YouVersion Logo
Search Icon

તિમોથીને પહેલો પત્ર 3

3
મંડળીમાં આગેવાનો
1આ વિધાન ખરું છે, “જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કામની ઇચ્છા રાખે છે.” 2#તિત. ૧:૬-૯. અધ્યક્ષ તો નિર્દોષ, એક સ્‍ત્રીનો વર, પરહેજગાર, શુદ્ધ હ્રદયનો, સુવ્યવસ્થિત, આતિથ્ય કરનાર, શીખવી શકે એવો, 3મદ્યપાન કરનાર નહિ, મારનાર નહિ, પણ સહનશીલ; કજિયા કરનાર નહિ, દ્રવ્યલોભી નહિ, 4પોતાના ઘરનાંને સારી રીતે ચલાવનાર, પોતાનાં છોકરાંને પૂર્ણ ગાંભીર્યથી આધીન રાખનાર, એવો હોવો જોઈએ. 5(કેમ કે જો કોઈ માણસ પોતાના ઘરનાંને બરાબર રીતે ચલાવી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે?) 6નવો શિખાઉ નહિ જોઈએ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે. 7વળી તે નિંદાપાત્ર ન થાય, તથા શેતાનના ફાંદામાં ન ફસાય, માટે બહારના માણસોમાં એની શાખ સારી હોવાની જરૂર છે.
મંડળીમાં સેવકો
8એ જ પ્રમાણે સેવકો પણ ગંભીર, એકવચની, પીનાર નહિ, નીચ લાભના લોભી નહિ. 9વિશ્વાસી [ધર્મનો] મર્મ શુદ્ધ અંત:કરણથી માનનાર હોવા જોઈએ. 10તેઓની પ્રથમ પારખ થવી જોઈએ. પછી જો નિર્દોષ માલૂમ પડે તો તેઓ સેવકનું કામ કરે. 11એ પ્રમાણે સેવિકાઓ ગંભીર, નિંદાખોર નહિ, પરહેજગાર અને સર્વ વાતે વિશ્વાસુ હોવી જોઈએ. 12વળી સેવક એક જ સ્‍ત્રીનો પતિ, પોતાનાં છોકરાંને તથા ઘરનાંને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ. 13કેમ કે જેઓએ સેવકનું કામ સારી રીતે કર્યું હોય, તેઓ સારી પદવી [સંપાદન કરે છે] ; તથા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં ઘણા હિંમતવાન થાય છે.
મહાન રહસ્ય
14જો કે હું તારી પાસે વહેલો આવવાની આશા રાખું છું, તોપણ હું તને આ વાતો લખું છું. 15કે જેથી જો મને આવતાં વાર લાગે, તો માણસોએ ઈશ્વરના ઘરમાં [આવતાં] કેવી રીતે વર્તવું, એ તારા જાણવામાં આવે, એ ઘર તો જીવતા ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે. 16બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for તિમોથીને પહેલો પત્ર 3