YouVersion Logo
Search Icon

પિતરનો પહેલો પત્ર 1

1
1ઈશ્વર પિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા માટે, અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા માટે, પસંદ કરવામાં આવેલા, 2પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર:
તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.
જીવંત આશા
3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતાને ધન્યવાદ હો. તેમણે પોતે ઘણી દયા રાખીને મૂએલાંમાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને માટે, 4અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વતન તમારે માટે આકાશમાં રાખી મૂકેલું છે, 5અને જે તારણ છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે.
6એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી જુદા જુદા પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુ:ખી થયા છો, 7જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય: 8તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો. 9અને તમે તમારા વિશ્વાસનું ફળ, એટલે તમારા આત્માઓનું તારણ પામો છો.
10જે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિષે ભવિષ્યવચન કહ્યાં તેઓએ તે તારણ વિષે ખંતથી તપાસીને શોધ કરી. 11તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તનાં દુ:ખ તથા તે પછીના મહિમા વિષે અગાઉથી સાક્ષી પૂરી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતાં હતાં. 12તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહિ પણ તમારી સેવા કરી હતી, એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા, તે બાબતોની નિરીક્ષા કરવાની ઇચ્છા દૂતો પણ રાખે છે.
પવિત્ર જીવન જીવવા આહવાન
13એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો, અને ઈસુ ખ્રિસ્તના‍ પ્રગટ થવાને સમયે તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો. 14આજ્ઞાંકિત છોકરાં જેવા થાઓ, અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસનાની રૂએ ન વર્તો 15પણ જેમણે તમને તેડયા છે, તે જેવા પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારનાં આચરણમાં પવિત્ર થાઓ. 16કેમ કે લખેલું છે, #લે. ૧૧:૪૪-૪૫; ૧૯:૨. “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.” 17અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો. 18કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતાં આવેલાં વ્યર્થ આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે નહિ, 19પણ ખ્રિસ્ત જે, નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે 20તે તો જગતના મંડાણ અગાઉ નિર્માણ થયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્‍લા કાળમાં તે પ્રગટ થયા છે. 21તે દ્વારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર થાય.
22તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મન પવિત્ર કર્યા છે, માટે [ખરા] અંત:કરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રેમ કરો. 23કેમ કે વિનાશી બીજથી નહિ, પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે, તમને નવું જીવન આપવામાં આવ્યું છે. 24કેમ કે, #યશા. ૪૦:૬-૮. “સર્વ પ્રાણી ઘાસના સરખાં છે, અને તેઓનું તમામ ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે, ને તેનું ફૂલ ખરી પડે છે, 25પણ પ્રભુનું વચન સદાકાળ રહે છે”. અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે એ જ છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in