YouVersion Logo
Search Icon

તિમોથીને પહેલો પત્ર 4

4
જૂઠા શિક્ષકો
1પણ [પવિત્ર] આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયમાં કેટલાક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર ધ્યાન આપીને, 2જૂઠું બોલનારા તથા જેઓનાં અંત:કરણ ડમાયેલાં છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે. 3તેઓ પરણવાની મના કરશે, અને વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાઓને માટે જે ખોરાક આભારસ્તુતિ કરીને આહાર કરવા માટે ઈશ્વરે ઉત્પન્‍ન કર્યો, તેથી દૂર રહેવાનું કહેશે. 4કેમ કે જો આભારસ્તુતિની સાથે તેનો ઉપયોગ થાય તો ઈશ્વરનું સર્વ ઉત્પન્‍ન કરેલું સારું છે, કંઈ નાખી દેવાનું નથી. 5કેમ કે ઈશ્વરના વચનથી તથા પ્રાર્થનાથી તેને પાવન કરવામાં આવે છે.
ઈસુ ખ્રિસ્તનો ઉત્તમ સેવક
6આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે, તેઓથી તારું પોષણ થશે. 7પણ અધર્મી અને કપોળકલ્પિત કહાણીઓથી અલગ રહે, અને ઈશ્વરપરાયણતાની કસરત કર. 8કેમ કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે; પણ ઈશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે, કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાયેલું છે. 9આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ રીતે સ્વીકાર કરવા યોગ્ય છે. 10એ હેતુથી આપણે એને માટે મહેનત તથા શ્રમ કરીએ છીએ, કેમ કે સર્વ માણસોને અને વિશેષે કરીને વિશ્વાસીઓને તારનાર જીવતા ઈશ્વર ઉપર આપણે આશા રાખેલી છે.
11આ વાતો ફરમાવજે તથા શીખવજે. 12તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. 13હું આવું ત્યાં સુધી શાસ્‍ત્રવાચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે. 14જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધદ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું હતું, તે વિષે તારે બેદરકાર રહેવું નહિ. 15એ વાતોની ખંત રાખજે. તેઓમાં તલ્‍લીન રહેજે કે, તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે. 16તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતને તેમ જ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for તિમોથીને પહેલો પત્ર 4