YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 10

10
પિતર અને કર્નેલ્યસ
1હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ‘ઇટાલિયન’ નામે ઓળખાતી પલટણનો સેનાપતિ હતો. 2તે ધાર્મિક હતો, અને તે તથા તેના ઘરનાં સર્વ માણસો પણ ઈશ્વરનું ભય રાખતાં; લોકોને તે ઘણાં દાન આપતો, અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. 3તેણે એક દિવસ બપોરે આશરે ત્રણ વાગે દર્શનમાં ઈશ્વરના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને, “ઓ કર્નેલ્યસ, ” એમ કહેતો પ્રત્યક્ષ જોયો.
4ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું, પ્રભુ, શું છે?” પ્રભુએ તેને કહ્યું, તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યાં છે. 5હવે તું જોપ્પામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ. 6સિમોન ચમારને ત્યાં તે ઊતર્યો છે, તેનું ઘર સમુદ્રકાંઠે છે.” 7જે દૂતે તેની સાથે વાત કરી હતી, તેના ગયા પછી તેણે પોતાના ઘરના ચાકરોમાંના બેને, તથા જેઓ સતત તેની તહેનાતમાં રહેતા હતા તેઓમાંના એક ધાર્મિક સિપાઈને બોલાવ્યા. 8તેણે તેઓને બધી વાત કહી સંભળાવીને તેઓને જોપ્પા મોકલ્યા.
9હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે આવી પહોંચ્યાં, તેવામાં આશરે બપોરને સમયે પિતર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ચઢ્યો. 10તે ભૂખ્યો થયો, અને તેને ખાવાની ઇચ્છા થઈ; પણ તેઓ તૈયાર કરતા હતા એટલામાં તે મૂર્છાંગત થયો. 11અને આકાશ ખુલ્લું થયેલું તથા એક વાસણ મોટી ચાદરના જેવું તેના ચાર ખૂણાથી લટકાવેલું ધરતી પર ઊતરી આવતું તેણે જોયું. 12તેમાં પૃથ્વી પરનાં બધી જાતનાં ચોપગાં તથા પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ હતાં. 13[ત્યારે] એવી વાણી [તેના સાંભળવામાં] આવી કે, “પિતર, ઊઠ; મારીને ખા.”
14પણ પિતરે કહ્યું, “પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.”
15ત્યારે બીજી વાર [તેના સાંભળવામાં] એવી વાણી આવી, “ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.” 16એમ ત્રણ વાર થયું. પછી તરત તે વાસણ આકાશમાં ઉપાડી લેવામાં આવ્યું.
17હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે, એ વિષે પિતર બહુ ગૂંચવાતો હતો એવામાં, જુઓ, કર્નેલ્યસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતા પૂછતા બારણા આગળ આવીને ઊભા રહ્યા. 18તેઓએ હાંક મારીને પૂછયું, “સિમોન, જેનું બીજું નામ પિતર છે, તે શું અહીં ઊતર્યો છે?”
19હવે પિતર તે દર્શન વિષે વિચાર કરતો હતો ત્યારે [પવિત્ર] આત્માએ તેને કહ્યું “જો, ત્રણ માણસો તને શોધે છે. 20માટે તું ઊઠ, અને નીચે ઊતરીને કંઈ સંદેહ રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે.” 21ત્યારે પિતર ઊતરીને તે માણસોની પાસે ગયો, અને કહ્યું “જુઓ, જે માણસને તમે શોધો છો તે હું છું તમે શા માટે આવ્યા છો?”
22ત્યારે તેઓએ કહ્યું, “કર્નેલ્યસ નામે એક સેનાપતિ છે, તે ન્યાયી તથા ઈશ્વરનું ભય રાખનાર માણસ છે, અને તેમને વિષે આખી યહૂદી કોમ સારું બોલે છે, તેમને પવિત્ર દૂતની મારફતે સૂચના મળી છે કે તે તમને પોતાને ઘેર તેડાવીને તમારી વાતો સાંભળે.” 23ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને પરોણા રાખ્યા.
