પ્રેરિતોનાં કૃત્યો 11
11
યરુશાલેમની મંડળી આગળ અહેવાલ
1હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓના સાંભળવામાં આવ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરની વાતનો અંગીકાર કર્યો છે. 2જયારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની સાથે વાદ કરતાં કહ્યું, 3“તેં બેસુન્નતીઓને ઘેર જઈને તેઓની સાથે ખાધું.” 4ત્યારે પિતરે તેઓને તે વાતનો વિગતવાર ખુલાસો કરીને કહ્યું,
5“હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી, અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલી હોય તેવું એક વાસણ આકાશમાંથી ઊતરતું જોયું. તે મારી પાસે આવ્યું. 6તેના પર એકી નજરે જોઈને મેં ધ્યાન આપ્યું, તો મેં [તેમાં] પૃથ્વી પરનાં ચોપગાં પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં. 7વળી મેં એક વાણી મને એમ કહેતી સાંભળી, પિતર, ઊઠ; મારીને ખા.’ 8પણ મેં કહ્યું, ‘પ્રભુ, એમ નહિ; કેમ કે મારા મોંમાં કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ વસ્તુ કદી પ્રવેશી નથી.’ 9પણ તેના ઉત્તરમાં આકાશમાંથી બીજી વાર વાણી થઈ, ‘ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.’ 10એમ ત્રણ વાર થયું. પછી તે બધાંને આકાશમાં પાછાં ખેંચી લેવામાં આવ્યાં. 11અને જુઓ, તે જ સમયે કાઈસારિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસ જે ઘરમાં અમે હતા તેની આગળ આવી ઊભા રહ્યા. 12[પવિત્ર] આત્માએ મને ક્હ્યું, ‘કંઈ પણ ભેદ રાખ્યા વિના તું તેઓની સાથે જા.’ આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે માણસના ઘરમાં ગયા. 13ત્યારે તેણે અમને ખબર આપી. ‘મેં મારા ઘરમાં એક દૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું, કે, [માણસને] જોપ્પા મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ. 14તે તને એવી વાતો કહેશે કે જેથી તું તથા તારા ઘરનાં સર્વ માણસો તારણ પામશે.’ 15હું બોલવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્મા ઊતર્યો હતો, તેમ તેઓ પર પણ ઊતર્યો. 16ત્યારે ‘યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો’ એ પ્રભુએ કહેલી વાત મને યાદ આવી. 17માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું [દાન] મળ્યું તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે, ઈશ્વરને અટકાવું?” 18આ વાતો સાંભળીને તેઓ છાના રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતાં કહ્યું, “ઈશ્વરે વિદેશીઓને પણ પશ્ચાત્તાપ [કરવાનું મન] આપ્યું છે કે તેઓ જીવન પામે.”
અંત્યોખમાં શિષ્યો ખ્રિસ્તી કહેવાયા
19સ્તેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનીકિયા, સાયપ્રસ, તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને [પ્રભુની] વાત પ્રગટ કરી ન હતી. 20પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી. 21પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.
22તેઓ વિષેના સમાચાર યરુશાલેમની મંડળીને કાને આવ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ સુધી મોકલ્યો. 23તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો. અને તેણે તેઓ સર્વને દઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો. 24કેમ કે તે સારો માણસ હતો, અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો, અને ઘણા લોકો પ્રભુ [ની મંડળી] માં ઉમેરાયા.
25પછી [બાર્નાબાસ] શાઉલની શોધ કરવા માટે તાર્સસ ગયો. 26અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોખ તેડી લાવ્યો. તેઓએ એક આખું વરસ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોખમાં “ખ્રિસ્તી” કહેવાયા.
27હવે એ દિવસોમાં પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા. 28તેઓમાંના આગાબાસ નામે એકે ઊભા થઈને આત્મા [ની પ્રેરણા] થી સૂચવ્યું, “આખા જગતમાં મોટો દુકાળ પડશે.” અને કલોડિયસની કારકિર્દીમાં તેમ જ થયું. 29ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી. 30તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર તે મોકલી.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 11: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.