છે એનું ખરું કારણ જાણવાના ઇરાદાથી તેણે બીજે દિવસે પાઉલનાં બંધનો છોડ્યાં, અને મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી. પછી તેણે પાઉલને લાવીને તેને તેઓની આગળ રજૂ કર્યો.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 22: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.