બીજે દિવસે તે તેઓની સાથે ગયો, અને જોપ્પામાંના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા. 24બીજે દિવસે તેઓ કાઈસારિયા આવી પહોંચ્યા. [તે વખતે] કર્નેલ્યસ પોતાનાં સગાંને તથા પ્રિય મિત્રોને એકત્ર કરીને તેઓની વાટ જોતો હતો. 25પિતર અંદર આવ્યો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો, અને તેને પગે પડીને તેણે દંડવત પ્રણામ કર્યા. 26પણ પિતરે તેને ઉઠાડીને કહ્યું, “ઊભા થાઓ. હું પણ માણસ છું.” 27તેની સાથે વાતો કરતો કરતો તે અંદર ગયો, ત્યારે તેણે ઘણાંને એકત્ર થયેલાં જોયાં. 28તેણે તેઓને કહ્યું, “તમે પોતે જાણો છો કે બીજી પ્રજાના માણસની સાથે સંબંધ રાખવો, અથવા તેને ત્યાં જવું, એ યહૂદી માણસને ઉચિત નથી, પણ ઈશ્વરે તે મને દેખાડ્યું છે કે, મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ. 29તેથી જ જ્યારે મને તેડવામાં આવ્યો, ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો, માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને તેડાવ્યો છે?”
30કર્નેલ્યસે કહ્યું, “ચાર દિવસ ઉપર હું આ ઘડી સુધી મારા ઘરમાં ત્રીજા પહોરની પ્રાર્થના કરતો હતો, ત્યારે જુઓ, ચળકતો પોશાક પહેરેલો એક માણસ મારી સામે ઊભો રહ્યો. 31તે બોલ્યો, ‘કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે. 32માટે તું માણસને જોપ્પા મોકલીને સિમોન, જેમનું બીજું નામ પિતર છે, તેમને તારી પાસે તેડાવ. તે સમુદ્રને કાંઠે સિમોન ચમારને ઘેર ઊતરેલા છે.’ 33માટે મેં તરત તમને તેડાવ્યા. અને તમે આવ્યા તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તમને ફરમાવી છે, તે સર્વ સાંભળવા માટે અમે બધા અહીં ઈશ્વરની સમક્ષ હાજર થયા છીએ.”
પિતેરનો સંદેશ
34ત્યારે પિતરે વાત શરૂ કરતાં કહ્યું, “હવે હું ખરેખર સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી. 35પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે. 36ઈસુ ખ્રિસ્ત (તે સર્વના પ્રભુ છે) તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતાં [ઈશ્વરે] ઇઝરાયલી લોકોની પાસે જે વાત મોકલી, 37એટલે યોહાને બાપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલીલથી માંડીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે પોતે જાણો છો. 38એટલે નાઝરેથના ઈસુની વાત કે જેમને ઈશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા. 39તેમણે યહૂદીઓના પ્રાંતમાં તથા યરુશાલેમમાં જે કામો કર્યાં તે સર્વના અમે સાક્ષી છીએ, વળી તેમને તેઓએ વધસ્તંભે જડીને મારી નાખ્યા. 40તેમને ઈશ્વરે ત્રીજે દિવસે ઉઠાડ્યા, અને સર્વ લોકોની આગળ નહિ, 41પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા જે સાક્ષીઓએ તેમના મૂએલાંમાંથી ઊઠ્યા પછી તેમની સાથે ખાંધુપીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેમને પ્રગટ કર્યા. 42તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે, ઈશ્વરે એમને જ જીવતાંના તથા મૂએલાંના ન્યાયાધીશ ઠરાવેલા છે. 43તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.”
વિદેશીઓ પવિત્ર આત્મા પામ્યા
44પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઊતર્યો. 45ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે [એ જોઈને] સુન્‍નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા. 46કેમ કે તેઓને [અન્ય] ભાષાઓમાં બોલતા, તથા ઈશ્વરની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા. 47ત્યારે પિતરે કહ્યું, “આપણી જેમ તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને બાપ્તિસ્મા આપવાને પાણીની મના કોણ કરી શકે?” 48તેણે ઈસુ ખ્રિસ્તને નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા આપી. પછી તેઓએ કેટલાક દિવસ [ત્યાં] રહેવાની તેને વિનંતી કરી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in